Abtak Media Google News

દેશમાં કોરોના વાયરસના સંક્રમણને રોકવા સરકારના પગલા કેટલા અંશે કારગર નિવડશે?

વિશ્ર્વભરમાં કોરોના વાયરસના સંક્રમણ અને તેનાથી થતાં મોતના કિસ્સામાં સતત વધારો થઈ રહ્યો છે. ભારત સરકાર વિશ્ર્વમાં ફેલાયેલા ભારતીયોને પરત લાવવાનો પ્રયાસ કરે છે. ત્યારે યુએઈ, કુવૈત, કતાર અને ઓમાન સહિતના ગલ્ફ દેશોમાં રહેલા ૨૬  હજાર જેટલા ભારતીયોને આજથી શિફટ કરવાનું શરૂ થશે. આગામી તા.૩૧ સુધીમાં ૨૬ હજાર લોકોને પરત લવાશે. આ ૨૬ હજાર ભારતીયોનું ચેકિંગ થશે અને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે કે નહીં તેની તપાસ કરવામાં આવશે.

ગલ્ફમાંથી આવનારા ૨૬ હજાર ભારતીયોની આરોગ્ય તપાસ માટે ખાસ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. આ ભારતીયોને ભારત લાવવા માટે મુંબઈથી દરરોજ ૨૩ ફલાઈટ ઉડાવવામાં આવશે. યુએઈ, કુવૈત, કતાર અને ઓમાનથી આવનાર દરેક વ્યક્તિને ફરજિયાત ૧૪ દિવસ માટે અલાયદી જગ્યાએ રાખવામાં આવશે. આ સમયગાળા દરમિયાન કોરોના વાયરસના સંક્રમણ અંગેના લક્ષણો જોવા મળશે તો તેનો ઈલાજ થશે.

નોંધનીય છે કે, ભારતમાં ૧૭૦થી વધુ કોરોના વાયરસના પોઝીટીવ કેસો હોવાનું ચર્ચાઈ છે. અત્યાર સુધીમાં ૩ જેટલા મોત કોરોનાના કારણે થઈ ચૂકયા છે. આ મહિનાના અંત સુધીમાં ગલ્ફમાંથી મોટાભાગના ભારતીયોને પરત લઈ આવવામાં આવશે તેવું સત્તાવાર સુત્રો પાસેથી જાણવા મળે છે. પરત આવનાર લોકોમાંથી જે લોકો કોરોના વાયરસ નેગેટીવ આવશે તેમના નિવાસ સ્થાને મુંબઈમાં મોકલી દેવાશે. છતાં પણ તેમને ૧૪ દિવસ માટે આઈસોલેશનમાં રાખવામાં આવશે. આ લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરી શકશે નહીં. આ ઉપરાંત જેઓ શંકાસ્પદ જણાશે તેઓને સ્થળ પર તુરંત તપાસ થશે. લોકોને ઘર સુધી મોકલવા માટે પબ્લિક ટ્રાન્સપોર્ટની જગ્યાએ ખાનગી વાહનોનો ઉપયોગ કરવાનો રહેશે.

નોંધનીય છે કે, કોરોના વાયરસના કારણે હજ્જારો લોકોના મોત નિપજી ચુકયા છે. આવા સંજોગોમાં ભારતમાં કોરોના વાયરસના કેસ વધે નહીં તે માટેના પગલા સરકારે લેવાનું શરૂ કરી દીધુ છે. વિદેશથી આવનાર દરેક ભારતીયોની તપાસ થઈ રહી છે. કોરોના વાયરસનો ચેપ લાગે નહીં તે માટે જાહેર સ્થળોએ લોકોના ટોળા એકઠા ન થવાની અપીલ કરવામાં આવી છે.

અમેરિકન કોંગ્રેસનાં બે સભ્યોને કોરોનાનો ચેપ લાગ્યો

અમેરિકન કોંગ્રેસના સભ્યો મેરેયોરિયાઝ, ફલોરિડા અને ફુતાહને કોરોનાનો ચેપ અને રિપોર્ટ પોઝીટીવ આવ્યો હોવાની સતાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે. ચીનના વુઆનમાંથી શરૂ થયેલી મહામારી સમગ્ર વિશ્ર્વમાં હાહાકાર મચાવી રહી છે ત્યારે વુઆનમાં નવા કેસોની નોંધણી અટકી હોવાના સારા સમાચાર મળ્યા છે. ચીનમાં ૮૦,૯૨૮ કેસો નોંધાયા છે. ગુરુવારે ચીનનો મૃત્યુઆંક ૩૨૪૫એ પહોંચ્યો હતો પરંતુ વુઆનમાં નવા કેસ નોંધણી અટકી છે. ભારતીય દુતાવાસે અમેરિકાને ભારતીય વિદ્યાર્થીઓ સાથે સંપર્કની અપીલ કરી છે. અમેરિકામાં ૨૦,૦૦૦થી વધુ ભારતીય વિદ્યાર્થીઓ રહેલા છે. ચીન પછી અમેરિકામાં વસતા વિદ્યાર્થીઓમાં ભારતીયોની સંખ્યા વધુ છે. અમેરિકાની ૩૦૦ યુનિવર્સિટીમાં ભારતીય વિદ્યાર્થીઓ ભણે છે. ઓસ્ટ્રેલિયાની સૌથી મોટી વાયુ સેવાના ૨૦,૯૦૦થી વધુ કર્મચારીઓએ આંતરરાષ્ટ્રીય ઉઠાન કરવાનું બંધ કરી દીધું છે. ન્યુઝીલેન્ડ સરકારે પણ પોતાના નાગરીકોને પ્રવાસ ન ખેડવાની ભલામણ કરી છે.

4. Thursday 2 3

ચીન અને કોરીયા પાસેથી ભારતે શું શિખવા જેવું?

ભારતમાં કોરોના વાયરસના સંક્રમણનો આંકડો ત્રણ ડીજીટમાં થઈ ચૂકયો છે. કોરોના વાયરસ મુદ્દે ઈટાલી અને ઈરાન દ્વારા લેવાયેલા પગલા કારગત નિવડયા નથી પરંતુ ચીન અને સાઉથ કોરીયાએ વાયરસને રોકવા માટે જે રીતે તૈયારીઓ કરી હતી તે આખા વિશ્ર્વનું ધ્યાન ખેંચી રહી છે. સાઉથ કોરીયામાં વાયરસના ટેસ્ટીંગ માટે ગોઠવાયેલી મશીનરીએ અગત્યનો ભાગ ભજવ્યો હતો. જો કે ભારતમાં હજુ સુધી આવી કોઈ વ્યવસ્થા થઈ નથી. સરકારે જનજાગૃતિના પગલા લીધા છે તેનાથી અત્યાર સુધીમાં વાયરસના સંક્રમણના કેસ કાબુમાં રાખી શકાયા છે. જો કે, આજ નહીં તો કાલે કોરોનાનું સંક્રમણ વકરશે તો ભારતની મેડિકલ વ્યવસ્થાની ખુબજ કપરી સમસ્યા થશે તેવું નિષ્ણાંતોનું માનવું છે. ઈટાલી, અમેરિકા અને ચીનમાં દર હજાર લોકોએ હોસ્પિટલના ૫ બેડ સુધીનો રેશિયો છે. જો કે, ભારતમાં આ રેશિયો ખુબજ નીચો છે. પરિણામે ભારતની મુશ્કેલી વધી શકે છે. સાઉથ કોરીયાએ માસ ટેસ્ટીંગથી કોરોના વાયરસગ્રસ્ત અનેક લોકોને શોધી કાઢયા હતા. ભારતમાં આ વાત લગભગ અશકય સમાન છે. ચીન અને કોરીયા દ્વારા લોકડાઉન સહિતના લેવાયેલા પગલાથી ભારતને ઘણુ શીખવા મળશે.

કોરોના વાયરસ મુદ્દે મોદી રાત્રે દેશને સંબોધશે

સમગ્ર વિશ્ર્વમાં કોરોના વાયરસને લઈ અફરા-તફરીનો માહોલ જોવા મળી રહ્યો છે. ભારતમાં વાયરસને રોકવા સરકારે જનજાગૃતિ  લાવવાના પગલા લીધા છે. દેશમાં કટોકટી જેવી સ્થિતિ વચ્ચે વડાપ્રધાન મોદી આજે રાત્રે ૮ કલાકે દેશને સંબોધવા જઈ રહ્યાં છે. તેઓ આજે પ્રજાજોગ સંબોધનમાં લોકોને કોરોના વાયરસથી કઈ રીતે બચી શકાય તે અંગેના સુચનો આપશે તેવું જાણવા મળી રહ્યું છે. નોંધનીય છે કે, દેશમાં વાયરસનો ફેલાવો રોકવા માટે વડાપ્રધાન કાર્યાલય દિવસ રાત મહેનત કરી રહ્યું છે. વડાપ્રધાન કાર્યાલય દ્વારા થઈ રહેલા કાર્યની નોંધ ડબલ્યુએચઓ દ્વારા પણ લેવામાં આવી છે. ડબલ્યુએચઓના વડા દ્વારા ભારતમાં પીએમ કાર્યાલયે લીધેલા પગલાના કારણે ઓછા સંક્રમણના કેસની સરાહના પણ થઈ ચૂકી છે.

કોરોના ૨.૫ કરોડ નોકરીયાતોને ‘કોરા’ કરી દેશે!!!

કોરોના વાયરસના કારણે ઉદ્યોગ-ધંધા ઉપર માઠી અસર પહોંચી છે. વાયરસના કારણે હવે ૨.૫ કરોડ નોકરીયાતો રોજગારી ગુમાવશે તેવું ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશનનું માનવું છે. અત્યાર સુધીમાં ૮૦૦૦ લોકોની નોકરી કોરોના વાયરસના લીધે જતી રહી છે. ત્યારે કોરોના વાયરસના કારણે હજુ ૨.૫ કરોડ લોકોની નોકરી જશે તેવું જાણવા મળે છે. વર્તમાન સમયે હવે કોરોના માત્ર વિશ્ર્વના આરોગ્યનો જ ખતરો નહીં પરંતુ આર્થિક ખતરા તરીકે પણ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. અમેરિકા અને ભારત જેવા મોટા દેશો હાલ બેરોજગારીની મુશ્કેલી સામે લડી રહ્યાં છે. આવા સંજોગોમાં કોરોનાના કારણે વધુ ૨.૫ કરોડ લોકો નોકરી ગુમાવશે તેવા અભ્યાસના કારણે ચિંતામાં વધારો થયો છે. ૨૦૨૦ના અંત સુધીમાં સેલ્ફ એમ્પલોઈ લોકોની રોજગારી છીનવાશે તેવું માનવામાં આવે છે.

મોતની સંખ્યામાં ઈટાલી બીજુ ચીન બનવા તરફ

ચીનના વુહાનમાંથી ફાટી નીકળેલા કોરોના વાયરસના કારણે અત્યાર સુધીમાં હજારો લોકોના મોત નિપજી ચુકયા છે. ચીનની જેમ ઈટાલીમાં પણ કોરોના વાયરસનો ફેલાવો ગંભીર સ્વરૂપ ધારણ કરી ચૂકયો છે. આંકડા મુજબ ઈટાલીમાં સત્તાવાર મૃતાંક ૨૯૭૮ પહોંચ્યો છે. ચીનની બહાર થયેલા મોતની સરખામણીમાં આ મૃતાંક અડધો અડધ છે. એક રીતે ઈટાલીમાં મોતના કિસ્સામાં ખુબજ ઝડપથી વધતા વિશ્ર્વ આખુ ચિંતામાં મુકાયું છે. એક દિવસમાં ઈટાલીમાં ૪૭૫ લોકોના મોત થયા હતા. અત્યાર સુધીમાં ઈટાલીમાં ૩૫૭૧૩ લોકોનો કોરોના વાયરસનું સંક્રમણ લાગી ચૂકયું છે. ચીનમાં કોરોના વાયરસના કારણે ૩૦૦૦ જેટલા લોકોના મોત થયા હતા. હવે ઈટાલીનો આંકડો પણ ચીનની નજીક પહોંચી ગયો છે. જે રીતે ઈટાલીમાં મોતની સંખ્યા વધી રહી છે તે જોતા બે જ દિવસમાં ઈટાલીનો મૃતાંક ચીનથી વધી જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.