Abtak Media Google News

શીખ ગુરુદ્વારા, માલધારી સમાજ, બિલ્ડર્સ એસોસિએશન, આર.એસ.એસ., પ્રહલાદ પ્લોટ દેરાસર, નાગેશ્વર જૈનમંદિર યુવક મંડળ સહિતની સંસ્થાઓ સેવા કાર્યો માટે મેદાને

રોટલી બનાવી સ્વયંસેવી સંસ્થાઓ મારફત જરૂરિયાતમંદો સુધી ભોજન પહોંચાડાય છે

‘તપસમ્રાટ રોટી મહાઅભિયાન’ હેઠળ ‘રોટી ઓન વ્હીલ્સ’ પણ કાર્યરત

આફતની સામે ઝઝુમીને પણ જીવનસંઘર્ષને જીતવાનું ખમીર ગુજરાતીઓના રગેરગમાં છે. એમાંય સૌરાષ્ટ્રની ધરા પર ભક્તી અને સેવાની ફોરમ ફેલાવતી અનેક ધાર્મિક અને સમાજસેવી સંસ્થાઓ કાર્યરત છે. વર્તમાન સમયમાં કોરોનાની મહામારીને કારણે લોકડાઉનની સ્થિતિમાં ઉદ્યોગ અને વેપાર બંધ હોવાથી રોજીંદીઆવક પર નભનારા અનેક શ્રમિકોને આવક બંધ થઇ ગઇ છે. ભોજન વિના ભૂખ્યુ ન સુવું પડે તે માટે અનેક સ્વયંસેવી સંસ્થાઓ તેઓને ઘર આંગણે જ ભોજનની સુવિધા સુલભ થાય તે માટે રાતદિવસ સેવાની જયોત જલાવી રહી છે.

જયાં રોટીનો ટુકડો ત્યાં હરિ ઢૂકડો એ મંત્રને ચરિતાર્થ  કરતી અનેક સેવાભાવી સંસ્થાઓને ભોજનમાં જરૂરિયાત મુજબ રોટી તૈયાર કરી પહોંચતી કરવાનું કામ રાજકોટ સ્થિત જૈનસંત ગુરૂ રતિલાલ મહારાજ સા.ના પટ્ટશિષ્ય સંત નમ્રમુનિ મહારાજ સા.ની પ્રેરણાથી કાર્યરત શ્રી અર્હમ યુવા સેવા ગ્રૂપ-રાજકોટ દ્વારા ચાલી રહી છે. રાજકોટના ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલે નુતનહોલ રાજકોટ ખાતે કાર્યરત અર્હમ યુવા સેવા ગ્રૃપના કાર્યસ્થળે આધુનિક રોટલી તૈયાર કરતા મશીનનો પ્રારંભ કરાવતાં જણાવ્યું હતું કે વર્તમાન કપરા સમયે લોકોને મદદરૂપ થવાના સેવાયજ્ઞમાં સંસ્થાની કામગીરીને અન્યો માટે પ્રેરણાદાયી છે. રોજની ૪૦ હજારથી વધુ રોટી તૈયાર કરી વિતરણ કરતી આ સંસ્થા હવે આધુનિક મશીનની મદદ થકી રોજની એક લાખથી વધુ રોટીઓ તૈયાર કરી જરૂરિયાતમંદોને ભોજન વિતરણમાં મદદરૂપ થશે.

નમ્રમુનિ મહારાજ સા. દ્વારા પ્રેરિત ‘તપસમ્રાટ રોટી મહાઅભિયાન’ અન્વયે ૮મી ફેબ્રુઆરીથી રોટી ઓન વ્હિલ્સ ચાલુ કરાયું છે. જેમાં ઝુંપડપટ્ટી વિસ્તારના જરૂરિયાત મંદોને ભોજન વિતરણ કરવાનું શરૂ કરાયું હતું. જે અન્વયે રાજકોટ સ્થિત અર્હમ યુવા ગ્રુપ અને પારસધામ રાજકોટ દ્વારા શરૂ કરાયેલી રોટી મહાઅભિયાનની સેવાપ્રવૃતિ વિશે વિગતો આપતાં યુવા સ્વયંસેવક હિતેનભાઇ મહેતા જણાવે છે કે વર્તમાન લોકડાઉનની સ્થિતીમાં તા. ૨૭મી માર્ચથી આ સેવાયજ્ઞનો પ્રારંભ કરાયો હતો. શરૂઆતમાં નાના પાંચ મશીનો દ્વારા રોજની ૪૦ હજાર જેટલી રોટલીઓ તૈયાર કરી રાજકોટ અને અન્ય આસપાસમાં ભોજન વિતરણ કરતી સ્વયંસેવી સંસ્થાને પહોંચતી કરાઇ રહી હતી.

ગોંડલ ખાતે પણ એક મશીન મોકલી ત્યાંજ રોજની દસ હજારથી વધુ રોટલી તૈયાર કરી આ સંસ્થા દ્વારા ભોજનકિટ તૈયાર કરી જરૂરિયાતમંદોને ઘરઆંગણે વિતરણ કરતી સ્વયંસેવી સંસ્થાઓને મોકલવામાંઆવી રહી છે. આજ દિન સુધીમાં ૬ લાખ પચાસ હજાર થી વધુ રોટલી તૈયાર કરી જરૂરિયાતમંદો સુધી પહોંચતી કરાઇ છે. સેવાનો પરમાનંદ વ્યકત કરતા તેઓ સમાજનું ઋણ ચુકવવાનો અવસર આપવા બદલ સ્થાનિક સેવાભાવી સંસ્થાઓને સહયોગી ભાવિકોનો આભાર વ્યકત કરતા જણાવે છે કે ભુખ્યાજનોની ક્ષુધાને શાંત કરવાનો અવસર ઇશ્વરસેવાની ઉત્તમ તક સમાન છે.

હાલ આ સંસ્થા દ્વારા સંપૂર્ણ સ્વચ્છતા ઉત્તમ ગુણવત્તાયુકત મટીરીયલ દ્વારા તૈયાર થયેલ રોટીઓને ગુણવત્તાયુકત પેકીંગમાં પેક કરી જરૂરિયાત મુજબ બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ, વિશ્વ હિન્દુ પરિષદ, શીખ ગુરૂદ્વારા, માલધારી સમાજ, બિલ્ડર્સ એસોસિએશન, આર.એસ.એસ., પ્રહલાદ પ્લોટ દેરાસર, નાગેશ્વર જૈનમંદિર યુવક મંડળ સહિત અનેક ભોજન વિતરણ કરતી સ્વયંસેવી સંસ્થાઓને રોટલીઓ પહોંચતી કરાઇ રહી છે.

પરંતુ સેવાભાવી સંસ્થાઓની રોજની જરૂરીયાતને પહોંચી વળવા વધુ રોટલીઓની જરૂરિયાત રહે છે. અર્હમ યુવા સેવા ગ્રૃપ દ્વારા હવે આ આધુનિક મોટા મશીન દ્વારા વધુ પ્રમાણમાં રોટલીઓ તૈયાર કરવામાં આવશે. આ સંસ્થાના યુવા સ્વયંસેવકો રોજની એક લાખથી વધુ રોટલીઓ તૈયાર કરી વધુમાં વધુ સ્વયંસેવી સંસ્થાઓને જોડી શકય તેટલા વધુ જરૂરિયાતમંદોના જઠરાગ્નીને તૃપ્ત કરવાના સેવાયજ્ઞને પહોંચી વળવા તત્પર છે. આ સેવાયજ્ઞને સુચારું રૂપે કાર્યરત કરવા અને વ્યવસ્થા ગોઠવવામાં ધારાસભ્ય ગોવીંદભાઇ પટેલ, હિતેષભાઇ અમૃતિયા તથા ધર્મેશભાઇ જીવાણી (રઘુવીર જીનીંગ) સહિતના સેવારત ભાવીકજનો દ્વારાસક્રિય સહયોગ સાંપડયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.