વિકટ સમયમાં રાજકોટ સ્વામિનારાયણ ગુરૂકૂલનો સેવા સંકલ્પ

71

રૂ.૧૧ લાખનો ચેક મુખ્યમંત્રી રાહતનિધિમાં અર્પણ: રૂ.૧૧ લાખની રાશનકિટ વિતરણ કરાશે

રોગાતુર આપત્તિના સમયે દીન જનને વિશે દયાવાન થવાના ભગવાન શ્રી સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં અપાયેલ આદેશ અનુસાર સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ તથા તલદા છારોડી દ્વારા સરકારને અનેકવિધ રૂપે સહાયરૂપ થવાનું નક્કી કરવામાં આવેલ.

કોરોના પ્રકોપને પગલે જરૂરિયાત મંદ પરિવારોને સહાયરૂપ થવા સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટના મહંત સ્વામી દેવકૃષ્ણદાસજી સ્વામી તથા છારોડી તલદા ના મહંત શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી સેવાનો સંકલ્પ કરાયેલ છે.

રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુલના સંસ્થાપક સદગુરુ શાસ્ત્રી ધર્મજીવનદાસજી સ્વામીની સ્મૃતિમાં રાજકોટ ખાતે ચાલતી ધર્મજીવન હોસ્પિટલ ટ્રસ્ટ દ્વારા રૂપિયા ૧૧, અગીયાર લાખનો ચેક મુખ્યમંત્રીના રાહત નિધિમાં અર્પણ કરવામાં આવશે.

વધુમાં સ્વામિનારાયણ ગુરુકુલના સંતવલ્લભદાસજી સ્વામીએ કહ્યું હતું  કે ૧૧, લાખના ચેક ઉપરાંત જરૂરિયાત મંદ દરિદ્રનારાયણ પરિવારોને જરૂરી  લોટ,  ખાંડ,  મસાલા તેમજ શાકભાજી, ટમેટા, બટાટા,  મરચાં, લીંબુ વગેરે સાથેની કીટ  તૈયાર કરાશે,  જે બાયોડીગ્રેડેબલ બેગમા પેક કરીને વિતરણ કરાશે. રાજકોટ કોર્પોરેશનની મંજુરી મળ્યેથી માસ્ક પહેરેલા અને સેનિટાઈઝડ થયેલા ગુરુકુલના સ્વયંસેવક યુવાનો જરૂરયાત મંદ દરીદ્રી નારાયણોને પહોંચાડશે.

સુરત સ્વામિનારાયણ ગુરુકુળથી પ્રભુ સ્વામીએ કહ્યું હતું કે ગુરૂદેવ શાસ્ત્રીજી મહારાજ ધર્મજીવનદાસજી સ્વામીની સ્મૃતિમાં ચાલતા ધર્મજીવન લોકસેવા ટ્રસ્ટ દ્વારા  પ્રમુખ હિતેશ લાલજીભાઈ પટેલ અને ટ્રસ્ટી મંડળે ૧૧ લાખ રૂપિયા મુખ્યમંત્રીને રાહત ફંડમાં આપવા તથા પાંચ લાખ રૂપિયા  સ્વામિનારાયણ ગુરુકુળ નવસારી નવાગામ ઇટાળવા ખાતે સરકારની મંજુરી મળેથી રસોઈ ઘર તથા લોટ શાકભાજી, તેલ-મસાલા વગેરેની કીટોના વિતરણ માટે વાપરવામાં આવશે.

જ્યારે જ્યારે આપણા દેશ ઉપર ભૂકંપ, પૂરહોનારત કે દુષ્કાળ જેવી કુદરતી આપત્તિઓ આવી છે ત્યારે ત્યારે માનવસેવાના ઉમદા કાર્યમાં ગુરૂદેવ શાસ્ત્રીજી મહારાજ ધર્મજીવનદાસજી સ્વામી સદાય સેવા તત્પર રહેતા . તેમના જ પગલે ગુરુકુળ દ્વારા પોતાનું સામાજિક કર્તવ્ય સમજીને વર્તમાન સમયમાં પણ સદગુરુ સંતોની પ્રેરણાથી આ સેવાનું આયોજન કરાયેલ છે.

Loading...