Abtak Media Google News

૧૦મી ઓકટોબરથી સતત સાત દિવસ વ્રજરાજકુમારજી મહોદયની ખાસ ઉપસ્થિતિ

રાજકોટમાં નાના મવા રોડ, સ્પીડવેલ પાર્ટી પ્લોટ સામે આવેલ શ્રી કૃષ્ણ સંસ્કાર વર્લ્ડનું પ્રથમ ચરણ વીવાયઓ શ્રીનાથધામ હવેલી ખાતે વૈષ્ણવાચાર્ય ૧૦૮વ્રજરાજકુમારજી મહોદયના મનોરથ સ્વરૂપે આગામી આવતીકાલ તા.૧૮ થી ૧૬ ઓકટોબર સુધી શ્રી ઠાકોરજીના સુખાર્થે “અધિકમાસ મનોરથનું દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે. કોરોનાની મહામારી વચ્ચે સંપૂર્ણ સોશ્યલ ડિસ્ટન્સ અને સાવચેતી અને વૈષ્ણવોની સંપૂર્ણ સુરક્ષાને ધ્યાનમાં લઈને શ્રીનાથધામ હવેલીમાં શ્રી પ્રભુના સુખાર્થે યોજાયેલ નિત્ય મનોરથના સાંજે ૭ વાગ્યે દર્શન થઈ શકશે અને હવેલીમાં સવારે ૭:૩૦ થી ૮ મંગળા દર્શન અને બપોરે ૧૧.૩૦ થી ૧૨ રાજભોગના દર્શનનો સમય રહેશે. દર પુરૂષોત્તમ માસે ઠાકોરજીના સુખાર્થે વ્રજધામ અધ્યાત્મિક સંકૂલ, વડોદરાની દેશ વિદેશની તમામ હવેલીઓમાં વિવિધ મનોરથ થતાં જ હોય છે, ઠાકોરજીને વિશેષ લાડ લડાવવાનો આ શ્રેષ્ઠ અવસર છે. શ્રીમદ્ ભાગવદ્ ગીતામાં આ અધિક પુરૂષોત્તમ માસનું મહાત્મ્ય વરર્ણાવ્યું છે. આ અધિક માસ દરમિયાન ભગવદીય જીવો યજ્ઞ, પૂજન, દાન અને ઠાકોરજીના સુખાર્થે વિવિધ મનોરથ કરીને પોતાનું જીવન ધન્ય બનાવે છે.

તા.૧૦ થી ૧૬ ઓકટોબરના સાત દિવસો દરમિયાન વૈષ્ણાચાર્ય ૧૦૮ વ્રજરાજકુમારજી મહોદય રાજકોટમાં શ્રીનાથધામ હવેલી ખાતે બિરાજમાન છે, આ દિવસો દરમ્યાન નિત્ય બ્રહ્મસંબંધ દીક્ષા તથા નિત્ય શ્રી ઠાકોરજી પુષ્ટિકરણ પણ રાખવામાં આવેલ છે. અધિક માસમાં રાજકોટની શ્રીનાથધામ હવેલીમાં મનોરથ ન્યોછાવર વગેરે માહિતી માટે ઈચ્છુક વૈષ્ણવોએ ૭૨૨૬૯ ૯૭૬૬૪ અને ૭૨૨૬૯ ૯૭૬૬૩ નો સંપર્ક કરવા હવેલી કાર્યાલયની યાદીમાં જણાવાયું છે.

પુરૂષોત્તમ માસનું મહાત્મ્ય

ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણ પ્રભુ અર્જુનને કહે છે, “હે અર્જુન ! જે મનુષ્ય નિર્મોહી થઈને મને પુરૂષોત્તમ સ્વરૂપે જાણે છે તે સર્વજ્ઞ હોય, મને સર્વભાવથી ભજે છે. આવા મનુષ્ય મારી પાસે આવ્યા પછી જન્મ અને મરણના ભય અને જીવનમાં આવનારા સમસ્ત દુ:ખોથી મુક્તિ પામે છે. દર ત્રણ વર્ષે ભગવાન શ્રી પુરૂષોત્તમની આરાધનાનો માસ આવે છે, આ અધિક માસને મલમાસ પણ કહે છે. જે મનુષ્ય વિધિ અનુસાર આદરથી પુરૂષોત્તમ માસનું સેવન કરે છે તે પોતાના કુળનો ઉધ્ધાર કરીને મને પ્રાપ્ત થાય છે, આ અધિક-મલમાસમાં કરેલ સત્કર્મ, પુણ્યદાનનું પુણ્ય બીજા ૧૨ માસ કરતાં અનંતગણું ગણાશે, ભગવાન પુરૂષોત્તમના કૃપાપાત્ર આ માસને ત્યારથી “પુરૂષોત્તમ માસ પણ કહેવાય છે. આ અધિક માસ દરમિયાન ભગવદીય જીવો યજ્ઞ, પૂજન, દાન, ગૌસેવા, ઠાકોરજીના સુખાર્થે વિવિધ મનોરથો કરીને પોતાનું જીવન ધન્ય બનાવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.