Abtak Media Google News

મોટી સ્થાનિક બજાર અને ઓછો લેબર દર ભારતનું જમા પાસુ: મહામારીએ આપેલી તક ઝડપી લેવા મોદી સરકારની તૈયારી

વડાપ્રધાન મોદીની આગેવાનીમાં દેશને વિશ્ર્વગુરુ બનાવવા માટે ઘણા સમયથી અભિયાન છેડાઈ ચૂકયું છે. કોરોના મહામારી ભારતને વિશ્ર્વગુરુ બનવાની તક આપવા જઈ રહી છે. ત્યારે ઔદ્યોગીક ક્ષેત્રે વૈશ્ર્વિક કંપનીઓને આકર્ષવા માટે ભારતને સપ્લાય ચેઈન મજબૂત બનાવવાની આવશ્યકતા છે. અત્યાર સુધીમાં ગોલ્ડન કોરીડોર સહિતની યોજનાઓ થકી દેશમાં સપ્લાય ચેઈન દ્રઢ બનાવાઈ છે. પરંતુ ચીનનો વિકલ્પ બનવા માટે હજુ ઘણુ કરવાની બાકી છે. ચીન દ્વારા તૈયાર કરવામાં આવેલી સપ્લાય ચેઈનની સરખામણીએ  ભારત  પાછળ છે. ચીને ૨૦ વર્ષ પહેલા જ તમામ તૈયારીઓ કરી લીધી હતી. ભારતે ધીમી ગતિએ મક્કમ પ્રારંભ કરી દીધો છે.

મહામારીના પગલે વૈશ્ર્વિક કક્ષાએ આર્થિક રણનીતિઓ બદલાઈ ચૂકી છે. અત્યાર સુધીમાં કંપનીઓને પડેલો ફટકો ખુબજ આઘાતજનક નિવડ્યો છે. વડાપ્રધાન મોદીની આગેવાનીમાં સરકાર દ્વારા કોર્પોરેટ ટેકસ, મજૂર કાયદા સહિતની નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. કોર્પોરેટ જગત ચીનના સ્થાને ભારતને પ્રાધાન્ય આપવા લાગે તે જરૂરી છે. થોડા સમય પહેલા જ ચીનમાંથી ઘણી કંપનીઓ ભારતમાં આવવા તૈયાર હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે હવે જે કંપનીઓ ચીનના સ્થાને અન્ય વિકલ્પ ગોતી રહી છે તે માટે વૈશ્ર્વિકક્ષાનું ઈન્ફાસ્ટ્રકચર બનાવવાની જરૂર છે. સમયસર ઉત્પાદનની સાથો સાથ ઉત્પાદન પહોંચી પણ શકે તે આવશ્યક છે.

આંતરરાષ્ટ્રીય કંપનીઓ જે દેશમાં સ્થાનિક માર્કેટ મોટુ હોય અને લેબર સસ્તા દરનું હોય તેને પ્રાધાન્ય આપતી હોય છે. મોટાભાગે અમેરિકા કે યુરોપની કંપનીઓ ચીન અથવા તો વિયેતનામ ઉપર પસંદગીનું કળશ ઢોળે છે. ચીને ઉદ્યોગ જગતમાં પોતાનું સામ્રાજ્ય વિકસાવવા માટે સપ્લાય ચેઈનની ખુબજ મજબૂત બનાવી દીધી છે. સીલ્ક રોડ સહિતની મહત્વકાંક્ષી યોજનાઓ ચીને લાંબા સમયથી શરૂ કરી દીધી હતી. આવા સંજોગોમાં મહામારીએ આ યોજનાને વિલંબમાં મુકી છે ત્યારે ભારત સપ્લાય ચેઈનમાં હરણફાળ ભરી વૈશ્ર્વિક કંપનીઓ માટે ચીનનો વિકલ્પ બની શકે છે. ભારતનું સ્થાનિક બજાર પણ ખુબજ મોટુ છે. ઉપરાંત લોકતંત્ર હોવાથી કંપનીઓને ચીન કરતા વધુ સાનુકુળ વાતાવરણ મળી શકે છે. જો કે, બ્યુરોક્રેસીના કારણે કંપનીઓ ભારતમાં પગદંડો જમાવતા મુશ્કેલી અનુભવે છે પરંતુ વડાપ્રધાન મોદીએ બ્યુરોક્રેસી નડતરરૂપ ન બને તે માટે તૈયારી કરી છે. ફૂડ પ્રોસેસીંગ, ફાર્મા, ડિફેન્સ, ટેકસ ટાઈલ્સ અને ઈલેકટ્રોનીક મુદ્દે તાજેતરમાં જ નાણામંત્રી નિર્મલા સિતારમને અગત્યની જાહેરાતો કરી હતી. દેશના આઈટી સેકટરે મહામારીના સમયમાં દાખવેલી અડગતાને સમગ્ર વિશ્ર્વએ વધાવી લીધી હતી.

વર્તમાન સમયે દુધ, કોફી, ઘઉં, ચોખા, ખાંડ, ફ્રૂટ અને શાકભાજીના ઉત્પાદનમાં ભારત વૈશ્ર્વિક લીડર ગણવામાં આવે છે. જો કે, સપ્લાય ચેઈનમાં રહેલી ખામીના કારણે ભારતની સંપૂર્ણ ક્ષમતા બહાર આવી શકી નથી. યુવા વર્ગની સંખ્યા ખુબ ઉંચી છે. લેબર દર નીચો છે. ત્યારે સપ્લાય ચેઈન પણ સુદ્રઢ બની જાય તો ભારત વિશ્ર્વગુરુ બની શકે છે.

મધ્યમ ઉદ્યોગોને સરકારના પ્રોત્સાહનો વ્યાપક પ્રમાણમાં મળે તે માટે ટર્નઓવરની મર્યાદા બેગણી કરાશે

મોદી સરકાર દ્વારા નાના અને મધ્યમ ઉદ્યોગોને બેઠા કરવા રૂા.૩ લાખ કરોડની ક્રેડીટ ગેરંટી સ્કીમની જાહેરાત કરવામાં આવી હતી. આ સ્કીમનો વધુને વધુ ઉદ્યોગો લાભ લઈ શકે તે માટે નાના અને મધ્યમ ઉદ્યોગોની વ્યાખ્યા પણ બદલાવવાની તૈયારી થઈ હતી. જેના અનુસંધાને મધ્યમ ઉદ્યોગોનું ટર્નઓવર રૂા.૨૦૦ કરોડનું હશે તો પણ તે સરકારની યોજનાઓનો લાભ લઈ શકશે. ગત તા.૧૩ મેના રોજ સરકારે લઘુ અને મધ્યમ ઉદ્યોગો માટે નવી વ્યાખ્યાઓ ઘડી કાઢી હતી. જે ઉદ્યોગોનું ઈન્વેસ્ટમેન્ટ રૂા.૧૦ કરોડથી વધુ અને ૫૦ કરોડથી ઓછુ હશે તેને લઘુ ઉદ્યોગો ગણાશે. જે ઉદ્યોગોનું ઈન્વેસ્ટમેન્ટ ૨૦ લાખ સુધીનું અને ટર્નઓવર ૧૦૦ કરોડનું રહેશે તેને મીડીયમ યુનિટ ગણાશે. એકંદરે સરકારે કરેલા ફેરફારના પગલે ઉદ્યોગોને વધુને વધુ લાભ મળશે.

ફિસ્કલ ડિફીસીટ બે આંકડે પહોંચે તેવી દહેશત

દેશના અર્થતંત્રને પાટે ચડાવવા માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ધડાધડ નોટો છાપી ટંકશાળા પાળી શકે છે. પરંતુ માત્ર નાણા છાપવા જ આર્થિક મુશ્કેલીઓનો અંત નથી. ફિસ્કલ ડિફીસીટ અને ફૂગાવો દેશને નડી શકે છે. અમુક અંશે ફૂગાવો જરૂરી છે પરંતુ વર્તમાન સમયે જોવાયેલી મુશ્કેલીઓમાં વધુ નોટો છાપી શકાય નહીં. દેશના અર્થતંત્રને મહામારીના કારણે ઘણુ નુકશાન થયું છે. ફરી બેઠા થવા માટે સમય લાગશે. સરકારે લીધેલા રાહતના પગલામાં પરિણામે ઉદ્યોગો બેઠા તો થશે પરંતુ વૈશ્ર્વિક વ્યાપારમાં જોવા મળેલી ફિસ્કલ ડિફીસીટ એટલે કે, નાણાકીય ખાદ્ય જોખમી સ્તરે વધી શકે છે. આર્થિક નિષ્ણાંતોના મત મુજબ નાણાકીય ખાદ્ય બે આંકડામાં પણ પહોંચી શકે. થોડા સમય પહેલા નાણાકીય ખાદ્ય ૫.૯ ટકા સુધીની હતી. હવે તેને ૧૦ ટકાથી વધવા વધુ સમય ન લાગે તેવી પણ આશંકા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.