Abtak Media Google News

ઐતિહાસિક પ્રસંગે આશ્રમમાં જામશે દિવાળી જેવો માહોલ

પૂ. રણછોડદાસજીબાપુની વિશિષ્ટ પૂજા-અર્ચના, શણગાર અને દિપમાળા કરાશે: ફુલોના દિવ્ય શણગારથી આશ્રમ મહેંકી ઉઠશે

૫ ઓગસ્ટનાં રોજ અયોઘ્યામાં રામજન્મભૂમિ શિલાયન્સ પ્રસંગ નિમિતે પ.પૂ.રણછોડદાસજીબાપુ આશ્રમ, રાજકોટમાં વિશિષ્ટ પૂજા અર્ચના સાથે વિશિષ્ટ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. ૫ ઓગસ્ટનાં રોજ અયોઘ્યાનગરીમાં ઐતિહાસિક અવસર આવી રહ્યો છે, પુરા ભારત દેશમાં દિવાળી કરતા પણ મોટો ઉત્સવ હોય તેવા મહોત્સવ સમું વાતાવરણ અયોઘ્યામાં જોવા મળશે અને રામલલ્લાનાં ભવ્ય શિલાન્યાસની જયારે દુનિયા આખી સાક્ષી થઈ રહી છે ત્યારે પ.પૂ.સદગુરુદેવ ભગવાન રણછોડદાસબાપુની પણ વિશિષ્ટ પુજા કરવામાં આવશે. આ ઐતિહાસિક અને ૫૦૦ વર્ષો બાદ આવેલા આ ભવ્ય અવસરમાં સહભાગી થઈને પ.પૂ.રણછોડદાસજીબાપુ આશ્રમ (સદગુરુ સદન ટ્રસ્ટ), રાજકોટ પણ સામેલ થશે અને આશ્રમમાં આ દિવસે ખાસ પૂજા-અર્ચના, શણગાર, દિપમાળા કરવામાં આવશે. પૂ.રણછોડદાસજીબાપુનું રામસ્તવરાજે પાઠનું સંપુટ સાથે તથા રામરક્ષાસ્ત્રોત સાથે એક એક ગુલાબની પુષ્પાંજલિ સાથે સવારે ૧૧:૦૭ મિનિટે પૂજન કરવામાં આવશે.

તા.૫ ઓગસ્ટનાં રોજ અયોઘ્યાનગરી જયારે સુવર્ણ આભુષણો ધારણ સાથે વિવિધ શણગારો સર્જશે અને આખુ અયોઘ્યા રામમય બની જશે, આ અનુપમ ક્ષણમાં આખુ વિશ્ર્વ આ ભવ્ય શિલાન્યાસનું સાક્ષી બની રહ્યું. એ સાથે આશ્રમમાં ફુલહારોનાં શણગાર સાથે સોનાનો સુરજ ઉગશે. આ અવસરે સવારે ૧૨:૩૯ મિનિટે વિજય મુહૂર્તમાં પ.પૂ.શ્રી સદગુરુદેવ ભગવાનની દિપમાળા સાથે આરતી ઉતારવામાં આવશે તથા અયોઘ્યા સમા રાત્રે શણગાર તથા ડેકોરેશન કરવામાં આવશે. અયોઘ્યાનગરી રામજન્મભૂમિ વિશે પ.પૂ.સદગુરુદેવ ભગવાન રણછોડદાસજીબાપુ કહેતા કે અયોઘ્યામાં રામલલ્લા વિગ્રહ સ્વરૂપે સાક્ષાત બિરાજમાન છે.

ગુરુદેવ કહેતા કે, પતિત પાવન ભગવાન અમોને કહેતા કે આગ્રાથી પણ અયોઘ્યાના દર્શન થઈ શકતા એવું જાજરમાન અને ભવ્ય મંદિર હતું અને પતિત પાવન ભગવાન ગુરુદેવને સૌરાષ્ટ્ર અને ભારતભરમાં રામનામ અને રામચરિતમાનસજીનાં પ્રચાર માટે ભારતભ્રમણ કરવા કહ્યું હતું. પ.પૂ.સદગુરુદેવ ભગવાન રણછોડદાસજીબાપુને રામચંદ્ર ભગવાનનાં સાક્ષાત્કાર દર્શન ગલતાજી (જયપુર) તથા અયસુયાજી (ચિત્રકુટ) ખાતે થયા છે. પ.પૂ.સદગુરુદેવ ભગવાન પણ સૌને એક જ વાત, મંત્ર કહેતા અને આપતા રામનાથ, કે જયારે પણ મન મુંઝાઈ ત્યારે રામરામ કરો, અવશ્ય કલ્યાણ થશે, આશ્રમમેં તો મૈને કરોડો રામનામ લીયા હૈ. રામનામ તો સંજીવની બુટી હૈ, ઉસસે તો ભવરોગ મિટ જાતે હૈ, ફીર શારીરીક રોગો કા તો કહના હી કયા, માટે આશ્રમમાં પણ છેલ્લા ૪૩ વર્ષથી અખંડ શ્રીરામ જય રામ જય જય રામની ધુન ચાલે છે.

રામજન્મભૂમિ, અયોઘ્યાનાં દિવ્ય ઉત્સવસમા શિલાન્યાસ નિમિતે સર્વ ભકતોને ઘરે રહીને ખાસ રામનામ જાપ કરવા જણાવાયું છે.

શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર, અયોઘ્યામાં યોજાઈ રહેલા દિવ્ય શિલાન્યાસ નિમિતે પ.પૂ. રણછોડદાસજીબાપુ આશ્રમ, રાજકોટમાં પ.પૂ.સદગુરુદેવ ભગવાનને થાળમાં પકવાન તથા મિષ્ટાન ધરાવવામાં આવશે તથા આશ્રમની ટીફીન સેવા, દરિદ્રનારાયણ ભોજન અને દર્દી ભગવાનને આજે મિષ્ટાન ભોજન બનાવી આજના આ દિવ્ય અવસરને ઉજવવામાં આવશે. આ સમગ્ર કાર્યક્રમ પુજન, આરતી, દિપમાળાનું લાઈવ પ્રસારણ મારા ગુરુદેવ ફેસબુક પેઈજ ઉપર કરવામાં આવશે જેની ખાસ નોંધ લેવી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.