Abtak Media Google News

આરટીઈ એકટ અંતર્ગત મફત અને ફરજિયાત શિક્ષણ અધિકાર નિયમમાં રાજય સરકારનો મહત્વનો સુધારો: શૈક્ષણિક વર્ષ ૨૦૧૯-૨૦થી આ જોગવાઈનો અમલ કરાશે

ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણ ગુણવત્તાને સુધારવા માટે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ગઈકાલે મોટી જાહેરાત કરી હતી. શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પત્રકાર પરીષદ યોજી જણાવ્યું હતું કે, હવેથી ધો.૫ અને ૮ની વાર્ષિક પરીક્ષાઓ યોજવામાં આવશે અને ધો.૫ અને ૮માં પણ વિદ્યાર્થીઓને નાપાસ કરી શકાશે. ઉલ્લેખનીય છે કે, અગાઉ ધો.૧ થી ૮નાં વિદ્યાર્થીઓને નાપાસ ન કરવા માટેની પોલીસી જાહેર કરવામાં આવી હતી.

વધુમાં શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે, આરટીઈ એકટ અંતર્ગત બાળકોનાં મફત અને ફરજીયાત શિક્ષણનાં નિયમ ૨૦૦૯ની કલમ ૧૪માં ભારત સરકારે ૧૦મી જાન્યુઆરી ૨૦૧૮નાં રોજ મહત્વનો સુધારો કરતા રાજય સરકારે પણ ૨૧ સપ્ટેમ્બર ૨૦૧૯નાં રોજ જાહેરનામું બહાર પાડીને બાળકોને મફત શિક્ષણનો અધિકાર નિયમો ૨૦૧૨નાં નિયમ ૨૪માં મહત્વનો સુધારો કર્યો છે. અગાઉ જયારે ધો.૧ થી ૮નાં વિદ્યાર્થીઓને નાપાસ ન કરવાની પોલીસી હતી જેનાં કારણે શિક્ષણની ગુણવતા પર માઠી અસર થઈ છે. પ્રાથમિક શિક્ષણને ગુણવતાયુકત બનાવવા ધો.૫ અને ધો.૮નાં વિદ્યાર્થીઓને હવે નાપાસ કરી શકાશે. નાપાસ વિદ્યાર્થીઓ બે માસ બાદ ફરીથી પરીક્ષા પણ આપી શકશે.

આ પરીક્ષા બાદ વિદ્યાર્થી નાપાસ થાય તો વાર્ષિક પરીક્ષા પછીનાં બે માસનાં સમયગાળા દરમિયાન વધારાનું શિક્ષણ પુરું પાડી પરીક્ષાની વધુ એક તક આપવામાં આવશે. તેમાં પણ જો નાપાસ થાય તો તેને નાપાસ કરવામાં આવશે. આ પરીક્ષાઓ જી.સી.ઈ.આર.ટી. દ્વારા લેવામાં આવશે. આ જોગવાઈનો અમલ શૈક્ષણિક વર્ષ ૨૦૧૯-૨૦ની કરવામાં આવશે. આ પરીક્ષાઓમાં નાપાસ થયેલા બાળક અન્ય શાળામાં પ્રવેશ મેળવે તેવા સંજોગોમાં ઉંમર આધારીત પ્રવેશનાં બદલે તે બાળક જે ધોરણમાં નાપાસ થયેલ હોય તેજ ધોરણમાં પૂન: પ્રવેશ આપવાનો રહેશે. પ્રાથમિક શાળામાં દાખલ કરવામાં આવેલા કોઈપણ બાળકને પ્રાથમિક શિક્ષણ પુરુ થતા સુધીમાં આ સિવાયનાં કોઈપણ કારણોસર કોઈ ધોરણમાં રોકી શકાશે નહીં. આ ઉપરાંત કોઈ બાળકનું પ્રાથમિક શિક્ષણ પુરુ ન થાય ત્યાં સુધી શાળામાંથી કાઢી શકાશે નહીં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.