Abtak Media Google News

ઘર પાસેથી બાઇક હટાવવાના પ્રશ્ર્ને મહિલા સહિત પાંચ શખ્સોએ છરીના ઘા ઝીંકી દીધા

શહેરના નવલનગર વિસ્તારમાં ઘર પાસેથી બાઇક હટાવવાના પ્રશ્ર્ને બે ભરવાડ યુવાનો પર પાડોશમાં રહેતા બોરીચા પરિવારે છરીથી ખૂની હુમલો કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. બે ભાઇઓ પૈકી એકની હાલત ગંભીર ગણાવવામાં આવી રહી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ નવલનગર શેરી નંબર ૩-૧૮ના ખૂણે રહેતા લખમણ સુરેશભાઇ મેવાડા અને તેના ભાઇ મારૂતિ મેવાડા પર પાડોશમાં રહેતા નામચીન કાનો ઉર્ફે લાલો ડાયા બોરીચા, સંજય ડાયા બોરીચા, ડાયા બોરીચા,હંસાબેન ડાયા બોરીચા અને નાગજી વરૂ નામના શખ્સોએ છરીથી બંને ભાઇઓ પર ખૂની હુમલો કર્યાની માલવીયાનગર પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

લખમણભાઇ મેવાડાના ઘર પાસે નામચીન શખ્સ કાના બોરીચાએ પોતાનું બાઇક આડુ રાખ્યું હોવાથી કારમાં માલ સામાન ભરવા માટે બાઇક હટાવવાનું સમજાવતા કાના બોરીચાનો પરિવાર ઉશ્કેરાયો હતો અને છરીથી લખમણભાઇ મેવાડા અને મારૂતિ મેવાડા પર હુમલો કર્યો હતો. જેમાં મારૂતિ મેવાડાની હાલત ગંભીર ગણાવવામાં આવી રહી છે.

કાના બોરીચા સામે આ અગાઉ પણ મારામારીના ગુના નોંધાયા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. માલવીયાનગર પોલીસે કાના બોરીચા સહિત પાંચ સામે હત્યાની કોશિષનો ગુનો નોંધી પી.આઇ. એન.એન.ચુડાસમા સહિતના સ્ટાફે તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.