Abtak Media Google News

સંકટના સમયે પાયા વિહોણા આક્ષેપો કરવાને બદલે ઇન્દ્રનીલે ગરીબોની સેવામાં લાગી જવું જોઇએ: ભાજપ

શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડે ઇન્દ્રનીલ રાજયગુરૂને જડબાતોડ જવાબ આપતા જણાવ્યું હતું કે કે કુંભકર્ણ નિંદ્રામાંથી અચાનક જાગીને સસ્તી પ્રસિઘ્ધિ મેળવવા માટે ઇન્દ્રનીલ રાજયગુરુ મનફાવે તેવો બફાટ કરી રહ્યાં છે લાગે છે કે કોરોના વાયરસની અસર તેમના મન મગજ પર પણ થઇ ગઇ છે અને તેઓ જીભ પરનો કાબુ ગુમાવી કંઇપણ એલફેલ બોલી રહ્યા છે. કોરોના વાયરસની મહામારી ફેલાતી અટકાવવા માટે જાહેર કરેલા લોકડાઉનના સમયમાં લોકો ભૂખ્યા મરી રહ્યા છે. કોઇને ઘરની બહાર નીકળવામાં દેવામાં આવી રહ્યા નથી અને જરુરીયાત મંદ લોકોને અનાજ મળી રહ્યું નથી કે સરકાર કશું કરી રહી નથી વગેરે જેવા પાયા વિહોણા આક્ષેપો કરી ઇન્દ્રનીલ રાજયગુરુ સરકાર સાથે સેવાભાવી સંસ્થાઓને પણ ગેજવાજબી રીતે બદનામ કરી રહ્યા છે. લોકડાઉનમાં ઇન્દ્રનીલ રાજયગુરુના મગજને પણ લોક લાગી ગયું છે કે તેઓ સારું વિચારી સ્વીકારી શકતા નથી. એમ શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ, જીતે કોઠારી, કિશોર રાઠોડે યાદીમાં જણાવ્યું છે.

વધુમાં તેઓએ જણાવાયું છે કે મુખ્યમંત્રીના નેતૃત્વમાં રાજયના વહીવટી તંત્રએ આ અંગેનું સુદ્રઢ આયોજન કર્યુ છે. મુખ્યમંત્રીએ લોકડાઉનની આ સ્થિતિમાં નિરાધાર, વૃઘ્ધ નિ:સહાય અને એકલવાયું જીવન જીવતા તથા શ્રમિકો, કામદારોને બે ટંક પૂરતુ ભોજન મળી રહે તેવી વ્યવસ્થા ઉભી કરી છે. આ સંદર્ભમાં  આવા લોકોને ફુડ પેકેટસ ભોજન વિતરણની વ્યવસ્થા અંતર્ગત સમગ્ર રાજયમાં અત્યાર સુધીમાં ર૦ લાખથી વધુ ફુડ પેકેટસનું વિતરણ થયું છે. અનાજ, દુધ, શાકભાજીથી લઇ દરરોજ જોઇતી દરેક ચીજવસ્તુઓનો પુરવઠો પૂરતા પ્રમાણમાં છે. દોઢ વર્ષ સુધી ચાલે એટલા અનાજનો સંગ્રહ સરકાર પાસે છે. લાઇટબીલ, ગેસ, બેંકના હપ્તા વગેરે બધામાં છૂટછાટ અને રાહત આપવામાં આવ્યા છે.

સરકારની કામગીરી વિશે શંકા-સવાલો કરનારા ઇન્દ્રનીલ રાજયગુરુએ પોતાનું રાશન કાર્ડ લઇ સસ્તા અનાજની દુકાને જઇ લાઇનમાં ઉૈભા રહી અનાજ લઇ આવવું જોઇએ અથવા કોઇ સેવાભાવી સંસ્થાને ફોન કરી ઘર બેઠા ટિફીન મંગાવી જમી લેવું જોઇએ. જેથી તેમને લોકોને આપવામાં આવતા અનાજ અને ભોજનની ગુણવતા સાથે સરકાર અને સેવાભાવી સંસ્થાઓ શું કરી રહી છે તેની ચકાસણી થઇ જાય. નિવેદનના અંતે જણાવાયું છે કે પ્રજા બધુ જ જોઇ સમજી રહી છે એટલે ઇન્દ્રનીલ રાજયગુરુ રાજકારણ રમવાનું મૂકી લોકોને ગેરમાર્ગે દોરવાનું છોડી જનતાની સેવા કરવા આગળ આવે નહીં તો પ્રજા કોરોના વાયરસ સાથે આગામી ચુંટણીમાં તેમનો પણ સફાયો બોલાવી દેશે. એમ અંતમાં શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડે ઇન્દ્રનીલ રાજયગુરુને સણસણતો જવાબ આપતા જણાવ્યું હતું.

કલેકટર કચેરીએ ધરણા કરે તે પૂર્વે ઇન્દ્રનીલ રાજયગુરૂ અને વશરામ સાગઠીયાની અટકાયત

ગુજરાત સરકાર દ્વારા વિનામૂલ્યે રાશનના વિતરણમાં લોકોને રઝળપાટ થતી હોય જે મુદ્દે પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજયગુરૂ અને મ્યુનિ. કોર્પોરેશનના વિપક્ષી નેતા વશરામ સાગઠીયાની આગેવાનીમાં આજે કલેકટર કચેરી ખાતે પ્રતિક ધરણાનું આયોજન કરવામાં આવ્યું છે. હાલ શહેરના લોક ડાઉનની સ્થિતિ હોય અને ધરણાનો કાર્યક્રમ કરવામાં આવનાર હોય તે પહેલા જ પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજયગુરુ દ્વારા ધરણા કરવા ઘરેથી નીકળ્યા ત્યારે યુનિવર્સિટી પોલીસના પી.આઇ. આર.એસ. ઠાકર સહીતના સ્ટાફે અટકાયત કરી હતી. જયારે ચુનારાવાડ ચોક પાસે વશરામ સાગઠીયાની થોરાળા પોલીસે અટકાયત કરી હતી પોલીસે બન્ને સામે ગુજરાત પોલીસ એકટ કલમ ૬૯ મુજબ અટકાયત કરી અવસર વીતે છોડવાની પ્રક્રિયા કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.