Abtak Media Google News

૧૨ છગ્ગા અને ૧૩ ચોક્કાની મદદથી ટીમ ઈન્ડિયાના સુકાની રોહિત શર્માએ શ્રીલંકા સામે મોહાલી વનડેમાં અણનમ ૨૦૮ રન ફટકારી વન-ડે ક્રિકેટમાં ઈતિહાસ રચી દીધો

શ્રીલંકા સામે રોહિતની બીજી બેવડી સદી: બીજી વન-ડેમાં ભારતે ૩૯૨/૪નો તોતીંગ જુમલો ખડકયો

ટીમ ઈન્ડિયાના કાર્યકારી સુકાની રોહિત શર્માએ આજે વન-ડે ક્રિકેટમાં એક નવો જ કિર્તીમાન સ્થાપિત કરી દીધો છે. રોહિતે આજે પોતાની વન-ડે કારકિર્દીની ત્રીજી બેવડી સદી ફટકારી ક્રિકેટ વિશ્ર્વમાં પોતાનું નામ સુવર્ણ અક્ષરે અંકિત કરી દીધું છે. લંકા સામે રોહિતે સતત બીજી બેવડી સદી ફટકારી હતી. વન-ડે ક્રિકેટમાં ત્રણ-ત્રણ બેવડી સદી ફટકારનાર રોહિત શર્મા વિશ્ર્વનો પ્રથમ અને એકમાત્ર બેટસમેન છે. વન-ડેમાં બે બેવડી સદી ફટકારવાનો પોતાનો જ રેકોર્ડ આજે રોહિતે તોડયો હતો.

આ પૂર્વે રોહિત શર્માએ વર્ષ ૨૦૧૪માં શ્રીલંકા સામે જ ૧૭૩ બોલમાં ૨૬૪ રન ફટકાર્યા હતા. વન-ડે ક્રિકેટમાં આ વ્યકિતગત હાઈએસ્ટ સ્કોર છે. ૨૦૧૩માં રોહિતે ઓસ્ટ્રેલિયા સામે પોતાની વન-ડે કારકિર્દીની પ્રથમ બેવડી સદી ફટકારતા ૨૦૯ રન કર્યા હતા.

આજે મોહાલી વન-ડેમાં રોહિત શર્માએ ૧૧૫ બોલમાં પોતાની સદી પૂર્ણ કરી ત્યારે ક્રિકેટ પંડિતો કે ક્રિકેટ રસિકોએ સ્વપ્નમાં પણ એવી કલ્પના કરી નહીં હોય કે રોહિત આજે પોતાની કારકિર્દીની ત્રીજી બેવડી સદી ફટકારશે. સદી ફટકાર્યા બાદ બેવડી સદી સુધીનું અંતર રોહિત માત્ર ૩૮ બોલમાં જ પૂર્ણ કર્યું હતું. સદી ફટકારી રોહિતે મોહાલી ગ્રાઉન્ડમાં રીતસર રનનું રમખાણ સર્જી દીધું હતું અને ચોકકા અને છગ્ગાની આતશબાજી કરી હતી.

૧૩ બાઉન્ટ્રી અને ૧૨ સિકસરની મદદથી રોહિત શર્માએ માત્ર ૧૫૩ બોલમાં અનણમ ૨૦૮ રન ફટકાર્યા હતા. વન-ડેમાં ત્રીજી બેવડી સદી ફટકારનાર રોહિત શર્મા પર વિશ્ર્વભરમાંથી શુભેચ્છા વર્ષા થઈ રહી છે. બીજા વન-ડેમાં ભારતે નિર્ધારત ૫૦ ઓવરના અંતે ૪ વિકેટના ભોગે ૩૯૨ રનનો તોતીંગ જુમલો ખડકી દીધો છે.

ધરમશાલા ખાતે રમાયેલી પ્રથમ વન-ડેમાં કારમો પરાજય વેઠયા બાદ ટીમ ઈન્ડિયાએ આજે મોહાલીમાં સુકાની રોહિત શર્માની આતશી ઈનિંગના સથવારે શ્રીલંકાની ટીમને રિતસર કચડી નાખ્યું હતું. રોહિત શર્મા ઉપરાંત શિખર ધવન અને શ્રેયાંસ ઐયરના બેટે પણ આજે સિંહ ગર્જના કરી હતી.

પંજાબ ક્રિકેટ એસોસીએશનના મોહાલી સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલા બીજા વન-ડેમાં શ્રીલંકાના સુકાની દિશેરા પરેરાએ પ્રથમ ટોસ જીતી ભારતની બેટીંગ કરવા માટે આમંત્રિત કર્યું હતું. ધર્મશાલા ખાતે પ્રથમ વન-ડેમાં વિશ્ર્વની સૌથી મજબુત બેટીંગ લાઈન મનાતી ભારતીય ટીમ પતાની માફક ઢળી પડી હતી અને માત્ર ૧૧૨ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. પ્રથમ વન-ડેમાં ખરાબ પ્રદર્શન બાદ ટીમ ઈન્ડિયા પર ટીકાકારો તુટી પડયા હતા. જેની બોલતી બંધ કરી દેતું પ્રદર્શન આજે રોહિતના રનવીરોએ કર્યું હતું.

પ્રથમ વિકેટ માટે સુકાની રોહિત શર્મા અને ઓપનર શિખર ધવન વચ્ચે માત્ર ૨૧.૧ ઓવરમાં ૧૧૫ રનની પાર્ટનરશીપ નોંધાઈ હતી. શિખર ધવન ૬૭ બોલમાં ૬૮ રન બનાવી આઉટ થયો હતો ત્યારબાદ રોહિત સાથે દાવમાં જોડાયેલા શ્રેયાંસ ઐયરે પણ લંકાના બોલરોની બરોબર ખબર લઈ નાખી હતી. આ દરમિયાન તેને પોતાની કારકિર્દીની અડધીસદી ફટકારી હતી તો સામાછેડે રોહિત શર્માએ પણ આક્રમક સદી ફટકારી હતી.

સદી પૂર્ણ કર્યા બાદ રોહિત વધુ આક્રમક બની લંકાના બોલર પર ત્રાટકયો હતો. તેને લકમલની એક જ ઓવરમાં ૪ સીકસર ફટકારી હતી. જયારે પ્રદિપની ઓવરમાં ૨ ગગનચુંબી છગ્ગા ફટકાર્યા હતા. આ દરમિયાન શ્રેયાંસ ઐયર ૭૦ બોલમાં ૯ ચોગ્ગા અને ૨ છગ્ગાની મદદથી ૮૮ રન બનાવી પરેરાની ઓવરમાં ડીસીલવાના હાથે ઝીલાઈ ગયો હતો.

બીજી વિકેટ માટે રોહિત શર્મા અને શ્રેયાંસ ઐયર વચ્ચે ૨૧૩ રનની વિક્રમી પાટર્નરશીપ નોંધાઈ હતી. અંતિમ ઓવરોમાં ક્રિકેટ પ્રેમીઓને જાણે હાઈલાઈટસ જોતા હોય તેવો અભૂતપૂર્વ નજારો જોવા મળ્યો હતો. મેચની અંતિમ ઓવરમાં રોહિત શર્માએ પોતાની વન-ડે કારકિર્દીની ત્રીજી બેવડી સદી ફટકારતા સ્ટેડિયમ પર ઉપસ્થિત હજારો પ્રેક્ષકોએ સ્ટેન્ડીંગ ઓવેસન આપ્યું હતું તો ગ્રાઉન્ડમાં હાજર તેની પત્ની રીતીકા શર્માની આંખમાંથી હર્ષના આંસુ નિકળી પડયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.