Abtak Media Google News

૧૫૬ કેન્દ્રો ખાતે ૪૫,૫૫૦ પરીક્ષાર્થીઓની કસોટી શરૂ: પરીક્ષા દરમિયાન ૩૨૫ ઓબ્ઝર્વરો નિગરાની માટે મુકાયા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજથી પ્રથમ તબકકાની પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો છે જેમાં ૧૫૬ કેન્દ્રો પર ૪૫,૫૫૦ વિદ્યાર્થીઓની પરીક્ષા આજથી શરૂ થઈ છે અને આ તમામ વિદ્યાર્થીઓ ઉપર બાજ નજર રાખવા માટે ૩૨૫થી વધારે ઓબ્ઝર્વરો મુકવામાં આવ્યા છે.

યુનિવર્સિટી દ્વારા આજથી શરૂ થયેલ પ્રથમ તબકકાની પરીક્ષામાં સૌથી વધારે બી.કોમ સેમેસ્ટર-૬ના ૧૫,૮૧૯ વિદ્યાર્થીઓ, બીએ સેમ-૬ના ૯૨૦૧ અને બીએસસી સેમ-૬ના ૫૪૪૨ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ઉપરાંત બીસીએ, બીબીએ, બીઆરએસ, બીએસડબલ્યુ, એમજેએમસી સહિતની પરીક્ષા પ્રથમ તબકકામાં લેવાનાર છે. પ્રથમ તબકકામાં ૪૫,૫૫૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે ત્યારે ગેરરીતિ આચરતા વિદ્યાર્થીઓ કે વિદ્યાર્થિનીઓને પરીક્ષા ચોરી કરવા દેતા કોલેજ સંચાલકો પર નજર રાખવા માટે યુનિવર્સિટીના કંટ્રોલરૂમમાં ૧૭ વિડીયો ઓબ્ઝર્વર મુકવામાં આવ્યા છે જેઓએ આજે તમામ પરીક્ષા કેન્દ્રો પર બાજ નજર રાખી છે. સાથોસાથ ૩૨૫ જેટલા ઓબ્ઝર્વરોને પણ નિગરાની કરવામાં આવી છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલનાયક ડો.વિજય દેસાણીએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં ૪ પરીક્ષા કેન્દ્રો બંધ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત સીસીટીવી બંધ રાખી વિદ્યાર્થીઓને કોપી કેસ કરાવતા કોઈ કોલેજ સંચાલક ઝડપાશે તો પ્રથમ વખત તે કોલેજને રૂ.૧ લાખનો દંડ, બીજી વખત તેજ કોલેજમાં જે ફેકલ્ટીમાં માસ કોપી કેસ કરાવતા પકડાય તો રૂ.૨ લાખનો દંડ અને તે ફેકલ્ટી રદ અને ત્રીજી વખત પણ ચોરીનું દુષણ ચલાવવામાં આવતું હશે તો રૂ.૩ લાખનો દંડ સહિત જોડાણ રદ કરી દેવામાં આવશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન હાલ ૭ જેટલી કોલેજોમાં સીસીટીવી કેમેરાનો અભાવ છે. જોકે આવતી પરિક્ષા સુધીમાં યુનિવર્સિટીના ખર્ચે તમામ સાતેય-સાત કોલેજમાં સીસીટીવી મુકાઈ જશે અને હાલ પુરતુ આ સાતેય કોલેજમાં ઓબ્ઝર્વર દ્વારા કડક નિગરાની રાખવામાં આવશે.

બીબીએ સેમ૩માં પેપરમાં રીઅસેસમેન્ટની છુટ

બીકોમ સેમ-૩નું કંગાળ ૨૮ ટકા પરીણામ આવતા હવે બીકોમ સેમ-૩માં એક પેપરને બદલે ૩ પેપર ખોલવાની છુટ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઉપરાંત બીબીએ સેમ-૩માં ૩ પેપર ખોલવાની છુટ આપવાનો નિર્ણય સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ નિતીન પેથાણી અને ઉપકુલપતિ વિજય દેસાણીએ નિર્ણય લીધો છે અને આજરોજ બીકોમ સેમ-૧નું અને બીએ સેમ-૧નું પરીણામ જાહેર કરવામાં આવશે.તેમજ બીબીએ સેમ-૩ અને એમકોમ એકસર્ટનલ સેમ-૩નું પરીણામ એક અઠવાડિયામાં જાહેર થઈ જશે.

વી.સી.પેથાણી અને પી.વી.સી. દેસાણીની કંટ્રોલરૂ પર બાજ નજર

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પ્રથમ તબકકાની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે ત્યારે વિદ્યાર્થીઓ ગેરરીતિ આચરતા પકડાય તેમજ પરીક્ષા ચોરી કરવા દેતા કોલેજ સંચાલકો પર નજર રાખવા માટે યુનિવર્સિટીના કંટ્રોલ રૂમમાં ૧૭ જેટલા વિડીયો ઓબ્ઝર્વર મુકવામાં આવ્યા છે જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કર્મચારીઓ દ્વારા તમામ ૧૫૬ કેન્દ્રો પર આજથી જ પરીક્ષાના પ્રારંભે બાજ નજર રાખવામાં આવી હતી. સાથો સાથ સવારે ૧૦:૩૦ કલાકથી પરીક્ષાનો પ્રારંભ થયો હતો ત્યારથી જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો.નિતીનભાઈ પેથાણી અને કુલનાયક ડો.વિજય દેસાણી દ્વારા કોઈ ગેરરીતિના બનાવ ન થાય તેમજ ચોરીનું દુષણ ન થાય તે માટે કંટ્રોલ રૂમમાં બાજ નજર રાખવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.