300 દિવસ બાદ શાળાઓ ખુલ્લી: વિદ્યાર્થીઓની હાજરી પાંખી રહી !!

ધો.૧૦-૧૨ની સાથોસાથ યુનિવર્સિટી અને કોલેજોના પીજી-યુજીના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓનો શૈક્ષણિક કાર્યનો પ્રારંભ

સંમતિપત્ર ન આપનાર વિદ્યાર્થીઓનું ઓનલાઇન શિક્ષણ કાર્ય રાબેતા મુજબ ચાલુ રખાયું

સમગ્ર રાજ્યભરમાં દસ મહિના બાદ આજથી સ્કૂલો ફરી શરૂ થઈ છે. ત્યારે સ્કૂલો ખુલતાની સાથે જ હજુ વિદ્યાર્થીઓની હાજરી પાંખી જોવા મળી હતી. જો કે કોરોનાની મહામારી બાદ આજથી સ્કૂલોનો પ્રારંભ થતા વાલીઓ અને શિક્ષકોના ચહેરા પર શાળાઓ શરૂ થવાનો આનંદ સ્પષ્ટ દેખાતો હતો. તમામ વિદ્યાર્થીઓએ સરકારની ગાઈડલાઈન મુજબ એસઓપીનું પાલન કરી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો હતો. કલાસરૂમમાં વિદ્યાર્થીઓની પ્રાર્થના બાદ શેક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. રાજકોટ સહિત ઉપલેટા, ચોટીલા, પોરબંદર અને જુનાગઢમાં સ્કૂલો શરૂ થઈ હતી જો કે વિદ્યાર્થીઓની પાંખી હાજરી જોવા મળી હતી. અને જે વિદ્યાર્થીઓ આવ્યા હતા તેના ચહેરા પર અલગ ખુશી જોવા મળી હતી.

ઉલ્લેખનીય છે કે, શાળાઓમાં શિક્ષકોના નિરીક્ષણ હેઠળ વિદ્યાર્થીઓ સોશિયલ ડિસ્ટન્સ જાળવી ક્લાસમાં ગયા હતા. એટલું જ નહીં પરંતુ જે વાલીઓએ સંમતિપત્ર ન આપ્યું હોય તેવા વિદ્યાર્થીઓએ ઓનલાઇન અભ્યાસ ચાલુ રાખ્યો હતો અને જેને લઈ આજે શાળાના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓની પાંખી હાજરી જોવા મળી હતી. જો કે જેટલા વિદ્યાર્થીઓ આવ્યા હતા તેઓને પ્રવેશ દરમીયાન સેનેટાઇઝ કરી કલાસરૂમમાં પુરા સોશિયલ ડિસ્ટન્સ સાથે બેસાડવામાં આવ્યા હતા.

સ્કૂલોમાં બોર્ડના વિદ્યાર્થીઓની સાથોસાથ કોલેજોમાં પણ શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરની કોલેજોમાં પીજી અને યુજીના વિદ્યાર્થીઓ માટે કોલેજો ધમધમી હતી. ત્યારે આજથી શરૂ થતી શાળા અને કોલેજોમાં વિદ્યાર્થીઓને આવકારવા માટે મહાનુભાવો પહોંચ્યા હતા.

જેમાં શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા ગાંધીનગરમાં કલોલની સ્કૂલ ખાતે હાજર રહ્યા હતા અને તેઓએ જણાવ્યું હતું કે, આજથી સ્કૂલોની સાથોસાથ કોલેજો શરૂ થઈ છે ત્યારે આગામી માસથી ધો.૯ અને ૧૧ આ ઉપરાંત કોલેજોમાં અંતિમ વર્ષ સિવાયના વિદ્યાર્થીઓનો પણ અભ્યાસક્રમ રાબેતામુજબ શરૂ કરવામાં આવશે.

શિક્ષણ બોર્ડના સભ્ય ડો.પ્રિયવદન કોરાટે જણાવ્યું હતું કે, આજથી ધો.૧૦-૧૨ના વિદ્યાર્થીઓનો અભ્યાસ શરૂ થતાં વર્ગખંડો અને મેદાનો બાળકોના કલરવથી ગુંજી ઉઠ્યા છે. લાંબા સમય બાદ શાળામાં આવવાનું થતા વિદ્યાર્થીઓ પણ આનંદીત થયા હતા. આજે મેં જેતપુરની વિવેકાનંદ સ્કૂલ ખાતે હાજરી આપી સામાજીક અંતર સાથે વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યો હતો.

Loading...