સાળંગપુરમાં પુષ્પદોલોત્સવની ઉજવણી અંતર્ગત સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું

ત્રિદિવસીય સ્વચ્છતા અભિયાનમાં મુખ્ય રસ્તો, નદી, ખુલ્લી ગટરોની સફાઈ કરાઈ

તીર્થભૂમિ સારંગપૂરમાં ભગવાન સ્વામિનારાયણના સમયથી ફૂલદોલનો ઉત્સવ ખૂબ જ ભવ્યતા અને દિવ્યતા સાથે ઉજવાતો આવ્યો છે. આજ પ્રાસાદિક ભૂમિમાં આજે પણ તેમના આધ્યાત્મિક વારસદાર પ.પૂ.મહંતસ્વામી મહારાજે એ ઉત્સવ પરંપરાને જીવંત રાખી છે. આ પુષ્પદોલોત્સવ ઉપક્રમે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, સારંગપુર દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું.

જેમાં દૂરસૂદૂરથી પધારેલા હરિભક્તો અને સારંગપુર સ્થિત સંત તાલીમ કેન્દ્રના સુશિક્ષિત સંતો પણ જોડાયા હતા. જેમા ગામનો મુખ્ય રસ્તો, ઉતાવળી અને ધોળાં નદી, અને ગામની ખુલ્લી ગટર લાઈનની સફાઈ કરવામાં આવી હતી. આ સ્વચ્છતા અભિયાન સતત ત્રણ દિવસ ચાલ્યુ હતું જેમાં ગામની સફાઈ તો થઈ પણ સાથે સાથે મચ્છરનો ઉપદ્રવ પણ ઘણો ઘટ્યો છે.

પ.પૂ.પ્રમુખસ્વામી મહારાજ પોતાના જીવનકાળ દરમિયાન અવારનવાર સ્વચ્છતા અભિયાનનું આયોજન કરતાં અને એમના જીવનમાંથી આપણને પણ સ્વચ્છતાની પ્રેરણા મળતી. તેઓ સંતો ભક્તોને પણ સેવાકાર્યમાં જોડી સ્વચ્છતા જાગૃતિ લાવવાનું કાર્ય કરતા. આજે એ જ વારસો એમના આધ્યાત્મિક અનુગામી પ.પૂ.મહંતસ્વામી મહારાજે જીવંત રાખ્યો છે.

૨૧ માર્ચના દિવસે ઉજવાનાર આ ઉત્સવમાં દેશ-પરદેશથી મુમુક્ષુ ભક્તો લાભ લેવા પધારશે. પ.પૂ. મહંતસ્વામી મહારાજ ફૂલોકી હોલી દ્વારા ભક્તોને દિવ્ય સુખની લ્હાણી કરાવશે.

 

 

Loading...