લોકચાહના ભણી અવિરત આગેકૂચ સાથે ‘અબતક’નો ૧૦મા વર્ષમાં ઝળહળતો પ્રવેશ

પૂ. ભાવેશબાપુના હસ્તે દિપ પ્રાગટયથી નવી ઉર્જા અને નવા સંકલ્પ સાથે થયો નવા વર્ષનો પ્રારંભ

‘અબતક’નો વાંચક સમુદાય નાનો નથી. એણે મારા ઉપર ખૂબ સ્નેહ વરસાવ્યો છે. એટલો સ્નેહ કે જે ખૂટે નહિ. અને એવો સ્નેહ કે જે કસોટીની કાળમીંઢ શિલાને તોડીનેય ‘અબતક’માં અંકુરને પાંગરતુ રાખી શકયો…

પા-પા પગલી ભરતા બાળકને તમે જોયા હશે. સપાટ જમીન હોય તો એને સરળતા રહે.. સહેજ ચઢાણ -ઉતરાણ આવે તો પણ મથામણો કરીને એ ચાલતા રહી શકે… ગજા બહાર અવરોધ આવે ત્યારે જ એ ગબડી પડે, ને પછી ઉભા થઈને ફરી ચાલતા વાર પણ લાગે ! એમને લાગેલી ઠેસ માટે કે અવરોધ માટે કોઈનેય દોષ દેવાનો એમનો સ્વભાવ નથી હોતો.. એ પડે છે ત્યારે કોઈ એને ઠપકો દે છે… તો કોઈ અનુકંપા પણ બતાવે છે. પણ એમનું મીશન તો બસ ચાલી બતાવવું હોય છે…

એક મૌજ મચલ જાય તો તુફા બન જાએ

એક ફૂલ અગર ચાહે તો ગુલિસ્તા બન જાએ.

એક ખૂન કે કતરે મેં હૈ તાસીર ઈતની

એક કૌમ કી ત્વારીખ કા ઉન્માં બન જાએ.

એક નાનકડી લહેર તોફાન બની શકે છે, કારણ કે એ નાનકડી લહેરમાં સાગર પણ છૂપ્યો છે. એક નાનકડુ ફૂલ મોટો બાગ બની શકે છે, કારણ કે એ ફૂલ આખીયે પૃથ્વીને ફૂલોથી ભરી દઈ શકે છે. પૃથ્વીને એક જ બીજ મળી જાય તો આખીયે પૃથ્વી હરિયાળી બની શકે છે. ખૂનના એક બુંદમાં એક એવું જોશ છુપાયું છે કે એકાદ જાતિના અમર ઈતિહાસનું તે એક શિર્ષક બની શકે છે.

તમે કોણ છો તે પણ, કદાચ, તમને ખબર નથી ! તમે કંઈક હોવાની જે જાણ તમને છે એ તો તમારા સમગ્ર ભવન પર પહોચવાની સીડી માત્ર છે. તમે ભવનમાં તો પ્રવેશ માત્ર કર્યો નથી! તમે એ કિનારે બેસી ગયા છો કે જેને તમે સંસાર કહો છો, અને તમને જગાડવાની કોઈ કોશીશ કરે તો તમે એનો જબ્બર પ્રતિકાર કરો છો, હર ઉપાય કરો છો. તમારી નિંદ્રા તૂટી નહિ તે માટે બનતું બધુ જ કરો છો તમને જગાડવા જ માગતી વ્યકિત તમને દુશ્મન જેવી લાગે છે.

પરંતુ બધુ, મહાવીર, કૃષ્ણ, શ્રી રામ વગેરે તમારી નિંદ્રા તોડવા સુધી પહોચી જાય ત્યારે તૂર્ત તમે બીજો કિનારો કેટલો દૂર છે અને વહેલી તકે ત્યાં કયારે પહોચી જવાય એ રટણ શરૂ કરી દો છો.. ‘જડ’ રહેવાની તમારી આદત તમને છોડતી જ નથી એ બેહદ ગહન અને બેહદ સંગીન છે.

એક ફિલસુફે કહ્યું છે કે, જડતાનો મોહ એજ મંજિલની તલાશ છે. બાકી ચૈતન્ય તો પ્રવાહ છે, યાત્રા છે, વહેવાની સતત પ્રક્રિયા છે અને સુખદ સળવળાટ છે !

પથ્થર થંભી શકે.

ફૂલ કેમ થંભે?

ફૂલને તો વધુને વધુ ફોરવું છે અને વિકસવું છે. ફૂલને તો કરોડો અને અબજો નવા ફૂલમાં પરિણમવું છે. એક જ ફૂલને સમગ્ર વિશ્ર્વમાં છવાઈ જવું છે. ફૂલ કેમ થંભે ?

ફૂલ એક યાત્રા છે, મંજિલ નથી.

પથ્થર જ થંભે છે અને અચલિત પડયો રહે છે. ફૂલ આવે છે.ક્ષણભર થંભે છે. પથ્થરની પાસે, અને ફરી યાત્રા શરૂ કરે છે. પથ્થર એની જગ્યાએ પડયો રહે છે. ફૂલ વિષે ભાતભાતની વાતો કરતો અને કલ્પનાઓ કરતો !…

‘અબતક’ની બાબતમાં મારે એટલું કહેવાનું છે. પોતાને ઘણુ ઘણું મળ્યું હોવા છતા કંઈકને કંઈક ખૂટતું હોવાની અને વધુ મેળવવાની મનોવૃત્તિ ધરાવતા માનવીને રિઝવવા કે સંતોષવાના પ્રમાણિક પ્રયત્નો કરવાના છે.

‘અબતક’ એક યાત્રા છે. પેલા ફૂલની ઝંખના, એ ‘અબતક’ની ઝંખના છે. ‘અબતક’ના હૃદયમાં પૂ. ગુરૂદેવની પ્રેરણાનો ઘુઘવાટ છે એ નિર્વિવાદ છે.

તમામ ભૂલચૂકની તમારી સૌની પાસે અને પૂ. ગૂરૂદેવ પાસે શુધ્ધ હૃદયે માફી માગીને આ અંક તમારા હાથમાં મુકુ છું.

આવી અચળ શ્રધ્ધા સાથે હું કહુ છું કે ‘એક મૌજ મચલ જાએ, તો તુફા બન જાય; એક ફૂલ અગર ચાહે, તો ગુલિસ્તાન બનજાએ!’

‘અબતક’ સાંધ્ય દૈનિકે પૂ. ગૂરૂદેવ જગાબાપાના આર્શિવાદથી આજે સફળતાપૂર્વક ૯ વર્ષ પૂર્ણ કરી ૧૦માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. આ શુભદિને પૂ. ભાવેશબાપુના હસ્તે દિપ પ્રાગટય કરી ‘અબતક’ પરિવારે નવા સંકલ્પ અને નવી ઊર્જા સાથે નવા ધ્યેયો સિધ્ધ કરવાની નેમ રાખી આ પ્રસંગને હરખભેર વધાવ્યો છે.

Loading...