Abtak Media Google News

દિવાળી પૂર્વે રાજ્ય સરકાર દ્વારા કોર્પોરેશનને દૈનિક 6,000 રેપીડ ટેસ્ટીંગ કીટ ફાળવવામાં આવતી હતી હવે માત્ર

3,000 જ અપાય છે: ઓછા ટેસ્ટીંગના કારણે કોરોનાનું સંક્રમણ વધે તેવી દહેશત: બપોર સુધીમાં વધુ 37 કેસ

દિવાળીના તહેવારો પૂર્ણ થતાંની સાથે જ કોરોનાનું સંક્રમણ ફરી સતત વધી રહ્યું છે. રાજ્યભરમાં કોરોના માટેની રેપીડ ટેસ્ટીંગ કીટની તિવ્ર અછત વર્તાઈ રહી છે. સરકારે રાજકોટને ફાળવવામાં આવતી ટેસ્ટીંગની કીટની સંખ્યા 50 ટકા કરી દીધી હોવાનું જાણવા મળી રહ્યું છે. ઓછા ટેસ્ટના કારણે શહેરમાં કોરોનાનું સંક્રમણ વધે તેવી દહેશત પણ તંત્રમાં વ્યાપી જવા પામી છે. દરમિયાન આજ સાંજ સુધીમાં શહેરમાં કોરોનાના કુલ કેસનો આંક 10,000ને પાર થઈ જશે. આજે બપોર સુધીમાં વધુ 37 પોઝિટિવ કેસ નોંધાતા આજ સુધીમાં કુલ પોઝિટિવ કેસનો આંક 9973 થવા પામ્યો છે. મહાપાલિકાના વિશ્ર્વસનીય સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગતો મુજબ અગાઉ કોરોનાના વધેલા સંક્રમણ દરમિયાન રાજ્ય સરકાર દ્વારા રાજકોટ શહેરને દૈનિક 6,000 રેપીડ ટેસ્ટીંગ કીટની ફાળવણી કરવામાં આવતી હતી. દરમિયાન છેલ્લા કેટલાક દિવસોથી આ સંખ્યા 50 ટકા કરી દેવામાં આવી છે. હાલ દૈનિક માત્ર 3,000 કીટની જ  ફાળવણી કરવામાં આવી રહી છે. રાજકોટ સહિત રાજ્યભરમાં દિવાળીના તહેવાર બાદ કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. આવામાં ટેસ્ટીંગ કીટની તિવ્ર અછત વ્યાપી જવા પામી છે. કીટની સંખ્યામાં વધારો કરવા માટે મહાપાલિકાના પદાધિકારી અને અધિકારી દ્વારા રાજ્ય સરકાર સમક્ષ છેલ્લા 10 દિવસમાં અનેકવાર માંગણી કરવામાં આવી હોવા છતાં ટેસ્ટીંગ કીટની સંખ્યા વધારવામાં આવતી નથી. આગામી દિવસોમાં કોરોનાનું સંક્રમણ વધે તેવી દહેશત પણ તંત્રમાં વ્યાપી જવા પામી છે.

ગઈકાલે દિવસ દરમિયાન 3036 ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને 85 પોઝિટિવ કેસ મળી આવ્યા હતા. કાલે 81 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા હતા. પોઝિટિવીટી રેટ 2.79 ટકાએ પહોંચવા પામ્યો છે. દરમિયાન ગઈકાલે સાંજથી આજ બપોર સુધીમાં કોરોનાના વધુ 37 કેસ નોંધાયા છે. કુલ કેસનો આંક 9973એ પહોંચ્યો છે. આજ સાંજ સુધીમાં કોરોનાનો આંક 10,000ને પાર થઈ જશે. રીકવરી રેટમાં પણ હવે ધીમે ધીમે ઘટાડો નોંધાઈ રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજકોટ શહેર અને જિલ્લામાં કોવિડ અને નોન કોવિડથી 8 વ્યક્તિઓના મૃત્યુ થયા હોવાની જાહેરાત કરવામાં આવી છે. હાલ શહેરમાં 50 વિસ્તાર માઈક્રો ક્ધટેઈનમેન્ટ ઝોન હેઠળ હોવાનું આજથી ફરી જાહેર કરાયું છે. સરકારી અને ખાનગી કોવિડ હોસ્પિટલમાં 2074 બેડ ખાલી છે. કોરોનાના સંક્રમણને અટકાવવા માટે ટેસ્ટીંગ વધારવું જરૂરી છે પરંતુ રાજ્યભરમાં કોરોનાની બીજી લહેર શરૂ થઈ ગઈ છે. આવામાં ટેસ્ટીંગ કીટની તિવ્ર અછત વર્તાઈ રહી છે. જેના કારણે રાજકોટ જેવા મહાનગરને પણ પર્યાપ્ત માત્રામાં કીટની  ફાળવણી કરવામાં આવતી નથી.  ધીમે ધીમે સરકારી અને ખાનગી કોવિડ હોસ્પિટલો ફરી દર્દીથી ઉભરાવા લાગી છે. શહેરમાં રાત્રી કફર્યુંના પણ ભણકારા વાગી રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.