Abtak Media Google News

ઈકો-ઈન્ફ્રા-ટેક-ડિમાન્ડ અને ડેમોગ્રાફ ઉપર ધ્યાન કેન્દ્રીત કરી દેશને આત્મનિર્ભર બનાવવા મોદી મંત્ર

વિશ્ર્વમાં સૌથી મોટું રાહત પેકેજ જાહેર કરનાર ત્રીજો મોટો દેશ બન્યો ભારત : લોક-ઓપન બાદ દેશના આર્થિક પાસાઓને વધુ મજબૂત કરાશે

ભારતીય અર્થતંત્ર મુળભૂત પાંચ સ્થંભો ઉપર ટકેલું છે. મહામારીના કારણે સ્થંભોને થોડા પ્રમાણમાં નુકશાન થયું છે. આ સ્થંભોને તંદુરસ્ત કરી મજબૂત બનાવવા માટે વડાપ્રધાન મોદીએ જાહેર કરેલું રૂા.૨૦ લાખ કરોડનું તોતીંગ પેકેજ મહત્વનો ભાગ ભજવશે. આ પેકેજ થકી ઈકોનોમીને રાહત મળશે. દેશની અર્થ વ્યવસ્થા ઈન્ફાસ્ટ્રકચર પર નભેલી છે. રાહત પેકેજના કારણે ઈન્ફાસ્ટ્રકચરનો વિકાસ કરવામાં મદદ મળશે. મોદીના પાંચ  વ્યૂહાત્મક સ્થંભોમાં ડિમાન્ડ એટલે કે માંગ અને ડેમોગ્રાફ પણ અગત્યનું સ્થાન ધરાવે છે. આગામી સમયમાં ઉત્પાદનની સાથો સાથ માંગ પણ ઉભી થાય તે માટે તરલતા લાવવા રૂા.૨૦ લાખ કરોડનું પેકેજ મહત્વનું પાસુ બની રહેશે.

દેશમાં હાલ ઈન્ફાસ્ટ્રકચરની અતિ તાતી જરૂર છે. એક સ્થળેથી બીજા સ્થળે માલ-સામાન ખસેડવા યોગ્ય ઈન્ફાસ્ટ્રકચર ઉભુ કરવામાં આવે તો સામાન્ય માણસથી મસમોટા એકમોને ફાયદો થશે. ઈન્ફાસ્ટ્રકચર ક્ષેત્રે વડાપ્રધાન મોદીની આગેવાનીમાં કેન્દ્ર સરકારે અનેક સુધારા ઘણા સમયથી શરૂ કરી દીધા હતા. હવે નવા પેકેજના કારણે આ સુધારા વેગવાન બનશે. દેશમાં લોકોના ખિસ્સામાં નાણા રહે તે માટેની યોજનાઓ પણ નાણા મંત્રાલયે અગાઉથી જ ઘડી કાઢી હતી. હવે જ્યારે મહામારીના કારણે ઉદ્યોગ-ધંધા બંધ છે અને લોક-ઓપન થયા બાદ લોકો પાસે પૈસા રહે તે માટે તરલતા લાવવા પેકેજ મહત્વનો ભાગ ભજવશે.

ભારતનું અર્થતંત્ર આગામી સમયમાં વધુને વધુ ટેકનોલોજી ફ્રેન્ડલી થઈ જશે. આર્થિક વ્યવહારોની સાથો સાથ ઉત્પાદનમાં પણ ટેકનોલોજીનો ભરપુર ઉપયોગ થઈ શકે તે માટેની વ્યૂહરચના કેન્દ્ર સરકાર દ્વારા ઘડી કાઢવામાં આવશે. અત્યાર સુધીમાં બ્રિટન સહિતના અનેક મસમોટા દેશ ટેકનોલોજી ફ્રેન્ડલી ન થઈ શકવાના કારણે ભૂતકાળની જેમ પ્રગતિ કરી શકયા નથી. ભારતમાં પણ કેટલાક રાજ્યોએ ટેકનોલોજીની સાથો સાથ બદલાવને સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો જેના માઠા પરિણામો ભોગવવા પડ્યા છે. અલબત હવે ૨૧મી સદી ભારતના વિકાસની સદી છે. જેથી ટેકનોલોજીને બને તેમ વધુને વધુ ઉપયોગ કરવાનો રહેશે. આખી સીસ્ટમ ટેકનોલોજી આધારિત બની જશે. ટેકનોલોજીના શ્રેષ્ઠ ઉપયોગનું ઉદાહરણ વડાપ્રધાન મોદીએ ગઈકાલે જ આપી દીધું હતું. તેમણે આધાર થકી બેંક એકાઉન્ટ જોડીને ડાયરેકટ નાણા લાભાર્થીના ખાતામાં જમા થઈ રહ્યાં હોવાની વાત ઉચ્ચારી હતી. આવી જ રીતે ભવિષ્યમાં પણ વધુને વધુ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.

વડાપ્રધાન મોદીએ ગુજરાતના કચ્છનું ઉદાહરણ આપ્યું હતું. કચ્છ જેમ પડ્યા બાદ ઉભુ થયું તેમ ભારત પણ ફરીથી બેઠુ થઈ વિશ્ર્વગુરૂ બનશે તેવી આશા વ્યકત કરી હતી. જેના માટે વાઈબ્રન્ટ, ડેમોગ્રાફી અને ડિમાન્ડ ઉપર પણ પુરતુ ધ્યાન આપવા માટે રાહત પેકેજ મહત્વનો ભાગ બનશે. અગાઉ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ જીડીપીનો ૩.૨ ટકા ભાગ રાહત પેકેજ તરીકે જાહેર થાય તે માટેની તૈયારી કરી હતી. અલબત વડાપ્રધાન મોદીએ ગઈકાલે જીડીપીના ૧૦ ટકાનો ભાગ રાહત પેકેજ તરીકે જાહેર કર્યો હતો. બીજી તરફ પેકેજથી લેન્ડ, લેબર, લીક્વીડીટી અને લો માં મસમોટા ફેરફાર કરશે તેવી અપેક્ષા પણ વ્યકત કરવામાં આવી હતી.

કોરોના સંકટ વચ્ચે ગઈકાલે રાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને સંબોધિત કરતા ૨૦ લાખ કરોડ રૂપિયાના મહાઆર્થિક પેકેજની જાહેરાત કરી હતી. પીએમ મોદીએ આ પેકેજને આત્મનિર્ભર ભારત પેકેજ નામ આપ્યું. પીએમ મોદીનું આ પેકેજ એ બાબતે પણ ઐતિહાસિક છે કે ૨૦ લાખ કરોડ રૂપિયાનું આ અત્યાર સુધીનું સૌથી મોટું આર્થિક પેકેજ છે. પીએમ મોદીએ સંબોધનમાં એમ પણ કહ્યું કે, આ પેકેજમાં નાણામંત્રી અને આરબીઆઈ દ્વારા અગાઉ કરાયેલી રાહતની જાહેરાતો પણ શામેલ છે. તેથી હવે આ જાણવું મહત્વનું છે કે બાકીનું પેકેજ કેટલું હશે અને કેટલી મૂડી બચશે. ભારતીય રિઝર્વ બેંકે અત્યાર સુધી બે તબક્કામાં આશરે ૪.૭૪ લાખ કરોડ રૂપિયાના આર્થિક રાહત પેકેજની જાહેરાત કરી છે.

સૌથી પહેલા ૨૭ માર્ચે આરબીઆઈએ રોકડ વધારવાના ઉપાયોની જાહેરાત કરી હતી અને રેપો રેટમાં ૭૫ બેસિસ પોઈન્ટનો ભારે ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. સીઆરઆર ઘટાડીને ૪થી ૩ ટકા કર્યા. આ પહેલા ટાર્ગેટેડ લોન્ગ ટર્મ રેપો ઓપરેશન દ્વારા સિસ્ટમમાં ૧ લાખ કરોડ રૂપિયાના રોકડ પ્રવાહની વાત કહી. જ્યારે આ રીતે આશરે ૩.૭૪ લાખ કરોડ રૂપિયાની રોકડ સિસ્ટમમાં આવવાની વાત કહી હતી. ૧૭ એપ્રિલે રિઝર્વ બેંકે ફરી ૧ લાખ કરોડ રૂપિયાનો રોકડ પ્રવાહ વધારવાના ઉપાય કર્યા. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે ૧.૭ લાખ કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરી હતી. જેમાં ગરીબ કલ્યાણ યોજના હેઠળ ગરીબોની મદદ કરવાની વાત કહી હતી. આ રીતે આશરે ૬.૪૪ લાખ કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત તો પહેલા જ કરવામાં આવી ચૂકી છે. આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે નાબાર્ડ, સિડબી, એનએચબીની ભૂમિકા ગ્રામીણ ક્ષેત્રો અને એનબીએફસી વેગેરેના દેવા પ્રવાહ માટે મહત્વની છે.

પીએમ મોદીના સંબોધન પર સૌ કોઇની નજર હતી કે આગામી સમયમાં કોરોના સામ લડવા માટે તેઓ ક્યાં પ્રકારનો પ્લાન દેશ સમક્ષ મૂકશે. શું અર્થવ્યવસ્થામાં ઝડપ લાવવા માટે લોકડાઉનમાં ઢીલ આપવાનું એલાન કરશે. ખરેખર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારને જ્યારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરી હતી તેમણે રાજ્યો પાસે આ અંગે ફિડબૈક માંગી હતી. આવામા પ્રધાનમંત્રી શું બોલશે અને લોકડાઉન તથા અર્થવ્યવસ્થાને લઇ શું નિર્ણય લેશે તેના વિશે જાણવા માટે લોકોની ઉસ્તુક્તા વધી ગઇ હતી. લોકો એકીટસે રાત્રે ૮ વાગ્યે ટીવી સામે ઉભા રહી ગયા હતા.

કોરોના ધંધાનું રૂપ બદલી રહ્યો છે, ૨૦

ટકાથી વધુ દુકાનોને ફરજિયાત તાળા લાગશે

લોકડાઉન દરમિયાન આવેલી મંદીના પગલે આગામી સમયમાં ધંધાનું રૂપ બદલાઈ રહ્યું છે. નવા નિયમોના પગલે દેશની ૨૦ ટકા રિટેલ્સ દુકાનો બંધ થઈ જાય તેવી દહેશત છે. લોકડાઉન ઉઠી જાય ત્યારબાદ પણ સોશિયલ ડિસ્ટન્સીંગના નિયમો અને મસમોટા ભાડાના કારણે ૨૦ ટકા દુકાનો બંધ થઈ જશે. હાલ રાજકોટ જેવા શહેરમાં અનેક બજારો એવી છે જ્યાં ખુબજ સાકળી શેરીઓ-ગલીઓમાં દુકાનો ચાલે છે. આવી ગલીઓમાં સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવવું ખુબજ અઘરું છે. જેથી દુકાનો ફરી ધમધમી ઉઠે તેવી શકયતા નહીંવત છે. આ ઉપરાંત હાલ ભાડા પણ ખુબજ ઉંચા છે. લીઝીંગ બિઝનેસમાં બુમ છે. પરિણામે નાના ધંધાર્થીનું લોકડાઉન દરમિયાન ચડી ગયેલું ભાડુ અને આગામી ૨ થી ૩ મહિનાના ભાડા કાઢવા મુશ્કેલ બનશે. રાજકોટની જેમ અમદાવાદ, સુરત, બરોડામાં પણ મોટી બજારો સાંકળી ગલીઓમાં જ ભરાતી હોય છે. આ મામલે નિષ્ણાંતોનું માનવું છે કે, છુટછાટ મળશે તો પણ કેટલાક વિસ્તારોમાં લોકો એકઠા થશે નહીં. મુંબઈની કોલાબા, નરીમાન પોઈન્ટ અને અંધેરી જેવી બજારોમાં ૬૦ ટકા દૂકાનો ભાડેથી ચાલતી હોય છે. આ દુકાનાનો ભાડા ૧૦૦૦ સ્કવેર ફીટ દીઠ ૨.૫ થી ૫ લાખ વચ્ચે હોય છે. આવા સંજોગોમાં દુકાનને ચલાવી મુશ્કેલ છે. આ ઉપરાંત અન્ય મહાનગરોની બજારોમાં પણ ભાડા ઉંચા જઈ રહ્યાં છે. પરિણામે આગામી સમયમાં ૨૦ ટકાથી વધુ દુકાનોને ફરજિયાત તાળા લાગશે.

માત્ર મહામારીમાં રાહત જ નહીં પરંતુ અર્થતંત્રની

હરણફાળ માટે પણ રાહત પેકેજ મહત્ત્વનું

વડાપ્રધાન મોદીએ જાહેર કરેલું રૂા.૨૦ લાખ કરોડનું પેકેજ માત્ર મહામારીમાં રાહત નહીં આપે પરંતુ ઉદ્યોગોને બેઠા કરી તેમને હરણફાળ ભરાવવા પણ મદદરૂપ રહેશે. અર્થતંત્રને દોડતું કરવા સરકારની ઈચ્છાના સારા ફળ આગામી સમયમાં મળશે. હાલ ઓછામાં ઓછા જોખમમાં વધુને વધુ સારા ફળ મેળવવાની વ્યૂહરચના ઘડવામાં આવી છે. ૨૦ લાખ કરોડનું રાહત પેકેજ ઉદ્યોગોને બેઠા કરવા વપરાશે. તેની સાથો સાથ ૬ અઠવાડિયાથી માંદા પડેલા ઔદ્યોગીક એકમો ઉત્પાદનમાં ધમધમી ઉઠે તે માટે રાહતરૂપ રહેશે. સરકાર આ પેકેજ યેનકેન પ્રકારે રાહત આપી ઉદ્યોગોને આપશે. નાણા મંત્રાલય દ્વારા ટૂંક સમયમાં પેકેજને લગતી જાહેરાતો થશે. એગ્રો પ્રોસેસીંગ ઈન્ડસ્ટ્રી, ઉર્જા સેકટર અને ફૂડ કોર્પોરેશનને પણ પેકેજના કેન્દ્ર સ્થાને રાખવામાં આવશે. ગ્લોબલ કેપીટલ માર્કેટમાં પોઝીટીવ રિટર્નની આશાએ પ્રોડકટીવીટીને ઘટાડવામાં આવશે. નવા મુડી રોકાણો આરોગ્ય સુવિધા અને ઈન્ફાસ્ટ્રકચરમાં થાય તે સુનિશ્ર્ચિત કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચોથી વખત કોરોના સંકટ વચ્ચે રાષ્ટ્રને સંબોધનમાં આત્મનિર્ભર ભારત અભિયાનની ઘોષણા કરી હતી અને કહ્યું હતું કે, સરકાર તેના માટે ૨૦ લાખ કરોડનું મહાપેકેજ લાવી રહી છે. તેમણે કહ્યું કે, નાણામંત્રી નિર્મલા સીતારામન બુધવારથી થોડા દિવસો માટે પગલા-દર-પગલામાં દેશની સમક્ષ પેકેજની વિસ્તૃત વિગત ધરાવે છે. વડાપ્રધાને કહ્યું કે ૨૦ કરોડનું આ સ્વનિર્ભર ભારત અભિયાન પેકેજ દેશના કુલ જીડીપીના ૧૦% જેટલું છે.

લોકડાઉન-૪ના નવા નિયમો

‘લોક-ઓપન’ માટેની વ્યૂહરચના બનશે

રપમી માર્ચથી ૧૭ મે સુધીના ૩ તબકકાના લોકડાઉન બાદ ૪.૦ લોકડાઉનનો અમલ શરુ થશે અને તે તદ્દન અલગ અને નવા નીતિ નિયમો ધરાવતો હશે વડાપ્રધાને જણાવ્યું હતું કે મને વિશ્ર્વાસ છે કે આપણે કોરોનોના જંગ જીતવા નવા નિતી નિયમોમાં સાથેના લોકડાઉનને અનુસરીશું વિવિધ રાજયોના મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવેલા સુજાવો આધારીત નવા નિયમો ધરાવતા લોકડાઉન અંગે ૧૮મી મે પહેલા જાહેરાત કરવામાં આવશે. કોરોના વિરોધી ગતિવિધિઓના ભાગરુપે ચાલી રહેલા લોકડાઉનનો આ સમયગાળો સમાપ્તીના આરે હોવાના નિર્દેશો આપી લોકડાઉનમાં તબકકાવાર છુટછાટ સાથે આર્થિક અને જનજીવન સામાન્ય કરવા માટે લોકડાઉનમાંથી ધીરે ધીરે દેશના સમાજ જીવનને બહાર કાઢવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એવો સ્પષ્ટ નિર્દેશ આપ્યો હતો કે વાયરસથી સુરક્ષિત રહેવાના પ્રયાસો

હરગીજ ભારતને પાછું નહી પાડી શકે. નિષ્ણાઁતો અને વિજ્ઞાનિકો એ એવો સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે વાયરસ સાથે આપણો પનારો લાંબા ગાળા સુધી રહેવાનો છે તેમ છતાં આપણે તેની શરણે જવાનું નથી આપણે માસ્ક પહેરશું અને બેવારનું અંતર જાળવવાના નિયમો પાડીશું પરંતુ આપણે આપણું લક્ષ્ય હરગીજ છોડવાના નથી.

નાના અને મધ્યમ ઉદ્યોગોને ત્રણ લાખ

કરોડની લોન માટે સરકાર ગેરેન્ટર બનશે

નાના અને મધ્યમ ઉદ્યોગોની લોન માટે સરકાર ગેરેન્ટર બનવા જઈ રહી છે. જેના પરિણામે નાના અને મધ્યમ ઉદ્યોગોને ૩ લાખ કરોડ સુધીની લોન મળશે. સેકટરને ૨૦ ટકા સુધીના બેંક એકસ્પોઝલનો લાભ મળશે. આ ઉપરાંત સાવ નાના ધંધાર્થીઓને પણ મુદ્રા યોજના થકી સરકાર નાણાકીય ભંડોળ પૂરું પાડશે. નાણા મંત્રાલય દ્વારા નાના અને મધ્યમ ઉદ્યોગો માટે કેપીટલ લીમીટમાં રાહત આપવાનો નિર્ણય લેવાયો છે. વર્તમાન સમયે ૬ કરોડથી વધુ એકસ્પોઝર નાના ઉદ્યોગોને અપાય છે. અત્યારે એમએસએમઈ સેકટર રૂા.૧૫ લાખ કરોડથી વધુનું એસ્ટીમેટ ધરાવે છે. આવા સંજોગોમાં રૂા.૩ લાખ કરોડની લોન માટે સરકાર ગેરેન્ટર બની એકસ્પોઝર  મળશે. નાના ઉદ્યોગોને ૨૦ ટકા લોન ફાળવવામાં મદદરૂપ થશે. આ ઉપરાંત મુદ્રામાં પણ લોનની રકમ વધારવામાં આવશે. સરકારે અગાઉ નાના અને મધ્યમ ઉદ્યોગોની વ્યાખ્યામાં બદલાવ કર્યો હતો. ૨૫૦ કરોડથી ઓછુ ટર્નઓવર હોય તેવા ઉદ્યોગોને મધ્યમ ઉદ્યોગ ગણવાની દરખાસ્ત કરાઈ હતી. અગાઉ કરેલી દરખાસ્તના અનુસંધાને સરકારની નવી યોજનાઓ બંધ બેસી જશે. એકંદરે સરકારની યોજનાઓનો લાભ વધુને વધુ નાના અને મધ્યમ ઉદ્યોગો લઈ શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.