શેરબજારમાં ફરી મંદી: સેન્સેકસમાં ૫૫૨ પોઈન્ટનો તોતીંગ કડાકો

211

સેન્સેકસે ફરી ૩૯,૦૦૦ની સપાટી તોડી: નિફટી પણ ૧૬૨ પોઈન્ટ પટકાઈ: ડોલર સામે રૂપિયામાં ૧૧ પૈસાની મંદી

કોર્પોરેટ ટેકસમાં ઘટાડો કરાયા બાદ ભારતીય શેરબજારમાં તેજીનો તોખાર શરૂ થયો હતો જે છેલ્લા બે દિવસથી અટકી ગયો છે. રોકાણકારોએ વેચવાલી શરૂ કરતા આજે શેરબજારમાં મંદીનું વાવાઝોડું ફુંકાયું હતું. સેન્સેકસમાં ૫૫૨ પોઈન્ટનો તોતીંગ કડાકો બોલી ગયો હતો. સેન્સેકસે ફરી એકવાર ૩૯,૦૦૦ પોઈન્ટની સપાટી તોડતા રોકાણકારોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. ડોલર સામે રૂપિયામાં પણ ૧૧ પૈસાની નબળાઈ જોવા મળી રહી છે.

આજે સવારે ભારતીય શેરબજારનાં બંને આગેવાન ઈન્ડેક્ષો સેન્સેકસ અને નિફટી રેડઝોનમાં ખુલ્યા હતા. રોકાણકારોએ ઉંચા મથાળે વેચવાલીનો દૌર શરૂ કરતા મંદી વધુ વિકરાળ બની હતી. સેન્સેકસે ઈન્ટ્રા ડેમાં ૩૯,૦૦૦ પોઈન્ટની સપાટી તોડી હતી તો નિફટીમાં પણ આજે કડાકો બોલી ગયો હતો. અમેરિકી ડોલર સામે રૂપિયો પણ ૧૧ પૈસા નબળો પડયો હતો. વિશ્ર્વભરનાં બજારોમાં મંદીનાં માહોલનાં કારણે ભારતીય બજાર દિવસભર બેઠુ થઈ શકયું ન હતું. ગત સપ્તાહે કેન્દ્ર સરકાર દ્વારા કોર્પોરેટ ટેકસમાં કરવામાં આવેલા તોતીંગ ઘટાડા અને શેરનાં વેચાણ પરથી થતી કમાણી પર કેપીટલ ગેઈન નાબુદ કરતા બજારમાં ૩૫૦૦ પોઈન્ટથી વધુનો ઉછાળો જોવા મળ્યો હતો. ચાલુ સપ્તાહે સોમવારે પણ બજારમાં તોતીંગ ઉછાળા નોંધાયા હતા. ગઈકાલથી ફરી બજાર મંદીની ગરતામાં ધકેલાઈ ગયું હોય તેમ આજે મંદીનું મહામોજુ ફરી વળ્યું છે. આ લખાય રહ્યું છે ત્યારે સેન્સેકસ ૫૫૨ પોઈન્ટનાં ઘટાડા સાથે ૩૮,૫૪૫ અને નિફટી ૧૬૧ પોઈન્ટનાં ઘટાડા સાથે ૧૧,૪૨૭ પોઈન્ટ પર કામકાજ કરી રહ્યું છે. મહામંદીમાં પણ પાવરગ્રીડ, ટીસીએસ, એનટીપીસી અને આઈઓસીનાં શેરનાં ભાવમાં ભારે ઉછાળા જોવા મળ્યા હતા તો ટાટા મોટર્સ, એસબીઆઈ, મારૂતી સુઝુકી અને મહેન્દ્રા એન્ડ મહેન્દ્રાનાં શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. સોના-ચાંદીનાં ભાવમાં પણ આજે સામાન્ય ઉછાળો નોંધાયો છે.

Loading...