સોની બજાર, દાણાપીઠ બાદ હવે કાપડ માર્કેટમાં પણ કાલથી સ્વયંભૂ લોકડાઉન

દિવાન પરા કાપડમાર્કેટના ૨૦૦, તથા દાણાપીઠના ૫૦૦ વેપારીઓ દ્વારા રવિવાર સુધી બંધ પાળવાનો લેવાયેલો નિર્ણય: પરાબજારના વેપારીઓ પણ આગામી દિવસોમાં બંધ પાળે તેવી શકયતા

રાજકોટમાં દિવસેને દિવસે કોરોના સંક્રમણે કાળો કેર વરતાવ્યો છે અને અનેક લોકોનો ભોગ લીધો છે ત્યારે આવતી કાલથી દિવાન પરા કાપડમાર્કેટ વેપારી એસોસિએશન દ્વારા સ્વયંભૂ લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો છે. સોનીબજાર, દાણાપીઠ બાદ હવે કાપડ માર્કેટ પણ સ્વયંભૂ બંધ પાળશે.

રાજકોટ કોરોનાનું હબ બનતુ જાય છે. દિન-પ્રતિદિન વધતા જતા કોરોના કેસ વચ્ચે પરિસ્થિત વણસતી જાય છે. ત્યારે શહેરની મુખ્ય બજારો સોનીબજાર, દાણાપીઠ બાદ હવે દિવાનપરા કાપડ માર્કેટ પણ આવતીકાલથી રવિવાર સુધી સ્વયંભૂ બંધ પાળશે.

સાપ્તાહિક લોકડાઉનના લેવાયેલા આ નિર્ણયમાં દાણાપીઠનાં ૫૦૦ વેપારીઓ તથા કાપડ માર્કેટના ૨૦૦ વેપારીઓ દ્વારા આ નિર્ણય જાહેર કરાયો છે.

હાલ મંદી, માંદગી અને મોંધવારીના વિષચક્ર વચ્ચે સોની બજાર બંધ રહેવાથી પ્રજાજનોને ખાસ કંઇ ફરક નહીં પડે, પણ દાણાપીઠ અને કાપડમાર્કેટ સ્વયંભૂ બંધ રહેવાથી પ્રજાજનોને મુશ્કેલી પડી શકે તેમ છે. પણ ‘જાન હૈ તો જહાન હૈ’નું સુત્ર અપનાવીને આ વાતને સ્વીકારવી પડશે. કાપડ માર્કેટ બાદ શહેરની વધુ એક મુખ્ય ગણાતી પરાબજાર પણ આગામી દિવસોમાં સ્વયંભૂ બંધ પાળશે તેવી શકયતાઓ છે.

ભાજપના સીનીયર કોર્પોરેટર કશ્યપ શુકલ અને મેયરના પી.એ.ને કોરોના

કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિ.કમિશનર પ્રજાપતિ પણ કોરોના સંક્રમિત: કોરોનાના વધતા જતાં ભરડાથી શહેરીજનોમાં ફફડાટ

રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં.૭ના ભાજપના સીનીયર કોર્પોરેટર અને સ્ટેન્ડિંગ કમીટીના પૂર્વ ચેરમેન કશ્યપભાઈ શુકલનો કોરોના રિપોર્ટ આજે પોઝિટિવ આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઉપરાંત મેયર બીનાબેન આચાર્યના પી.એ. કનૈયાલાલ હિંડોચા પણ કોરોના સંક્રમિત થયા છે. મહાપાલિકાના ડેપ્યુટી મ્યુનિ.કમિશનર પી.જે.પ્રજાપતિ પણ કોરોનાના સકંજામાં સપડાયા હોવાનું જાણવા મળી રહ્યું છે. આજે બપોર સુધીમાં શહેરમાં કોરોનાના વધુ ૪૩ કેસો નોંધાયા છે. શહેરની મુખ્ય બજારોમાં વેપારીઓ હવે સ્વૈચ્છીક લોકડાઉન તરફ વળ્યા છે.

ભાજપના સીનીયર કોર્પોરેટર અને સ્ટેન્ડિંગ કમીટીના પૂર્વ ચેરમેન કશ્યમભાઈ શુકલની તબીયત બે દિવસથી નરમ રહેતી હતી. આ ઉપરાંત તેઓના મોટાભાઈ કૌશીકભાઈ શુકલનો કોરોના પોઝિટિવ આવતા કશ્યકભાઈએ કોરોના ટેસ્ટ કરાવતા તેનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બન્ને શુકલ બંધુઓને શહેરના એરપોર્ટ રોડ પર આવેલ પેટ્રીયા કોવીડ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. મેયર બીનાબેન આચાર્ય અને તેમના પતિ જયેન્દ્રભાઈ આચાર્યને પણ કોરોના થયો હતો. તેઓ કોરોનાને મહાત કરવામાં સફળ રહ્યાં હતા. દરમિયાન આજે મેયરના પી.એ.કનૈયાલાલ હિંડોચાને પણ કોરોના થયો હોવાનું સામે આવ્યું છે.

આજે સવારે તેઓનો ટેસ્ટ કરવામાં આવતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ તેઓ હોમ કવોરન્ટાઈન હેઠળ છે. તેના સંપર્કમાં અનેક કર્મચારી તથા પત્રકારો આવ્યા હોય તેઓમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.

મહાપાલિકાની ડે.મ્યુનિ.કમિશનર એ.આર.સિંગ અગાઉ કોરોના સંક્રમિત થયા છે. દરમિયાન ગઈકાલે કોર્પોરેશનના વધુ એક પીએમસી પી.જી.પ્રજાપતિ કોરોનાના સકંજામાં સપડાયા છે. મહાપાલિકામાં જે રીતે કોરોનાનો સંક્રમણ વધી રહ્યું છે તે ચિંતાજનક છે. સાંસદ, ધારાસભ્ય, મેયર બાદ હવે કોર્પોરેટરો પણ કોરોનાના સકંજામાં સપડાય રહ્યાં છે. ગઈકાલે શહેરમાં કોરોનાના ૯૮ કેસ નોંધાયા બાદ આજે બપોર સુધીમાં વધુ ૪૩ પોઝિટિવ કેસ નોંધાયા છે. આજ સુધીમાં કોરોનાના કુલ ૪૪૮૫ કેસ નોંધાયા છે. જે પૈકી ૨૮૨૫ દર્દીઓ કોરોનાને મહાત કરવામાં સફળ રહ્યાં છે. શહેરનો રિકવરી રેટ ૬૩.૫૯ ટકા છે. આજ સુધીમાં ૧,૨૯,૩૨૦ ટેસ્ટ કરવામાં આવ્યા છે. પોઝિટિવીટી રેટ ૩.૪૩ ટકા હોવાનું જાણવા મળી રહ્યું છે.

Loading...