Abtak Media Google News

ઓપીડી એપ દવાખાના-હોસ્પિટલો પરનું દર્દીઓનું ભારણ ઓછુ કરશે ગામડામાં રહેતા દર્દીઓને એપ દ્વારા પોતાના ઘરબેઠા જ સારવાર મળશે

ગુજરાતની સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની આગેવાનીવાળી સરકારના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં શરૂ કરાયેલી ઈ-સંજીવની ઓપીડી હવે દેશના અન્ય રાજ્યોમાં પણ શરૂ થવા જઈ રહી છે. ગુજરાતના તર્જ ઉપર શરૂ કરાયેલી સવલત સમગ્ર દેશમાં અમલી બનતા ગુજરાત માટે ગૌરવ સમાન બની રહ્યું છે.

ગુજરાતમાં દવાખાના તથા હોસ્પિટલોમાં દર્દીઓની ઓપીડીનું ભારણ ઓછું કરવા તથા લોકોને ફ્રીમાં ઘેરબેઠા સારવાર મળી રહે તે માટે રાજ્ય વ્યાપી ઈ-સંજીવની મોબાઈલ એપનો પ્રારંભ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રક્ષ વિજયભાઈ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સીંગ દ્વારા ઈ-સંજીવની ઓપીડીનું લોકાર્પણ કર્યું હતું. મુખ્યમંત્રીએ કોરોના કાળમાં આ ઈ-સંજીવની ઓપીડી દર્દીને સામાન્ય રોગ માટે ઘરેબેઠા દવાનું પ્રિસ્ક્રિપ્શન આપવા સાથે સરકારી દવાખાના તથા આરોગ્ય કેન્દ્રમાં વિનામુલ્યે સારવાર આપનારૂ ઉત્તમ માધ્યમ ગણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ઘરેબેઠા દવા-સારવાર મેળવવાની આ નવતર પદ્ધતિ કોરોના સંક્રમણ સમયમાં સમયોચિત રાઈટ જોબ એટ રાઈટ ટાઈમ છે. હવે આ ઈ-સંજીવની ઓપીડીથી આફતને અવસરમાં પલટવાના આપણા સંસ્કાર વધુ ઉજાગર થયા છે. આ મોબાઈલ એપમાં ટુ-વે વિડીયો કોલીંગની જે સુવિધા છે તેના પરિણામે દરદી અને તબીબ વચ્ચે સંવાદ થવાથી ઈલાજમાં વધુ અસરકારકતા આવશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, ઈ-યુગમાં જેમ નાણાકીય વ્યવહારો, નગરો-મહાનગરોના ટેક્ષ સહિતની સેવાઓ ઓનલાઈન છે તેમ હવે જન-જનના આરોગ્ય સુખાકારીની આ સેવા પણ વન કલીક ઘર આંગણે મળતી થશે. નીતિનભાઈ પટેલે ઉમેર્યું કે, ગામોમાં રહેતા દર્દીઓને આ એપ દ્વારા પોતાના ઘરેબેઠા જ સારવાર-નિદાન થઈ શકશે. સારવાર માટે સીએચસી/પીએચસી કે દવાખાને આવવું જ પડે એવી સ્થિતિમાંથી મુક્તિ મળશે. આ એપના માધ્યમથી તબીબો યોગ્ય નિદાન કરી જરૂર જણાયે નિષ્ણાંત તબીબનો પણ અભિપ્રાય મેળવી તેની સલાહ મુજબ સારવાર કરી શકશે તેવી વ્યવસ્થા વિકસાવી છે. ફોન પર ડાયગ્નોસીસ આપતી આ સેવા આધુનિક ટેકનોલોજીના આરોગ્ય ક્ષેત્રે ઉપયોગ અને ટેલીમેડીસીનનું એક આગવું ઉદાહરણ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.