Abtak Media Google News

સૌથી વધુ ચાલુ માસમાં જ ૨૦૭૮ નંબરો ફાળવાયા, જેમાંથી રૂ.૧.૦૩

કરોડ ઉપજયા: કારની સિરીઝમાંજ રૂ. ૯૭ લાખ આવ્યા હતા

રાજકોટ સહિત રાજયભરમાં આર.ટી.ઓની આવકનો મુખ્ય સ્ત્રોત ટેક્ષ ઉપરાંત પસંદગીના નંબરોની ફાળવણી થકી થતી આવક છે. આરટીઓ, તંત્ર દ્વારા સમયાંતરે ફોર અને ટુ વ્હીલરનાં, નંબરોની નવી સિરીઝમાં, પસંદગીનાં નંબરોની ફાળવણી કરવામાં આવે છે. અને આ નંબરોની ફાળવણી થકી આર.ટી.ઓ તંત્રને લાખો રૂ.ની આવક થાય છે.

દરમ્યાન છેલ્લા ત્રણ માસ એટલે કે, ગત જાન્યુઆરી, ફેબ્રુઆરી અને ચાલુ માર્ચ માસ દરમ્યાન રાજકોટ જિલ્લા આર.ટી.ઓ તંત્રને રૂ.૧,૭૬ કરોડથી વધુની આવક થયાનું રાજકોટ જિલ્લા આર.ટી.ઓ તંત્રનાં સુત્રોમાંથી જાણવા મળેલ છે. આ અંગેની સુત્રોમાંથી પ્રાપ્ત થતી વધુ વિગતો મુજબ ગત તા.૧.૧.૨૦૧૯ થી ૨૬-૩-૨૦૧૯ સુધીમાં રાજકોટ જિલ્લા આર.ટી.ઓ તંત્રએ ફોર અને ટુ વ્હીલનાં કૂલ મળી ૬૧૮૫ પસંદગીનાં નંબરોની ફાળવણી કરી હતી. જે પૈકી આર.ટી.ઓ તંત્રને રૂ.૧,૭૬ કરોડની આવક પ્રાપ્ત થઈ છે.

આ અંગેની મહિનાવાર વિગતો જોઈએ તો, ગત જાન્યુઆરીસ, દરમ્યાન રાજકોટ જિલ્લા આર.ટી.ઓ તંત્રએ ૨૪૦૭ પસંદગીના નંબરો ફાળવ્યા હતા જે પૈકી તંત્રને રૂ.૪૭,૫૪ લાખની આવક થઈ હતી. આ ઉપરાંત ગત ફેબ્રુઆરી માસ દરમ્યાન રાજકોટ આર.ટી.ઓ તંત્રએ ૧૭૦૦ પસંદગીના નંબરો ફાળવ્યા હતા જે પૈકી તંત્રને રૂ. ૨૭,૭૦ લાખની આવક થઈ હતી.

જયારે ચાલુ માર્ચ માસ દરમ્યાન રાજકોટ જિલ્લા આર.ટી.ઓ તંત્રએ ૨૦૭૮ પસંદગીના નંબરો ફાળવ્યા છે. જે પૈકી તંત્રને રૂ.૧,૦૩ કરોડની જંગી આવક થઈ હતી.અત્રે ઉલ્લેખનીય છે, કે ચાલુ માસમાં આર.ટી.ઓ તંત્રએ ફોર વ્હીલની નવી સિરીઝ બહાર પાડી પસંદગી નંબરો ફાળવ્યા હતા. જેમાં જ, તંત્રને રૂ. ૯૭ લાખથી વધુની આવક થઈ હતી.

કારની ‘એલ.બી.’ સિરીઝમાં પસંદગીના નંબરો ફાળવાશે

નંબરો મેળવવા ઓનલાઈન અરજી કરવા આરટીઓ તંત્રનું આહવાન 

રાજકોટ જિલ્લા આરટીઓ તંત્ર દ્વારા મોટર કાર પ્રકારના વાહનો માટે જીજે૦૩બીએલ સીરીઝના ૧ થી ૯૯૯૯ નંબરો પૈકી રહેતા નંબરો તથા અગાઉની સિરીઝના બાકી રહેલા ગોલ્ડન સિલ્વર નંબરોના ઈ-ઓકશનથી શ‚ કરવામાં આવનાર છે. ગુજરાત મોટર વાહન નિયમ-૧૯૮૯ નિયમ ૪૩ માં સુધારો થયા મુજબ ગોલ્ડન નંબરો થતા સિલ્વર નંબરોની ઓકશન (હરાજી)થી ફાળવવાનું નકકી થયેલ છે. જેથી આ પ્રકારના ગોલ્ડન નંબરો તથા સિલ્વર નંબરો તથા અન્ય પસંદગી નંબરો મેળવવા ઈચ્છતા વાહન માલીકો પાસેથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. ગોલ્ડન નંબરની મોટરકાર પ્રકારના વાહનોમાં ઓછામાં ઓછી ફી (અપસેટ પ્રાઈઝ) રૂ.૨૫૦૦૦ છે.

સિલ્વર નંબર મોટરકાર પ્રકારના વાહનોમાં ઓછામાં ઓછી ફી રૂ.૧૦૦૦૦ છે. ગોલ્ડન, સિલ્વર સિવાયના અન્ય પસંદગીના નંબરોમાં મોટરકાર પ્રકારના વાહનોમાં ઓછામાં ઓછી ફી રૂ.૫૦૦૦ છે. ગોલ્ડન, સિલ્વર તથા અન્ય પસંદગીના નંબરોના ઓકશનમાં ભાગ લેવા માટે સેલ ઈનવોઈસની તારીખ અથવા વિમાની તારીખ તે બેમાંથી જે વહેલુ હોય તે તારીખથી સાત દિવસ સુધીમાં ફોર્મ સીએનએમાં અરજી કરનારને અરજી કર્યા તારીખથી ૬૦ દિવસ સુધી પસંદગીના નંબર માટેના ઓકશનમાં ભાગ લઈ શકશે.

ગોલ્ડન, સિલ્વર તેમજ અન્ય પસંદગીના નંબરો મેળવવા માટે તા.૦૧-૦૪ થી તા.૦૩-૦૪ સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવાનું રહેશે તથા તા.૦૪-૦૪ના રોજ સવારે ૧૧ કલાકથી તા.૦૫-૦૪ના સાંજના ૪ કલાક સુધી ઓનલાઈન ઈ-ઓકશન ખુલ્લુ રહેશે તથા તા.૦૫-૦૪ના રોજ સાંજના ૫ કલાકે કોમ્પ્યુટર દ્વારા જનરેટ કરેલ ઈ-ઓકશનનું પરિણામ નોટિસ બોર્ડ પર મુકવામાં આવશે. તેમજ પરીવહન સાઈટ પર ઓનલાઈન પણ જોઈ શકશે. ગોલ્ડન, સિલ્વર તથા અન્ય પસંદગી નંબરો ઓકશન બાદ સફળ અરજદારોનું લીસ્ટ તથા અસફળ અરજદારોનું લીસ્ટ કોમ્પ્યુટર દ્વારા જનરેટ થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.