Abtak Media Google News

સતત પાંચમાં વર્ષે આગળ ધપતી પરંપરા

ગૌ સેવા માટે ગૌસેવક લોકડાયરા કે અન્ય મનોરંજક કાર્યક્રમો યોજતા હોય છે પણ હાલમાં દિવાળીના તહેવારો ચાલી રહ્યા છે. ત્યારે ગૌરક્ષકોએ ફટાકડા વેચીને જે નફો મળે તે ગૌ સેવામાં વાપરવા માટેનો પ્રયાસ કર્યો છે.

જામનગર નજીકના વિભાપરમાં ગૌ સેવાર્થે રાહતદરે ફટાકડા સેલનું આયોજન કરાયું છે. ગામના સેવાભાવીઓ દ્વારા આ આયોજન કરાયું છે. ગાય માતાને સનાતન સંસ્કૃતિમાં કામધેનું ની ઉપમા આપવામાં આવી છે, એટલે કે ગૌમાતા ના આશીર્વાદથી દરેક ઈચ્છા પૂર્ણ થાય છે. ગાયમાં ૩૩ કરોડ દેવતાઓનો નિવાસ ની માન્યતા પણ પ્રચલિત છે, ત્યારે દિવાળીના તહેવારની ઉજવણી અને ગૌવંશની સેવાનું માધ્યમ બનાવી દેવાની અનોખી અને પ્રેરક પરંપરા જામનગર નજીક આવેલા વિભાપર ગામમાં જોવા મળી રહી છે.

જય વચ્છરાજ ગૌ સેવા ટ્રસ્ટ સંચાલિત બિમાર ગાયોની ગૌશાળા નો માસિક નિભાવ ખર્ચ અંદાજે રૂપિયા પાંચ લાખ જેટલું થવા જાય છે, જેને પહોંચી વળવા માટે ટ્રસ્ટની કમિટીના આગેવાનો દ્વારા જુદા જુદા કાર્યક્રમો રાખવામાં આવે છે, ઉપરાંત પ્રતિવર્ષ દિવાળી ના તહેવાર દરમિયાન વિભાપર ગામ માં રાહત દરે ફટાકડાના વેચાણનું મોટા પાયે સેલ ગોઠવવામાં આવે છે, આ વર્ષે સતત પાંચમા વખતે પણ આ પરંપરા આગળ વધારવામાં આવી છે. વિભાપર ગામ માં આવેલી લેઉવા પટેલ સમાજ ની વાડી ના પટાંગણમાં દરેક પ્રકારના ફટાકડાના વિશાળ સેલનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં માત્ર છ રૂપિયાથી માંડીને ૧૦,૦૦૦ની કિંમતના ફટાકડાનું વેચાણ કરવામાં આવી રહ્યું છે.

જામનગર લોહાણા જ્ઞાતિના પ્રમુખ  જીતુભાઈ લાલ ઉપરાંત એચ. જે.લાલ ટ્રસ્ટના  મિતેશભાઇ લાલ કે જેઓ ઘણા વર્ષોથી વિભાપર ની ગૌશાળા ની પ્રવૃત્તિ થી પ્રભાવિત છે, તેમજ વિભાપર ગામ ના અગ્રણીઓની ઉપસ્થિતિમાં આ અનોખા સેવાયજ્ઞ નું ઉદ્ઘાટન રવિવારે કરવામાં આવ્યું હતું, અને ૧૪ નવેમ્બર સુધી ચાલનારા આ સેલમાં રાત્રિના ૧૨ વાગ્યા સુધી ગૌશાળાના લાભાર્થે ફટાકડાનું વેચાણ કરવામાં આવી રહ્યું છે.

હાલમાં કોરોના કાળ ચાલતો હોવાથી સેલમાં આવતા દરેક મુલાકાતીઓનો  થર્મલ સ્કેનિંગ કરીને અને સેનિટેશન થયા પછી અને માસ્ક ના હોય તો વીના મુલ્યે માસ્ક આપવાની સાથે જ પ્રવેશ આપવામાં આવે છે. સેલ મા ફટાકડા નું તદ્દન રાહતદરે વેચાણ થાય છે, અને દરેક પ્રકારના ફટાકડા ના પેકીંગ ઉપર તેની કિંમત અંકિત હોવાથી ગ્રાહકોને ભાવતાલ કરવાની કોઈ પણ પ્રકારની ઝંઝટ રહેતી નથી અને સ્વયં શિસ્ત ના માપદંડથી સુચારુ રૂપે લોકો  સેવાના ભાવથી આ સેવાયજ્ઞમાં જોડાઈને ફટાકડા ની ખરીદી કરે છે.

આર્થિક રીતે સમૃદ્ધ એવા ટ્રસ્ટના હોદ્દેદારો પણ શ્રમિક જેવી સેવા આપે છે. ઉપરાંત ગ્રાહકો માટે ચા-પાણી અને નાસ્તાની પણ વ્યવસ્થા સ્વયંસેવકો દ્વારા સ્વખર્ચે જ કરવામાં આવે છે.  ટ્રસ્ટ દ્વારા છેલ્લા ૧૪ વર્ષથી બીમાર ગાયોની ગૌશાળાનું સંચાલન કરવામાં આવે છે, આ ગૌશાળા પહેલા દરેડ માં ફેશ -૩ મા કાર્યરત હતી, જેનું વિભાપર ગામમાં સ્થળાંતર કરવામાં આવ્યું છે. અને મોટા ભાગની બિમાર ગાયોની સારસંભાળ અને સંચાલન કરવામાં આવે છે.

ગૌશાળાના લાભાર્થે ફટાકડા સ્ટોલ ના આયોજન માટે મુખ્ય વ્યવસ્થાપક એવા  દિપકભાઈ ચોવટીયા ઉપરાંત નવનીતભાઈ પણસારા, ભરતભાઈ મોલિયા, સંજય ભાઈ પણસારા, પ્રવીણભાઈ મોલીયા, નીતિનભાઈ દોમડીયા, શાંતિલાલ કાનાણી અને વિનુભાઈ દોમડીયા સહિતના આઠ સભ્યોની કમિટી બનાવવામાં આવી છે. ગામના તરવારિયા યુવાન સહિત ૧૦૦ જેટલા કાર્યકરોની ટીમ સમગ્ર વ્યવસ્થા સંભાળે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.