Abtak Media Google News

ખનિજ માફિયા સામે પીટીશન દાખલ કરનાર આરટીઆઇ એક્ટિવીસ્ટ અમિત જેઠવા હત્યા કેસમાં ચૂંટણી સમયે મહત્વનો ચૂકાદો

ગોંડલ મત વિસ્તારના ભાજપના ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાને નિલેશ રૈયાણી હત્યા કેસમાં જેલ હવાલે થવું પડયાના ગણતરીના દિવસોમાં જ જૂનાગઢ-કોડીનાર વિસ્તારના ભાજપના આગેવાન દિનુ બોઘાના અમિત જેઠવા હત્યા કેસમાં સુપ્રિમ કોર્ટ દ્વારા જામીન રદ કરી ૪૮ કલાકમાં સરન્ડર થવા આદેશ કર્યો છે.

કોડીનાર પંથકમાં ચાલતી ખનિજ ચોરી અંગે હાઇકોર્ટમાં પીટીશન દાખલ કરી આરટીઆઇ મુજબ માહિતી મેળવતા અમિત જેઠવાનું ગત તાત.૨૦ જુલાઇ ૨૦૧૦ના રોજ અમદાવાદ ખાતે ભાજપના પૂર્વ સાંસદ દિનુ બોઘાના સાગરીતોએ હત્યા કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

સોલા પોલીસે તટસ્થ તપાસ ન કરતા હાઇકોર્ટમાં દાદ માગી સીબીઆઇ દ્વારા તપાસ કરવામાં આવી હતી. સીબીઆઇ દ્વારા અમિત જેઠવા હત્યા કેસમાં પૂર્વ સાંસદ દિનુ બોઘાની ધરપકડ કર્યા બાદ હાઇકોર્ટ દ્વારા તેનો જામીન પર છુટકારો કર્યો હતો.

દિનુ બોઘાનો જામીન પર છુટકારો થતા તેના જામીન રદ કરવા સુપ્રિમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી જેની સુનાવણી પુરી થતા સુપ્રિમ કોર્ટ દ્વારા દિનુ બોઘાના જામીન રદ કરી ૪૮ કલાકમાં સરન્ડર થવા હુકમ કર્યો છે.

અમિત જેઠવા હત્યા કેસના આઠ મહત્વના સાહેદોની જુબાની પુરી ન થાય ત્યારે સુધી જેલમાં રહેવા હુકમ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.