Abtak Media Google News

ચેતતો નર સદા સુખી

સૈન્યની માહિતી એપ્લીકેશન મારફતે લીક થતી હોવાની આશંકાનાં પગલે લેવાયો નિર્ણય

વિશ્વભરમાં ડિજિટલ માધ્યમ થકી ચીની ડ્રેગને વિશ્વ આખાને પોતાના બાનમાં લીધેલ છે. નાનાથી લઈ વયોવૃદ્ધ લોકો અનેકવિધ ચીની એપ્લીકેશનોનો ઉપયોગ કરતા નજરે પડે છે ત્યારે હાલ ભારત સરકારે ચીની એપ્લીકેશનોનો ઉપયોગ ન કરવા તાકિદ પણ કરી છે. આ નિર્ણયને આવકાર મળતાની સાથે જ સરકારે ભારતીય સૈન્યને પણ તાકિદ કરતા જણાવ્યું છે કે, જે સૈનિકો ૮૯ જેટલી ચીની એપ્લીકેશનોનો ઉપયોગ કરી રહ્યા છે તેના પર રોક મુકવામાં આવે. ઈન્ટેલીજન્ટ ઈનપુટનાં આધારે સૈન્યએ આશંકા પણ વ્યકત કરી છે કે, આ તમામ એપ્લીકેશનો મારફતે ચીની લોકો સૈન્યની ગુપ્ત માહિતીઓ લીક કરે છે.

ભારતીય લશ્કરે સૈનિકો તથા અધિકારીઓને ચાઈનાની ૮૯ જેટલી એપ્લીકેશનોનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ લાદયો છે. સંપર્ક સુત્રોનાં જણાવ્યા મુજબ સૈન્યને તાકિદ કરવામાં આવી છે કે, ૮૯ જેટલી એપ્લીકેશનોને ફોન મારફતે ડિલીટ કરવામાં આવે જેમાં ફેસબુક, ટીકટોક, ટ્રુ-કોલર, ઈન્સ્ટાગ્રામ જેવી એપ્લીકેશનનોનો પણ સમાવેશ થાય છે. વધુમાં માહિતી મળતા એ વાતની પણ સ્પષ્ટતા થઈ રહી છે કે, આ એપ્લીકેશનો મારફતે ઘણીખરી વિગતો લીક થઈ રહી છે.

સૈન્ય દ્વારા મેસેજીંગ પ્લેટફોર્મ જેવા કે વી ચેટ, કયુકયુ, કીક, નીમ્બુઝ, હેલો, શેર ચેટ, વાયબર, આઈએમઓ, ટીકટોક, લાઈકી, શેર ઈટ, ઝેન્ડર સહિત વેબ બ્રાઉઝર જેવા કે યુસી, યુસી મીની ઉપર સૈન્યએ પ્રતિબંધ મુકયો છે. સૈન્ય દ્વારા લાઈવ વિડીયો કોલીંગ અને લાઈવ સ્ટ્રીમીંગમાં ઉપયોગમાં લેવાતી એપ્લીકેશનો જેવી કે લાઈવ મી, બીગો લાઈવ, ઝુમ, વિનેટ ઉપર પ્રતિબંધ લાગ્યો છે. ભારતીય સૈન્ય દ્વારા ઘણીખરી ગેમ એપ્લીકેશનોનો પણ ઉપયોગ કરવામાં આવતો હોય છે જેમાં સરકારે પબજી, નેનો લાઈફ, કલેસ ઓફ કિંગ્સ જેવી ગેમ ઉપર પણ પ્રતિબંધ મુકયો છે. સરકાર દ્વારા ૨૯ જુનનાં રોજ ચાઈનાની ૫૯ એપ્લીકેશનો ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. સરકારનાં જણાવ્યા મુજબ આ તમામ ચાઈનીઝ એપ્લીકેશનનાં સર્વર ભારતની બહાર છે જેથી લોકોનાં ડેટાની ચોરી થવાની શકયતા ખુબ જ વધુ જોવા મળે છે.

ભારતીય સૈન્ય અનેકવિધ ગુપ્ત મિશનો ઉપર રહેતું હોય છે ત્યારે તેઓની કોઈ માહિતી લીક ન થાય તે જોતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર એક તરફ ડિજિટલ ઈન્ડિયા તરફ આગળ વધી રહ્યું છે તો બીજી તરફ ડિજિટલ માધ્યમોમાં જે છીંદા જોવા મળે છે તેને કેવી રીતે દુર કરી શકાય તે પણ હાલ ચર્ચાનો વિષય બન્યો છે. સરકારે મુંબઈમાં વિશ્વનું બીજુ સૌથી મોટુ ડેટા સેન્ટર બનાવ્યું છે જે સ્પષ્ટપણે માને છે કે, ડેટા દેશમાં જ રહેવો જોઈએ જેથી તેનો કોઈ ગેરલાભ ન લઈ શકે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.