સૌરાષ્ટ્રનાં ગુચવાયેલા વર્ષો જૂના જમીન સંપાદનના કેસોનો હવે નિવેડો લવાશે

સરકારે સૌરાષ્ટ્ર માટે ખાસ પ્રમુખ અધિકારી નિયુક્ત કર્યા : કલેકટર કચેરીએ ઓગષ્ટથી દર અઠવાડિયે બોર્ડ ધમધમશે

સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં ગુંચવાયેલા વર્ષો જૂના જમીન સંપાદના કેસોનો નિવેડો લાવવા સરકારે હવે કમર કસી છે. આ માટે સરકાર દ્વારા ત્રણ ઝોનમાં ખાસ પ્રમુખ અધિકારીની નિયુક્તિ કરી બોર્ડ મારફત આવા કેસોનું નિરાકરણ લાવવાના પ્રયાસો હાથ ધર્યા છે.

જેમાં સૌરાષ્ટ્ર માટે રાજકોટમાં બોર્ડ ચાલવાનું છે. આ બોર્ડમાં સૌરાષ્ટ્રના ૧૫૦૦થી વધુ પડતર પડેલા પ્રશ્ર્નોનો ઉકેલ લઈ આવવામાં આવનાર છે.

જમીન સંપાદનના કેસો જ્યારે કોર્ટમાં દાખલ થાય છે ત્યારે વર્ષો સુધી આ કેસોનો કોઈ નિવેડો આવતો નથી અને જ્યારે નિવેડો આવે છે ત્યારે લાભાર્થી પણ હયાત હોતા નથી. આમ લાભાર્થી ન હોવાથી વળી નવો પ્રશ્ર્ન ઉદ્ભવવાના પણ અનેક કિસ્સાઓ નોંધાયા છે. આમ જમીન સંપાદનના કેસો કોર્ટમાં ગયા બાદ ગુંચવાયેલી હાલતમાં રહેતા હોય આ પરિસ્થિતિને નાથવા સરકાર દ્વારા નવો અભિગમ અપનાવવામાં આવ્યો છે. સરકારના મહેસુલ વિભાગ દ્વારા સમગ્ર રાજ્યને ૩ ઝોનમાં વહેંચવામાં આવ્યું છે. જેમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતનો સમાવેશ થાય છે. દક્ષિણ ગુજરાત માટે સુરત, સૌરાષ્ટ્ર માટે રાજકોટ અને મધ્ય ગુજરાત માટે અમદાવાદને હેડ કવાર્ટર બનાવવામાં આવ્યું છે. ગઈકાલે મહેસુલ વિભાગ દ્વારા આ ત્રણેય હેડ કવાર્ટર બનાવાયેલ જિલ્લાના અધિક કલેકટરોને ગાંધીનગર બોલાવવામાં આવ્યા હતા અને જમીન સંપાદનના ગુંચવાયેલા પ્રશ્ર્નનો રિપોર્ટ માંગવામાં આવ્યો હતો.

સૌરાષ્ટ્ર તરફથી રાજકોટના અધિક કલેકટર પરિમલ પંડ્યાએ ગાંધીનગર ખાતેની મહેસુલ વિભાગની મીટીંગમાં હાજરી આપી હતી. તેઓએ જાહેર કરેલી વિગતો મુજબ ત્રણેય ઝોન માટે સરકાર દ્વારા ખાસ પ્રમુખ અધિકારીની નિમણૂંક કરવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્ર માટે ફેમીલી કોર્ટના નિવૃત જજ બી.ડી.ચારણની નિમણૂંક થઈ છે.

સૌરાષ્ટ્રમાં અંદાજે ૧૦૦૦ થી ૧૫૦૦ જેટલા કેસ વર્ષોથી ગુંચવાયેલી હાલતમાં પડ્યા છે. આ ખાસ જમીન સંપાદનના કેસોનું નિરાકરણ લાવવા પ્રમુખ અધિકારી દ્વારા જિલ્લા કલેકટર કચેરી ખાતે ઓગષ્ટ મહિનાથી બોર્ડ ચલાવવામાં આવશે. હાલ તંત્રની તૈયારી મુજબ દર અઠવાડિયે એક દિવસ માટે બોર્ડ ચલાવવામાં આવે તેવી શકયતાઓ છે. આ માટે ચાર અધિકારીઓનું મહેકમ પણ સરકાર દ્વારા ફાળવવામાં આવ્યું છે. જેમાં એક મામલતદાર, ૨ નાયબ મામલતદાર અને ૧ સ્ટેનોનો સમાવેશ થાય છે. વધુમાં મળતી માહિતી પ્રમાણે બોર્ડ દ્વારા જે હુકમ કરવામાં આવશે તેની સામે અરજદાર સીધો જ હાઈકોર્ટમાં અપીલ કરી શકશે.

ઉલ્લેખનીય છે કે, જમીન સંપાદનના કેસો વર્ષોથી વણ ઉકેલાયેલી હાલતમાં પડ્યા છે. સમગ્ર રાજ્યમાં હજ્જારોની સંખ્યામાં આ કેસો જેમની તેમ સ્થિતિમાં છે. જેમાં સૌરાષ્ટ્રમાં પણ ૧૦૦૦ થી ૧૫૦૦ કેસો પેન્ડિંગ બોલે છે. ત્યારે હવે લાભાર્થીઓને રાહત મળવાની છે. તેઓના પડતર કેસો માટે ઓગષ્ટ મહિનાથી ખાસ બોર્ડ શ‚ થવા જઈ રહ્યું છે. આ બોર્ડમાં ધડાધડ કેસોનો નિકાલ કરવાના સરકાર આદેશો જાહેર કર્યા હોય થોડા સમયમાં આ કેસો નીલ થઈ જાય તો નવાઈ નહીં.

સૌરાષ્ટ્રને અનેક લાભાર્થીઓની જમીન કોઈ સરકારી પ્રોજેકટ માટે સંપાદિત થઈ હોય અને છેલ્લા ઘણા વર્ષોથી તેમને વળતર ન મળ્યું હોવાના અનેક દાખલાઓ સામે છે. ત્યારે આવા લાભાર્થીઓને આગામી સમયમાં તેઓનું વળતર મળવાનું છે. ઘણા વર્ષોથી જમીન સંપાદનના પેન્ડીંગ કેસો અંગે લાભાર્થીઓમાં કચવાટ જોવા મળી રહ્યો હતો. જો કે, ક‚ણતા એ હતી કે, ઘણા કેસોમાં તો લાભાર્થીઓ દુનિયા છોડીને ચાલ્યા ગયા હોય છતાં તેઓને વળતરનો લાભ મળ્યો ન હોય. જો કે અંતે સરકારે આ મામલે વિચારણા કરીને તેનો નિવેડો લાવવાનો પ્રયાસ કર્યો છે. માટે હવે પડતર કેસોનો ત્વરીત ઉકેલ આવનાર છે અને લાભાર્થીઓને પોતાના હક્કનું વળતર ટૂંક સમયમાં મળવાનું છે.

સૌરાષ્ટ્રનાં ૧૫૦૦થી વધુ પડતર કેસો બોર્ડમાં ચલાવાશે, બોર્ડના હુકમ સામે અરજદાર સીધી હાઈકોર્ટમાં જ અપીલ કરી શકશે

Loading...