Abtak Media Google News

૧૩ વોર્ડમાં પાલિકાની ટીમો ચેકીંગ હાથ ધરશે : શાક માર્કેટમાં ૧૦ હજાર કાપડની થેલીનું વિતરણ કરાશે

મોરબી પાલિકા તંત્ર પ્લાસ્ટિકના પાણીના પાઉચ અને ૫૦ માઇક્રોનથી નીચેની પ્લાસ્ટિકની થેલીઓના વેચાણ- વપરાશ પર પ્રતિબંધની કડક અમલવારી કરાવશે. પાલિકા તંત્ર આજથી ૧૩ વોર્ડમાં જુદી જુદી ટીમો બનાવીને સઘન ચેકીંગ હાથ ધરશે.મોરબી નગરપાલિકા તંત્રએ પ્લાસ્ટિકના પાણીના પાઉચ અને ૫૦ માઇક્રોનથી નીચેના પ્લાસ્ટિકના ઝબલા, માવાના પ્લાસ્ટિકના કાગળ સહિતના પ્લાસ્ટિકના વેચાણ, વપરાશ કે સંગ્રહ પર પ્રતિબંધ ફરમાવી દીધો છે. ત્યારે આવતીકાલથી આ જાહેરનામાનો કડક અમલ શરૂ કરાશે. આ અંગે પાલિકાના ચીફ ઓફિસર ગિરીશ સરૈયાએ કહ્યુ હતું કે પ્લાસ્ટિકના પ્રતિબંધનું જાહેરનામું બહાર પાડયા બાદ આ અંગે લોકોને સમજણ આપી હતી. અને પ્લાસ્ટિકનું વેચાણ વપરાશ ન કરવાની સલાહ આપીને લોકોને તા.૨૨ થી આ જાહેરનામાનો ભંગ કરે તો દંડ ભરવો પડશે તેવી ચેતવણી અપાઇ હતી.

આજથી આ જાહેરનામાનો અમલ કરવામાં આવશે. જેમાં પ્રતિબંધીત પ્લાસ્ટિકનું વેચાણ વપરાશ કરનાર કે ગંદકી કરનારને રૂ.૫૦ થી લઈને ૨૫૦૦ સુધીનો દંડ કરાશે. એક જ વેપારી બે વાર પકડાઈ તો તેને ડબલ દંડ ફટકારવામાં આવશે. પાલિકા તંત્ર ૧૩ વોર્ડમાં ૧૩ ટીમો બનાવીને કડક ચેકીંગ હાથ ધરશે. ઉપરાંત પાંચ સભ્યોની ટીમ સતત ફરતી રહેશે. આ સાથે શાક માર્કેટમાં આશરે ૧૦ હજાર કાપડની થેળીનું વિતરણ કરવામાં આવશે જેથી લોકો પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ ટાળે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.