ગુજરાતના ટાપુઓ અને બીચોને ‘સહેલાણીઓ’નું ‘સ્વર્ગ’ બનાવવા રૂપાણી સરકારે કમર કસી

ગુજરાતના ૧૬૦૦ કિ.મી. દરિયા કિનારે વિશ્વને ટકકર મારે તેવું કુદરતી દરિયાઈ સૌંદર્ય ધરાવતા અનેક ટાપુઓને પ્રવાસન કેન્દ્ર બનાવવા સરકારની યોજના: પિરોટન સહિતના ટાપુઓનો વિકાસ કરવા બેટદ્વારકા આયલેન્ડ ડેવલપમેન્ટ ઓથોરીટીની રચના કરાઇ

ભારતમાં સૌથી વિશાળ દરિયાકિનારે ગુજરાત રાજયમાં આવેલો છે. દક્ષિણ ગુજરાતથી શરૂ થઈને કચ્છ સુધી ફેલાયેલા ૧૬૦૦ કી.મી.ના વિશાળ દરિયાકિનારે અનોખો કુદરતી દરિયાઈ સૌદર્ય ધરાવે છે. રાજયનાં આ વિશાળ દરિયાકાંઠા પર ૧૪૪ નાના મોટા ટાપુઓ આવેલા છે. આ ટાપુઓ પરનાં કુદરતી દરિયાઈ સૌદર્યનો લ્હાવો વિશ્ર્વભરનાં સહેલાણીઓ માણી શકે ઉપરાંત રાજયમાં વિશ્ર્વને ટકકર મારે તેવા અનેક ટાપુઓ પણ આવેલા છે. જેમાં સ્કુલા ડ્રાઈવીંગ જેવી દરિયાઈ સાહસ કહી શકાય તે માટે રાજયની રૂપાણી સરકારે કમર કસી છે. જે માટે રાજય સરકારે ગુજરાત આઈલેન્ડ ડેવલપમેન ઓથોરીટી બનાવી છે.

આ ઓથોરીટીની ત્રીજી બેઠક ગઈકાલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં યોજાઈ હતી. જેમાં કચ્છના અખાતમાં આવેલા પિરોટન, બેટ દ્વારકા, શિયાળબેટ સહિતના ટાપુઓને પ્રવાસન કેન્દ્ર તરીકે વિકસાવવાનો નિર્ણય કરાયો છે. જે માટે બેટ દ્વારક આઈલેન્ડ ઓથોરીટી બનાવવાનો નિર્ણય કરાયો છે. અને પ્રાથમિક તબકકે આ ટાપુઓ પર પ્રવાસન કેન્દ્રોનાં વિકાસ માટે રૂા.૧૦૮ કરોડ ફાળવવામાં આવ્યા છે. આ ટાપુઓ હાલમાં દરિયાઈ ભરતીનાં સમયે જવુ અશકય મના છે. જેથી આ બેઠકમાં દરિયાઈ ભરતીનાં સમયે સહેલાણીઓની અવરજવર કેવી રીતે શકય બનાવી તે અંગેનું પ્રેઝટેન્શન પણ યોજાયું હતુ.

આ બેઠકમાં પિરોટન ટાપૂને નેચર રિલેટેડ એકટીવીટીજ માટેનું પ્રવાસન આકર્ષણ કેન્દ્ર બનાવવા માટે તેનો વિકાસ પર્યાવરણ જાળવણી સાથે કરવામાં આવે તેવો નિર્ધાર વ્યકત કરવામાં આવ્યો હતો. પૂરાતન સાંસ્કૃતિક વિરાસત ધરાવતી બેટ દ્વારિકાના સર્વગ્રાહી પ્રવાસન વૈવિધ્યસભર વિકાસ માટે બેટ દ્વારકા આયલેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીની રચના રાજય સરકાર કરશે.

પિરોટન, શિયાળ બેટ અને બેટ દ્વારકા ટાપુઓનાં પ્રવાસન વિકાસની વ્યાપક સંભાવનાઓને પ્રાથમિક તબકકે રૂા. ૧૦૮ કરોડના ખર્ચે વિકાસ કરવા અંગે ગહન ચર્ચા વિચારણા આ બેઠકમાં હાથ ધરવામાં આવી હતી.

ગુજરાત ૧૬૦૦ કિ.મી. લાંબો સમુદ્રકિનારો અને ૧૪૪ થી વધુ  ટાપુઓ બેટ ધરાવતું દેશનું વિકાસશીલ રાજ્ય છે તે સંદર્ભમાં ભારત સરકારની આયલેન્ડ  ડેવલપમેન્ટ પોલિસીને સુસંગત રાજ્યના આયલેન્ડ  ટાપૂઓના વિકાસ માટે ગુજરાત સરકારે ગત ઓગસ્ટ માસમાં આયલેન્ડ  ડેવલપમેન્ટ ઓથોરિટીની રચના કરેલી છે. આ ઓથોરિટીનો હેતુ રાષ્ટ્રીય સુરક્ષાની જાળવણી સાથે આ ટાપૂઓ પર આર્થિક ગતિવિધિ અને પ્રવાસનને પ્રોત્સાહન આપવાનો છે.

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી આ ઓથોરિટીની ત્રીજી બેઠકમાં નાયબ મુખ્યમંત્રી  નીતિનભાઇ પટેલ, મહેસૂલ મંત્રી  કૌશિકભાઇ પટેલ, પ્રવાસન મંત્રી  જવાહરભાઇ ચાવડા, પાણી પૂરવઠા મંત્રી  કુંવરજીભાઇ બાવળીયા તેમજ ગૃહ રાજ્ય મંત્રી  પ્રદિપસિંહ જાડેજા પણ ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રીએ આયલેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીને એવું પ્રેરક સૂચન કર્યુ હતું કે પિરોટન, શિયાળ બેટ અને બેટ દ્વારકા આયલેન્ડના પ્રવાસન આકર્ષણ કેન્દ્ર રૂપ વિકાસ માટે ડિટેઇલ્ડ પ્લાનીંગ કરીને વિશ્વના આ ક્ષેત્રના શ્રેષ્ઠ તજજ્ઞોની સેવાઓ પણ તેમાં જોડવામાં આવે.

તેમણે પિરોટન ટાપૂની વિશેષતા એવા કોરલ સહિત બર્ડવોચિંગ, લાઇટ હાઉસ વગેરેને પણ પ્રવાસન હેતુસર વિકસીત કરવા જણાવ્યું હતું.

મુખ્યમંત્રીએ આ ટાપૂઓ પરની પ્રવાસન સહિતની વિવિધ ગતિવિધિઓમાં સ્થાનિક યુવાઓને રોજગારી મળે તે માટે આઇ.ટી.આઇ દ્વારકાને મરિન સ્કીલ ટ્રેનિંગ સેન્ટર તરીકે કાર્યરત કરવા સંબંધિત વિભાગોને સંકલન માટેની તાકિદ કરી હતી. મુખ્ય સચિવ  અનિલ મૂકીમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ  કે. કૈલાઇનાથન, ગૃહ, મહેસૂલ અને શહેરી વિકાસ વિભાગના અધિક મુખ્ય સચિવો, મુખ્યમંત્રીના અગ્ર સચિવ  એમ. કે. દાસ તેમજ સચિવ  અશ્વિનીકુમાર, વન-પર્યાવરણ, પ્રવાસન વિભાગના વરિષ્ઠ સચિવો આ બેઠકમાં જોડાયા હતા.

Loading...