Abtak Media Google News

મુખ્યમંત્રી રૂપાણીની સંવેદના: દર્દીઓ અને કોરોના વોરિયર્સ સાથે વીડિયો કોન્ફરન્સથી સીધો સંવાદ: કોરોનાના દર્દીઓને બચાવવા દિવસ-રાત કામ કરતાં ડોકટર્સ, નર્સ અને તબીબી સ્ટાફને અભિનંદન આપતા મુખ્યમંત્રી

જ્યારે મુખ્યમંત્રી રૂપાણીને કોરોનાના દર્દીએ ગળગળા થઈ કહ્યું…

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે સારવાર લઈ રહેલાં કોરોનાના દર્દીઓ અને તેમની દિવસ-રાત સેવા કરતાં ડોકટર્સ અને નર્સ સાથે ગાંધીનગર ખાતેથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સીધો સંવાદ કરીને સંપૂર્ણ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.

Advertisement

ગાંધીનગર ખાતે સીએમ ડેશબોર્ડના માધ્યમથી સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે સારવાર લઈ રહેલાં કોરોનાના દર્દીઓ અને તબીબો સાથે સંવાદ કરતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતુ કે, કોરોનાના દર્દીઓનો જીવ બચાવવા માટે રૂ. ૫૦ હજારથી વધુ કિંમતનું લાઈફ સેવિગ  ઈન્જેક્શન  આપવા સરકાર કટિબદ્ધ છે. રાજ્ય સરકાર પાસે પુરતી માત્રામાં આ ઈન્જેક્શનનો જથ્થો ઉપલબ્ધ છે.

મુખ્યમંત્રી સાથેના આ સંવાદ દરમિયાન સિવિલ હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ  શ્રેષ્ઠ સારવાર અને ઉત્તમ સુવિધા બદલ કોરોનાના દર્દીઓએ રાજ્ય સરકારનો અંત:કરણપૂર્વક આભાર માન્યો હતો.

કોરોનાના દર્દીઓને બચાવવા સિવિલ હોસ્પિટલ-અમદાવાદ ખાતે કોવિડ-૧૯ વોર્ડમાં જીવના જોખમે દિવસ-રાત કામ કરતાં કોરોના વોરિયર્સ જેવાં કે, ડોકટર્સ, નર્સ અને તબીબી સ્ટાફને પણ મુખ્યમંત્રીએ તેમની શ્રેષ્ઠ કામગીરી બદલ અભિનંદન આપીને તેમનો જુસ્સો વધાર્યો હતો.

મુખ્યમંત્રી તથા કોરોના દર્દીઓ અને તબીબો વચ્ચે થયેલા સંવાદના મુખ્ય અંશો

મુખ્યમંત્રી: કેમ ચાલે છે, દર્દીઓના ડિસ્ચાર્જમાં વધારો થયો છે કે નહીં ?

તબીબ મુક્તેશ: હા સાહેબ, ખૂબ સરસ ચાલે છે. દર્દીઓના ડિસ્ચાર્જમાં સુધારો થયો છે અને અહિંયા કોઈ સમસ્યા નથી, પૂરતી માત્રામાં સાધનો, દવાઓ બધુ જ ઉપલબ્ધ છે.

મુખ્યમંત્રી: કોરોના દર્દીઓની સારવાર પ્રોટોકોલ મુજબ થાય છે કે નહીં

તબીબ મુક્તેશ: હા સાહેબ, પ્રોટોકલ મુજબ જ સારવાર થાય છે અને સિવિલના સિનિયર ડોકટર્સ પણ કોવિડ વોર્ડની મુલાકાત કરે છે.

મુખ્યમંત્રી: નવીનભાઈ આપની તબિયત કેવી છે ?

દર્દી નવીનભાઈ સોલંકી: ખૂબ સારી છે, હવે તાવ નથી. શરૂઆતમાં ક્રિટિકલ કન્ડિશન હોવાથી ૧૨ દિવસથી ICUમાં સારવાર બાદ હવે સંપૂર્ણ સ્વસ્થ છું.

હું આવ્યો ત્યારે ૯૫ ટકા એવું હતુ કે, હવે હું જીવી નહીં શકુ… પણ ડો. કાર્તિક પરમાર અને તેમની ટીમની સારવાર બાદ માત્ર ચાર દિવસમાં મને ખૂબ સુધાર લાગ્યો. સ્ટાફના સહયોગથી મારુ જીવન બચ્યુ છે. હું મારા પરિવારને મળી શકીશ.

સાહેબ, હું કદાચ સિવિલમાં ન આવ્યો હોત તો, હું બચી શકયો ન હોત. અહિં સિવિલમાં જમવાથી માંડીને તમામ સુવિધા ખૂબ સરસ છે. હું રાજ્ય સરકાર અને સિવિલના તબીબોનો આભાર માનું છું.

મુખ્યમંત્રી: આપ કેમ છો?

દર્દી કુરેશી ઉસ્માન ગની : સાહેબ, સારવાર ખૂબ સારી ચાલે છે. છેલ્લાં બે-ત્રણ દિવસથી તાવ નથી. અહીં હોસ્પિટલમાં જમવા તેમજ આરોગ્ય સહિતની સુવિધાઓ સુંદર છે.

મુખ્યમંત્રી: આપ કયા વિસ્તારમાંથી આવો છો ?

દર્દી કુરેશી ઉસ્માન ગની : સાહેબ, મીરઝાપુરથી… મારા ઘરના કોઈ પણ સભ્યને કોરોનાનો ચેપ લાગ્યો નથી… સિવિલના તબીબો નિયમિત મને ચકાસવા પણ આવે છે.

મુખ્યમંત્રી: આપની તબિયત કેવી છે બહેન ?

દર્દી સંધ્યાબેન: સાહેબ, પહેલાં કરતાં વધુ સારું છે. હું નવ દિવસથી સારવાર લઈ રહી છું. અહિંયા તમામ વ્યવસ્થા ખૂબ સારી છે. છેલ્લાં કેટલાંક દિવસથી તાવ નથી.

મુખ્યમંત્રી: બહેન આપને દર્દીઓની સેવા કરવાનો મોકો મળ્યો છે તો દિલથી સેવા કરજો..

મુખ્યમંત્રી: ડો. કાર્તિક આપ પ્રથમ દિવસથી જ ખૂબ સારું કામ કરો છો.. આપ સારવારની સાથે દર્દીઓ સાથે સહાનુભૂતિ પણ રાખો છો તે બદલ તમને શુભેચ્છાઓ..

મુખ્યમંત્રી: કુલદિપભાઈ આપની તબિયત કેવી છે..

દર્દી કુલદિપ મિશ્રા: સાહેબ, શરૂઆતમાં શ્વાસ લેવામાં ખૂબ તકલીફ પડતી હતી. પરંતુ, ડોકટર દ્વારા ખાસ ઈન્જેક્શન આપ્યાં બાદ હવે ખૂબ સારું છે.

સાહેબ આવ્યો ત્યારે જીવવાનો ભરોસો નહોતો.. આજે ઓક્સિજન સિસ્ટમના સહયોગ વિના હરી ફરી શકું છુ અને વાત-ચીત કરી શકું છુ.

મુખ્યમંત્રી: યુસુફભાઈ હવે કેવું છે..

આ ઉપરાંત ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે કોરોનાના દર્દીઓને અપાતી સારવાર અને સુવિધા બાબતે સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડો. પ્રભાકરન સાથે ગાંધીનગર ખાતેથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંવાદ કરીને જરૂરી માહિતી મેળવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.