મહેસુલી કર્મીઓની હડતાલ શરૂ : કલેકટર કચેરીની બહાર ધરણા સાથે સૂત્રોચ્ચાર

રાજ્યભરના ૧૦ હજારથી વધુ મહેસુલી કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાલથી રેવન્યુ કામગીરી ઠપ્પ

મહેસુલી કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાલનો આજથી પ્રારંભ થયો છે. રાજ્યભરના ૧૦ હજાર જેટલા કર્મચારીઓએ જે તે જિલ્લાની કલેક્ટર કચેરીઓમાં ધરણા અને સૂત્રોચ્ચારના કાર્યક્રમો આપ્યા છે. આ હડતાલના કારણે રાજ્યભરની રેવન્યુ કામગીરી ઠપ્પ થઈ જવાની છે. ઉપરાંત અરજદારોને પણ ધક્કા થવાના છે.

રાજ્યભરના મહેસુલી કર્મચારીઓ પોતાના ૧૭ જેટલા પડતર પ્રશ્ર્નોને લઈને સરકાર સમક્ષ પોતાની રજૂઆત કરી ચૂકયા હતા. તેમ છતાં સરકાર તરફી નિરાકરણ ન આવતા અગાઉ લડતનું એલાન આપવામાં આવ્યું હતું. પરંતુ આ લડત મોકુફ રાખી દેવામાં આવી હતી. ત્યારબાદ મહેસુલી કર્મચારી મહામંડળે ગત તા.૨૬ નવેમ્બરના રોજ રાતો-રાત વર્ક ટુ રૂલ આંદોલનની જાહેરાત કરી હતી. ત્યારબાદ તાકીદે મહામંડળે બેઠક બોલાવી આંદોલનાત્મક કાર્યક્રમની જાહેરાત કરી હતી. આજથી મહેસુલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છે. આ હડતાલમાં રાજકોટ જિલ્લાના ૩૬૦ સહિત સમગ્ર રાજ્યના ૧૦ હજાર જેટલા  મહેસુલી કર્મચારી જોડાયા છે. આજથી હડતાલનો પ્રારંભ થયો છે.  સવારે જિલ્લા કલેકટર કચેરીના પટોંગણમાં સુત્રોચ્ચાર અને ધરણાનો કાર્યક્રમ પણ મહેસૂલીકર્મીઓ દ્વારા આપવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે ગઈકાલે જીપીએસસીની પરિક્ષા યોજાઈ હતી. જેમાં મહેસુલી કર્મચારીઓ સોપાયેલી ફરજથી અળગા રહ્યા હતા. જ્યારે રાજકોટમાં આગામી ૨૬મી જાન્યુઆરીએ રાજયકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી થવાની છે. ત્યારે રાજયકક્ષાના કાર્યક્રમનું યજમાન રાજકોટ બન્યું હોવાથી આ કામગીરી હોંશભેર નિભાવવાનો રાજકોટ જિલ્લા મહેસુલી કર્મચારી મંડળે નિર્ણય લીધો છે. જો કે મહેસુલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતર્યા હોવાથી તમામ રેવન્યુ કામગીરીને ભારે અસર પહોંચવાની છે. જ્યારે બીજી બાજુ સરકાર દ્વારા પણ આ અચોક્કસ મુદતની હડતાલનો સુખદ અંત લાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવનાર હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ મહેસુલી કર્મચારીઓ દ્વારા પડતર પ્રશ્નોને લઈને આંદોલન શરૂ કરવામાં આવ્યું ન હતું. તે સમયે સરકાર દ્વારા પ્રશ્નો ઉકેલવાનું જણાવવામાં આવ્યું હતું. માટે મહામંડળે આંદોલન મોકૂફ રાખી દીધું હતું. પરંતુ ત્યારબાદ ઘણો સમય વીત્યો હોવા છતાં પણ સરકારે પડતર પ્રશ્નોનું નિરાકરણ ન લાવ્યું હોવાથી મહેસુલી કર્મચારીઓએ સરકાર સામે બાયો ચઢાવી છે. તાજેતરમાં વિજકર્મીઓએ પણ આંદોલન શરૂ કર્યું હતું. આ આંદોલન સફળ રહ્યું હતું. વીજ કર્મચારીઓની માંગણી સરકારે સંતોષી આપી હતી. જ્યારે હવે મહેસુલી કર્મચારીઓએ પણ પોતાની માંગણી સંતોષવા માટે આંદોલનના શ્રી ગણેશ કર્યા છે. હાલ વિવિધ કર્મચારીઓના સંગઠનો પણ પોતાના પડતર પ્રશ્નોને લઈને સરકાર સામે લડત આપવાની તજવીજ ચલાવી રહ્યા છે. આ આંદોલનોના કારણે સામાન્ય લોકોના કામોને ભારે અસર પહોંચવાની છે. માટે સરકાર અને કર્મચારીઓના સંગઠનો તાત્કાલિક સમાધાનકારી નીતિ અપનાવીને આંદોલનના સુખદ અંત લાવે તેવી સામાન્ય લોકો આશા સેવી રહ્યા છે.

Loading...