Abtak Media Google News

બેરોજગારોની કલેકટર મારફત સરકારને રજૂઆત: આવેદન આપ્યું

સરકારના વિવિધ વિભાગમાં અટકી પડેલા ભરતી પ્રક્રિયા પુન: શરુ કરી રાજયના લાખો બેરોજગારોને ન્યાય આપવા માંગણી કરવામાં આવી છે.

બેરોજગાર યુવાનોએ કલેકટરને આવેદન આપી સરકારને રજુઆત કરી જણાવાયું છે કે ઘણાં લાંબા સમયથી (લગભગ ૩ થી ૪ વર્ષથી) ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયેલ સરકારી સ્પર્ધાત્મક પરીક્ષા કોઇને કોઇ કારણોસર અટકાવી દેવામાં આવી છે. અમુક ભરતી એવી છે. કે જેમાં ઘણા મહિનાઓથી (અમુક તો વર્ષોથી) તમામ ભરતી પ્રક્રિયા પૂર્ણ થઇ ચૂકી છે. ફકત નિમાણુંક આપવાની જ બાકી છે તો પણ સરકાર દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી.

ગુજરાતમાં અંદાજીત ૪૦૦૦૦ જેટલી જગ્યાઓ માટેની પ્રક્રિયા અલગ અલગ તબકકે અટકાવી દીધી છે અને જેના કારણે ગુજરાતનું અંદાજે ૧પ થી ૧૭ લાખ જેટલું યુવા ધન બેરોજગારીના ઓછાયા હેઠળ જીવી રહ્યું છે. શિક્ષિત બેરોજગાર યુવાનનું ભાવિ અત્યારે અઘ્ધરતાલ થઇ ગયું છે. છેલ્લા ર-૩ વર્ષથી બેરોજગાર બેઠા છે.

જે ભરતીમાં માત્ર નિમણુંક આપવાની બાકી છે તે આપી દેવામાં આવે. ભરતીની પ્રાથમીક- મુખ્ય પરીક્ષા કે કોમ્પ્યુટર કે ઇન્ટરવ્યું થઇ ગયાં છે. તેના પરિણામ જાહેર કરવા અને ભરતીની જાહેરાત થઇ ગઇ છે પરંતુ તેની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં નથી આવી તો તેની સત્વરે તારીખ જાહેર કરવામાં આવે તેવી માંગણી કરાઇ છે.

સરકાર દ્વારા જે ૧-૮-૧૮ ના જી.આર. નું કારણ આપીને ભરતી અટકાવવી છે તો આ વિવાદિત જી.આર.નું બંધારણીય રીતે નિરાકરણ લાવવામાં આવે, સરકારની ઢીલાસના કારણે છેલ્લા ઘણા વર્ષોથી ૪-૫ અટવાયેલ ભરતીઓમાં કેટલાક ઉમેદવારોની વય મર્યાદા પુર્ણ થઇ ગઇ છે. જેના માટે સરકાર હકરાત્મક પગલા ભરી એમને છુટછાટ આપવામાં આવે તેવી માંગણી છે.

રજુઆતને ઝડપથી ન્યાય આપવામાં નહીં આવે કે ગંભીરતા પૂર્વક લવેવામાં નહીં આવે તો ના છુટકે શિક્ષિત બેરોજગાર ગાંધીનગર ખાતે ગાંધી ચિંઘ્યા માર્ગે એકઠા થઇને ન્યાય મેળવવાનો રસ્તો અપનાવશે તેમ જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.