Abtak Media Google News

દેશ વિરોધી પ્રવૃતિ, કર્મચારી હડતાલ, સમાજવાદી પ્રવૃતિ અને કોમી હુલ્લડોની માહિતી એકઠી કરી ગૃહ વિભાગને મોકલવાનું આઇબીનું કામ બન્યું સાઇડ લાઇન

ચૂંટણી પૂર્વે હરિફ પક્ષના સંભવિત ઉમેદવારના નામની યાદી તેના જમા અને ઉધાર પાસા સહિતની માહિતી સાથેનો આઇબીનો રિપોર્ટ સરકાર માટે મહત્વનો

ઇન્ટેલિજન્સ બ્યુરોનો રિપોર્ટ વાસ્તવિકતાની નજીક હોવાથી અન્ય સર્વે કરતા વધુ વિશ્વસનીયતા

સેન્ટ્રલ અને સ્ટેટ આઇબી (ઇન્ટેલિજન્સ બ્યુરો)નું કામ સરકાર માટે ઘણું મહત્વનું છે. દેશમાં ભાંગફોડની પ્રવૃતિ, ડ્રગ્સની હેરાફેરી, સરકાર વિરૂધ્ધ ચાલતા આંદોલન હોય કે પછી ચૂંટણીમાં આઇબીના અહેવાલના આધારે નિર્ણય લેવાતા હોય છે. વર્તમાન પરિસ્થિતીથીની રજેરજની માહિતી ગુપ્તચર તંત્ર દ્વારા ગૃહ વિભાગને પહોચાડી દેશની સલામતિથી લઇ સરકારના મંત્રી મંડળમાં કોને સ્થાન આપવું જરૂરી હોવા અંગેની પ્રતિબિંબ રજુ કરતા હોય છે.

ઘુષણખોરી, ડ્રગ્સની હેરાફેરી, આંતકવાદ પ્રવૃતિ, સ્મગ્લીંગ જેવી દેશદ્રોહી પ્રવૃતિ અંગે રજેરજની માહિતી એકઠી કરી સરકાર સુધી ગુપ્તચર વિભાગ દ્વારા પહોચાડી દેશને સલામત રાખવા ઘણી મહત્વની કામગીરી કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય હીલચાલ પર બાજ નજર રાખતા દેશની જાસુસી સંસ્થા રોની જેમ દેશમાં ચાલતી સરકાર વિરૂધ્ધની પ્રવૃતિનો સરકાર સમક્ષ અહેવાલ રજુ કરતા આઇબી ખરા અર્થમાં સરકારનો આઇનો છે.

સેન્ટ્રલ આઇબીની જેમ સ્ટેટ આઇબીનો અહેવાલ રાજયમાં ચાલતી પ્રવૃતિ પર બાજ નજર રાખી સરકારને ધ્યાન દોરી એલર્ટ કરતા હોય છે. રાજયના સરકારી કર્મચારીઓ કે જાયન્ટ ઇન્ડસ્ટ્રીઝના કર્મચારી દ્વારા હડતાલ પાડી આંદોલનની ઘટના હોય કે પછી કોમી રમખાણ ફાટી નીકળ્યા હોય ત્યારે કાયદો અને વ્યવસ્થા જાળવવાની સ્થાનિક પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવતી હોય છે પરંતુ હડતાલ કે કોમી તોફાનના આગામી દિવસોમાં શુ પ્રત્યાઘાત પડશે અને સ્થાનિક પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવાની થતી કામગીરી યોગ્ય છે કે અયોગ્ય તે અંગેનો રિપોર્ટ આઇબી દ્વારા જ કરવામાં આવે છે.

ધાર્મિક લાગણીની વાત હોય કે સમાજવાદી પ્રવૃતિ હોય તમામ ક્ષેત્રમાં ફરી રજેરજની માહિતી એકઠી કરી સરકાર દ્વારા શુ પગલા લેવામાં આવે તો કાયદો અને વ્યવસ્થા જાળવી શકાય અથવા ભાઇચારો જાળવવા શુ કરી શકાય તે અંગેની વિગતો આઇબી દ્વારા વિસ્તૃત અહેવાલ સરકારને મોલકવામાં આવતો હોય છે અને આઇબીના રિપોર્ટ આધારે સરકાર દ્વારા નિર્ણય લેવાતો હોય છે.

લોકસભા, ધારાસભા અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઇન્ટેલિજન્સ બ્યુરોની કામગીરી ઘણી મહત્વની હોય છે. ચૂંટણીમાં સતાધારી પક્ષના ઉમેદવાર સામે હરિફ પક્ષના સંભવિત ઉમેદાવાર કોણ હોય શકે હરિફ ઉમેદવારની જ્ઞાતિ, તેના મતદારો, વિસ્તારમાં તેની લોકચાહના અને તેના જમા-ઉધાર પાસાનો વિસ્તૃત અહેવાલ છ માસ પૂર્વે આઇબી દ્વારા ગૃહ વિભાગને મોકલવામાં આવે છે. ત્યાર બાદ ત્રણ માસ પછી બીજો રિપોર્ટ પણ આઇબી દ્વારા મોકલાયા બાદ સતાધારી પક્ષ પોતાના ઉમેદવાર નક્કી કરતા હોય છે. એટલે કે સતાધારી પક્ષના ઉમેદવારની યાદી તૈયાર કરવામાં પણ આઇબીનો રિપોર્ટ મહત્વનો ભાગ ભજવે છે.

ઉમેદવાર નક્કી થયા બાદ આઇબી દ્વારા તમામ બેઠક દીઠ જ્ઞાતિ મુજબ ઉમેદવારનું કેટલું વજન છે. તેના કામ કાજની મતદાનમાં શુ અસર થાય તેમ છે તેમજ તાજેતરમાં બનેલી ઘટનાના શુ પ્રત્યાઘાત પડશે તે અંગેની માહિતી પણ આઇબી દ્વારા ગૃહ વિભાગને મોકવામાં આવે છે અને કયો ઉમેદવાર બેઠક ગુમાવશે અને કયો ઉમેદવાર કેટલી લીડ સાથે વિજેતા બનશે તે અંગેની માહિતીનો આધાર પણ સરકાર આઇબીના રિપોર્ટ પર રાખે છે.

ચૂંટણી પુરી થયા બાદ કયાં ઉમેદવારને મંત્રી મંડળમાં સ્થાન આપવું જરૂરી છે તે અંગેની વિગતો પણ આઇબી દ્વારા જ સરકારને મોકલવામાં આવે છે. કેવી પરિસ્થિતીમાં અને કંઇ જ્ઞાતિના ઉમેદવાર વિજેતા બન્યા છે. તેને ધ્યાને રાખીને મંત્રી મંડળમાં વિજેતા ઉમેદવારનું સ્થાન નક્કી થતું હોય છે.

ઇન્ટેલિજન્સ બ્યુરો દેશની સલામતિથી લઇ ચૂંટણી અને મંત્રી મંડળ સુધીની તમામ વિગતો સરકારને પુરી પાડે છે. અને તેના આધારે જ મહત્વના નિર્ણય લેવાતા હોવાથી સરકારના તમામ નિર્ણયો આઇબી રિપોર્ટ આધારિત હોય છે એટલે જ ચૂંટણીમાં અન્ય સર્વે કરતા આઇબીનો રિપોર્ટ વધુ વિશ્ર્વનીયતા ધરાવતો હોય છે. અને હમેશા ચૂંટણીમાં આઇબી રિપોર્ટ મુજબ જ પરિણામ આવતા હોય છે.

ઇન્ટેલિજન્સ બ્યુરોમાં એડિશનલ ડીજીથી લઇ કોન્સ્ટેબલ સુધીના તમામ સ્ટાફનું ઘણું મહત્વ હોય છે. કોન્સ્ટેલ ચૂંટણીના સભા સરઘસમાં હાજરી આપી માહોલનું નિરિક્ષણ કરતો હોય છે તો આઇપીએસ અધિકારી અખબારના અહેવાલ, ટોચના રાજકીય નેતાની કામગીરી અને હાલની પરિસ્થિતીને ધ્યાને લઇને અભિપ્રાય તૈયાર કરતા હોવાથી આઇબીનો રિપોર્ટ હમેશા વાસ્તવીકતાની નજીક રહેતો હોવાથી આઇબી સરકારનો આઇનો ગણવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.