Abtak Media Google News

અખીલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ અને જીઈબી એન્જી. એસો.ની રજૂઆત સફળ નિવડી: જીયુવીએનએલએ જાહેર કર્યો પરિપત્ર

કોરોનાની મહામારીમાં જાનના જોખમે ફરજ બજાવતા એવા કોરોના વોરીયર્સ ગણાતા વીજ કર્મચારીઓને જો કોરોના ભરખે તો તેઓને રૂા.૨૫ લાખનું સુરક્ષા કવચ પૂરું પાડવા અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ અને જીઈબી એન્જી. એસો. દ્વારા બુલંદ માંગ ઉઠાવવામાં આવી હતી. આ બાબતે ઉચ્ચ કક્ષાએ રજૂઆતો પણ કરવામાં આવી હતી જે સફળ નિવડી છે અને જીયુવીએનએલએ આ અંગે પરિપત્ર પણ જાહેર કર્યો છે.

લોકડાઉન દરમિયાન વીજળીની ખાસ જરૂરીયાત ઉભી થઈ રહી છે. લોકો ઘર બેઠા વીજ ઉપકરણનો વધુને વધુ ઉપયોગ કરી પોતાનો સમય પસાર કરી રહ્યાં છે. આ દરમિયાન લોકોને સાતત્યપૂર્ણ વીજ પુરવઠો પુરો પાડવા માટે વીજ કર્મચારીઓ દિવસ-રાત પોતાની ફરજ નિષ્ઠાભેર બજાવી રહ્યાં છે. ગ્રાઉન્ડ પર ખડેપગે ફરજ બજાવતો સ્ટાફ સામાન્ય પરિવારમાંથી આવતો હોય છે અને તેઓને ફરજ દરમિયાન કોરોનાનું સંક્રમણ લાગે તેનું પુરેપુરુ જોખમ પણ હોય છે. તેવામાં સરકારે વિવિધ કર્મચારીઓ માટે સુરક્ષા કવચની જાહેરાત કરી પરંતુ તેમાં વીજ કર્મચારીઓને બાકાત રાખ્યા હોય આ મામલે વિવિધ યુનિયનોએ નારાજગી દર્શાવી હતી અને ઉર્જા વિભાગને રજૂઆત કરી હતી કે, પોતાના જાનના જોખમે સતત ફિલ્ડમાં દોડતા વીજ કર્મચારીઓનું જો કોરોનાથી મોત થાય તો તેના પરિવારને રૂા.૨૫ લાખની સહાય સરકાર દ્વારા ચૂકવવામાં આવે. આ રજૂઆતોને ધ્યાને લઈ જીયુવીએનએલએ પરિપત્ર જાહેર કરીને વીજ કર્મચારીઓ જો કોરોનાની મહામારીનો ભોગ બને તો રૂા.૨૫ લાખની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.