Abtak Media Google News

કીટલી, છ મૂર્તિ અને સેન્ડ મળી ૬૪ કિલો ચાંદીની ચોરી રાજવી પરિવારને કરાતી જાણ: ત્રણ તસ્કરો સીસીટીવી કેદ

તસ્કરોએ થોડા વર્ષો પહેલાં જામનગર પેલેસમાં કરોડોની ચોરી કરી હતી તે રીતે વઢવાણના રાજ મહેલને તસ્કરોએ ફરી નિશાન બનાવી ‚ા.૧૮.૭૦ લાખની કિંમતની એન્ટીક વસ્તુઓની ચોરી થયાની પોલીસમાં ફરિયાદ નોંધાતા સનસનાટી મચી ગઇ છે. પોલીસે સીસીટીવી ફુટેજ મેળવી ચોરીનો ભેદ ઉકેલવા વિવિધ દિશામાં તપાસ હાથધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ વઢવાણના કંસારાવાડીમાં રહેતા રાજ મહેલના કર્મચારી સુનિલભાઇ હરીપ્રસાદ શુકલએ રાજ મહેલમાંથી સાત કિલો ચાંદીની કિટલી, દસ કિલો ચાંદીની સ્ત્રીની આકૃતિવાળી મૂર્તિ, ૨૮ કિલો ચાંદીના સેન્ડ, ચાર કિલો ચાંદીની નાની મૂર્તિ, ચાંદીની ખુરશી અને સોફાની ચાંદી મઢેલી નકસી મળી રૂ.૧૮.૭૦ લાખની કિંમતનું ૬૪ કિલો ચાંદી ચોરી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

રાજ પરિવાર ચૈતન્યસિંહ રાણા પરિવાર સાથે મુંબઇ સ્થાયી થયા છે. તેમના પેલેસની સુનિલભાઇ શુકલ દેખભાળ રાખે છે અને બે ચોકીદાર રાખવામાં આવ્યા છે. તેઓની નજર ચુકવી તસ્કરોએ અગાઉથી રેકી કરી રાજમહેલના ડાઇંનીગ હોલ, સભાખંડ અને બેડ‚મમાં માલ સામાન વેર વિખેર કરી કિંમતી ચિજ વસ્તુની ચોરી કર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે.

પોલીસે રાજ મહેલ ખાતે લગાવવામાં આવેલા સીસીટીવી ફુટેજ મેળવી તપાસ કરતા ત્રણ બુકાનીધારી શખ્સો રાતે એકાદ વાગે રાજ મહેલમાં ઘુસ્યા બાદ વહેલી સવારના પાંચ વાગ્યા સુધી પેલેસમાં રોકાયા બાદ એન્ટીક વસ્તુની ચોરી કર્યાનું બહાર આવ્યું છે. પોલીસે ત્રણેય તસ્કરો જાણભેદુ હોવાની શંકા સાથે ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. પી.એસ.આઇ. આર.બી.સોલંકી સહિતના સ્ટાફે વિવિધ દિશામાં તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.