Abtak Media Google News

૧૭મીએ ગ્રાન્ટેડ સ્કૂલોના કર્મીઓની માસ સીએલથી શૈક્ષણિક કાર્ય ઠપ્પ થશે

સાતમા પગાર પંચ સહિતના મુદ્દાઓને લઈને ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા શરૂ કરાયેલા આંદોલનમાં ૧૭ જુલાઈના રોજ માસ સીએસનો કાર્યક્રમ યોજવાનું નક્કી કરાયું છે. જેના ભાગરૂપે અત્યારથી જ સંકલન સમિતિ દ્વારા બુધવારે ગાંધીનગરમાં એક બેઠક યોજી હતી. આ બેઠકમાં તમામ ગ્રાન્ટેડ સ્કૂલોના સંચાલકોને ૧૭મીએ સ્કૂલો બંધ રાખવા માટે સૂચના આપવામાં આવી છે. ઉપરાંત સ્કૂલના આચાર્ય, શિક્ષકો, વહીવટી કર્મચારી તથા પટાવાળીની સીએલ મંજૂર કરવા માટેની સૂચના આપી છે. આ માટે ૧૩થી ૧૫ જુલાઈ દરમિયાન સીએલ ભરી તેની નકલ સંકલન સમિતિને મોકલી આપવાની સૂચના અપાઈ છે. ૧૭મીએ માસ સીએલ મૂકી તાલુકા અને જિલ્લા કક્ષાએ રામધૂનનો કાર્યક્રમ યોજાશે.વધુમાં શિક્ષકો સરકારનું નાક દબાવવા માટે સાતમા પગારપંચ સહિતના પ્રશ્ર્નો અંગે ઉકેલ થાય તેવી માંગ સાથે નર્મદા યાત્રાનો બહિષ્કાર કરવાના છે.

સાતમા પગાર પંચ સહિતના મુદ્દાઓને લઈને ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા સરકાર સામે બાંયો ચઢાવી છે જેમાં તબક્કાવાર કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. આ દરમિયાન બુધવારે ગાંધીનગર ખાતે સંકલન સમિતિની બેઠક મળી હતી. જેમાં રાજ્યના ૫૦૦ જેટલા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં સૌપ્રથમ અમરનાથમાં થયેલા હુમલામાં મૃત્યુ પામનારને શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી. ત્યારબાદ આગળની કાર્યવાહી હાથ ધરાઈ હતી. આ અંગે વિગતો આપતા સંકલન સમિતિના પ્રવક્તા પંકજ પટેલે જણાવ્યું હતું કે, બેઠકમાં ૧૭ જુલાઈના માસ સીએલના કાર્યક્રમને સફળ બનાવવા માટેની રણનીતિ તૈયાર કરાઈ હતી. સંચાલક મંડળના પ્રતિનિધિઓએ સંચાલકોને ૧૭મીએ સ્કૂલો બંધ રાખવા માટે આદેશ આપ્યો હતો. જેના પગલે ૧૭મીએ રાજ્યની ૧૦ હજાર જેટલી ગ્રાન્ટેડ સ્કૂલો બંધ રહેશે. ઉપરાંત સ્કૂલમાં ફરજ બજાવતા આચાર્ય, શિક્ષકો, ક્લાર્ક તથા પટાવાળાની માસ સીએસ મંજૂર કરવાની રહેશે. કર્મચારીઓએ પોતાનો માસ સીએલનો રિપોર્ટ ૧૩થી ૧૫ જુલાઈ દરમિયાન ભરીને આપી દેવાનો રહેશે.

૧૭મીના રોજ યોજાનાર માસ સીએલના કાર્યક્રમના દિવસે તાલુકા કક્ષા અને જિલ્લા કક્ષાએ રામધૂનનો કાર્યક્રમ યોજવામાં આવશે. ઉપરાંત બેઠકમાં બોર્ડની પરીક્ષાની મૂલ્યાંકનની કામગીરી ઝડપથી કરવા માટે પણ શિક્ષકોને સૂચના આપવામાં આવી છે. જોકે, ૧૭મીના રોજ માસ સીએલના કાર્યક્રમના દિવસે માસ સીએલ મૂકી મૂલ્યાંકન કેન્દ્ર સંવાહક, કો ઓર્ડિનેટર, મૂલ્યાંકનકાર અને પટાવાળા સહિતના કર્મચારીઓ કામગીરી કરશે નહીં અને તેનો રિપોર્ટ કેન્દ્ર સંવાહક પરીક્ષા સચિવને મોકલી આપશે તેવું નક્કી કરાયું છે. ઉપરાંત ૧૦ ઓગસ્ટે મહારેલીને સફળ બનાવવા માટે ઝોન કક્ષાએ મીટિંગ બોલાવવાનું નક્કી કરાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.