Abtak Media Google News

ટેકસની આવકમાં તોતીંગ ગાબડુ: લક્ષ્યાંક હાંસલ કરવો મહામુસીબત: બાકીદારો સામે હવે આકરી કાર્યવાહી

ચાલુ નાણાકીય વર્ષમાં ટેકસ બ્રાંચને રૂા.૨૬૦ કરોડનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે. નાણાકીય વર્ષ પુરુ થવાનાં આડે હવે ૪ મહિના જ બાકી રહ્યા છે ત્યારે ટેકસની આવકનો આંક ૧૪૦ કરોડે આંબ્યો છે. આવકમાં પડેલા તોતીંગ ગાબડાનાં કારણે ટાર્ગેટ સુધી પહોંચવું મહામુસીબત સમાન બની રહ્યું છે ત્યારે શહેરમાં ૭૦૦૦થી વધુ બાકીદારો એવા છે કે જેની પાસે વેરા પેટે ૧ લાખ કે તેથી વધુની રકમ બાકી નિકળે છે. આવા રીઢા બાકીદારો પાસે હવે ટેકસ બ્રાંચનાં ઈન્સ્પેકટરો ઘેર જઈ રૂબરૂ ઉઘરાણી કરશે. બાકીદારો સામે હવે આકરી કાર્યવાહીનો તખ્તો તૈયાર કરવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કમિશનર દ્વારા વધારાનાં સ્ટાફની ફાળવણી કરવામાં આવતાની સાથે જ હાડ રીકવરીનો દૌર શરૂ કરવામાં આવ્યો છે.

ટેકસ બ્રાંચનાં સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ ચાલુ નાણાકીય વર્ષમાં આપવામાં આવેલા રૂા.૨૬૦ કરોડનાં લક્ષ્યાંકની સામે આજ સુધીમાં માત્ર ૧૪૦ કરોડની આવક થવા પામી છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે આવકમાં ૧૧ કરોડનો ઘટાડો નોંધાયો છે. ટેકસનો ટાર્ગેટ પુરો કરવા માટે હવે દૈનિક એક કરોડની આવક થાય તો જ લક્ષ્યાંક સિદ્ધ થાય તેમ છે. તમામ કરદાતાઓને વેરા બીલ મોકલી આપવામાં આવ્યા છે. દરમિયાન શહેરનાં તમામ ૧૮ વોર્ડમાં ૭૦૦૦ કે તેથી વધુ મિલકતધારકો એવા છે કે જેની પાસે ૧ લાખ કે તેથી વધુ રકમ વેરા પેટે બાકી નિકળે છે. વર્ષોથી અટવાયેલી આ રકમ છુટી થાય તે માટે હવે તમામ વોર્ડમાં ટેકસ ઈન્સ્પેકટરોને રૂબરૂ લાખેણા બાકીદારોનાં ઘેર ઉઘરાણી કરવા માટે મોકલવામાં આવશે જો તેમ છતાં બાકીદારો વેરો ભરવાની તસ્દી નહીં લે તો આગામી દિવસોમાં મિલકત સીલ કરવાની કે જાહેર હરાજી કરવા સુધીનાં આકરા પગલા લેવામાં આવશે.

ટેકસનો ટાર્ગેટ પુરો કરવા માટે ટેકસ બ્રાંચ દ્વારા મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ સમક્ષ વધારાનો સ્ટાફ ફાળવવાની માંગણી કરી છે જોકે હજી સુધી સ્ટાફ ફાળવણી માટે કોઈ નિર્ણય લેવામાં આવ્યો ન હોવાનું જાણવા મળી રહ્યું છે. સ્ટાફની ફાળવણી કરવામાં આવતાની સાથે જ ડિસેમ્બરથી હાર્ડ રીકવરીનો દૌર શરૂ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ૨૦૧૭-૧૮થી મિલકત વેરાની આકારણીમાં કાર્પેટ એરીયા આધારીત પઘ્ધતિની અમલવારી કર્યા બાદ કરદાતાઓની સંખ્યામાં ચોકકસ વધારો થયો છે પરંતુ શહેરમાં ૮૦ ટકાથી વધુ મિલકતોનાં વેરામાં ઘટાડો નોંધાયો હોવાનાં કારણે ટેકસની આવકમાં ગાબડુ પડયું છે. ગત વર્ષે પણ મહામુસીબતે લક્ષ્યાંક સુધી પહોંચી શકાયું હતું. આ વર્ષે કોઈ કાળે ટેકસનો ટાર્ગેટ પૂર્ણ થાય તેવી સંભાવના હાલનાં સંજોગોમાં જણાતી નથી. આઠ મહિના સુધી હાથ પર હાથ ધરીને બેસી રહેલી ટેકસ બ્રાંચ હવે અંતિમ મહિનાઓમાં ટાર્ગેટ પુરો કરવા માટે ધોકા પછાડવાનું શરૂ કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.