Abtak Media Google News

વોર્ડ નં.૧૩માં કૃષ્ણનગરમાં ગોકુલકુમાર છાત્રાલય સહિત ૧૧ મિલકતો સીલ

રૂ.૨૫૦ કરોડના તોતીંગ લક્ષ્યાંકને હાંસલ કરવા માટે મહાપાલિકાની ટેકસ બ્રાંચ દ્વારા હાર્ડ રીકવરીનો દોર શરૂ  કરવામાં આવ્યો છે. રીઢા બાકીદારોની મિલકતો સીલ કરવા સહિતની આકરી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. મહાપાલિકાના ચમત્કારને રીઢા બાકીદારોએ નમસ્કાર કર્યા હોય તે રીતે ટેકસ બ્રાંચે ધડાધડ મિલકત સીલ કરવાનું શરૂ કરતા આજે ૨૧ જેટલા બાકીદારોએ વેરા પેટે બાકી રહેતી રકમનો ચેક આપી દીધો હતો. દરમિયાન કૃષ્ણનગરમાં ગોકુલકુમાર છાત્રાલય સહિત શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ૧૧ મિલકતો સીલ કરવામાં આવી છે.

કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરી દ્વારા આજે શહેરના વોર્ડ નં.૭માં ઢેબર રોડ પર જુના માલિક જીવન કોમર્શીયલ બેંકના યુનિટને સીલ મારી દેતા હાલના માલિક વિપુલ શિંગાળાએ રૂ.૪ લાખ ભરપાઈ કરતા તાત્કાલિક સીલ ખોલી દેવામાં આવ્યું હતું. જાગનાથ પ્લોટમાં પણ રૂ.૧.૩૦ લાખની રીકવરી થવા પામી છે. વોર્ડ નં.૧૩માં ગોંડલ રોડ પર નટરાજ કોમ્પલેક્ષમાં આવેલી બેંક પાસેથી રૂ.૧.૬૬ લાખની રીકવરી થવા પામી છે. કૃષ્ણનગરમાં ગોકુલકુમાર છાત્રાલયને બાકી વેરો વસુલવા માટે સીલ કરી દેવામાં આવ્યું છે. વોર્ડ નં.૧૪માં માસ્ટર સોસાયટીમાં રૂ.૪૬,૦૦૦ તથા ગાયત્રીનગર અને ગોપાલનગર સોસાયટીમાંથી રૂ.૧.૨૦ લાખની રીકવરી, વોર્ડ નં.૧૭માં યોગેશ્ર્વર ઈન્ડસ્ટ્રીઝ એરીયામાં ૨.૪૬ લાખ અને સહકાર રોડ પર કોમર્શીયલ યુનિટ પાસેથી ૮૭,૦૦૦ની રીકવરી થવા પામી છે.

વેસ્ટ ઝોન કચેરીની ટેકસ બ્રાંચ દ્વારા આજે હાથ ધરવામાં આવેલી ટેકસ રીકવરી અંતર્ગત મવડી મેઈન રોડ પર બાપા સીતારામ ચોક પાસે નિલકંઠ પ્લાઝા, ગોવર્ધન ચોક પાસે ખોડિયારનગરમાં બે મિલકત, મવડીમાં નંદનવનમાં બે યુનિટ, ૧૫૦ ફુટ રીંગ રોડ પર જાસલ કોમ્પલેક્ષમાં બે મિલકત, અમીન માર્ગ પર ડિમ્પલ કોમ્પલેક્ષ-૨માં એક મિલકત, કાલાવડ રોડ પર રીવેરાવેવ બિલ્ડીંગમાં એક મિલકત અને યુનિવર્સિટી રોડ પર શિવશકિત કોલોની ખાતે બે મિલકતની સીલીંગની કામગીરી હાથ ધરાતા તમામે બાકી વેરો ભરપાઈ કરી દીધો હતો.

વેસ્ટ ઝોનમાં આજે નાનામવા મેઈન રોડ પર યુનાઈટેડ સ્કવેરમાં મંજુબેન કંડોરીયા, સાધુ વાસવાણી રોડ પર રૂપ કોમ્પલેક્ષ અને ગુંજન વિહાર કોમ્પલેક્ષમાં મિલકતો સીલ કરવામાં આવી હતી. ઈસ્ટ ઝોન કચેરીની વેરા વસુલાત શાખા દ્વારા આજી જીઆઈડીસી, રાધા-મીરા ઈન્ડસ્ટ્રીઝ અને કોઠારીયા વિસ્તારમાં ૭ મિલકતોની સીલીંગની કામગીરી હાથ ધરાતા તમામે બાકી વેરો ભરપાઈ કરી દીધો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.