Abtak Media Google News

ટેલીકોમ્યુનિકેશન ક્ષેત્રે ક્રાંતિ સર્જનારા જિયો ગીગા ફાયબર દ્વારા ઈન્ટરનેટ, ટેલીફોન અને ટીવી ચેનલની સુવિધા માત્ર માસિક રૂા.૭૦૦માં અપાશે: રિલાયન્સની ૪૨મી વાર્ષિક સામાન્ય સભામાં મુકેશભાઈ અંબાણીની મહત્વપૂર્ણ જાહેરાત

દેશના ટેલીકોમ્યુનિકેશન ક્ષેત્રે ક્રાંતિ સર્જવાના ઘ્યેય સાથે રિલાયન્સ કંપનીની અતિ મહત્વકાંક્ષી યોજના જીયો ગીગા ફાયબરને પાંચમી નવેમ્બરે લોન્ચ કરવાની જાહેરાત કરવામાં આવી છે. સાતસો રૂા જેવી સામાન્ય કિંમતથી શરુ થનારી આ સ્કીમમાં ગ્રાહકોને ૧૦૦ એમબીપીએસની સ્પીડવાળુ ઇન્ટરનેટ, રાઉટર ટીવી સેટઅપ બોકસ, વિડીયો કોબીંગ અને સ્માર્ટ હોમ સોલ્યુશનની સુવિધા મળશે જેનાથી ગ્રાહકોની ફોન, ઇન્ટરનેટ અને કેબલ ટીવીની સુવિધા એક સ્કીમમાં મળશે. રિલાયન્સની આ યોજનાની આજે મળેલી કંપનીની ૪રમી વાર્ષિક સામાન્ય સભ્યમાં ચેરમેન મુકેશભાઇ અંબાણીએ જાહેરાત કરી હતી.

રિલાયન્સ ચેરમેન મુકેશ અંબાણીએ ૪૨મી વાર્ષિક સાધારણ સભાને સંબોધતા જણાવ્યું હતું કે ત્રણ વર્ષ પહેલા દેશમાં ડિજિટલ ક્ષેત્રે અંધારું હતું પરંતુ હવે જયારે ૫ સપ્ટેમ્બરે જિયોને ત્રણ વર્ષ પુરા થવા જઈ રહ્યાં છે ત્યારે દેશના ડિજિટલ ક્ષેત્રમાં પ્રકાશ પથરાયો છે. ૩૪ કરોડ યુઝર સાથે જીયો ભારતની નંબર વન અને વિશ્વની બીજા નંબરની ટેલિકોમ કંપની બની ગઇ છે. રિલાયન્સે દેશમાં સૌથી વધુ જીએસટી અને ટેક્સ ભર્યો હોવાનું જણાવીને અંબાણીએ ઉમેર્યું હતું કે, વડાપ્રધાન મોદીએ ૨૦૨૪ સુધી ૫ ટ્રિલિયન ડોલર ઈકોનોમિનું લક્ષ્ય રાખ્યું છે, જે પ્રાપ્ત કરી શકાશે. કેટલાક સેકટરમાં મંદી અસ્થાયી છે.

ઓઈલ અને કેમિકલ બિઝનેસ દ્વારા જીવન સ્તરમાં સુધારાની આશા સત્ય છે. પેટ્રોલિયમ રિટેલિંગ બિઝનેસમાં ભારત પેટ્રોલિયમ સાથે તેમની કંપનીએ જોઈન્ટ વેન્ચર કરવામાં આવ્યું છે. જ્યારે સાઉદી કંપની અરામકો રિલાયન્સમાં ૭૫ અબજ ડોલરનું રોકાણ કરનારી છે. આ રોકાણ રિલાયન્સના ઈતિહાસમાં સૌથી મોટું વિદેશી રોકાણ હોવાની સાથે દેશમાં પણ સૌથી મોટું વિદેશી રોકાણ હશે.

રિલાયન્સ રિટેલ દેશની સૌથી મોટી રિટેલર કંપનીથી ચાર ગણી મોટી છે. આશા છે કે ૨૦૩૦ સુધી ભારત ૧૦ ટ્રિલિયન ડોલરની ઈકોનોમિવાળો દેશ હશે. આ વર્ષે ૫ સપ્ટેમ્બરે જિયોને ૩ વર્ષ પુરા થવા જઈ રહ્યાં છે. કંપનીને શરૂ કરવાનું વિઝન ડિજિટલ લાઈફ કનેક્ટિવિટી હતી. જિયોએ ભારતને ડેટા શાઈનિંગ બ્રાઈટ બનાવ્યું તેમ જણાવીને અંબાણીએ ઉમેર્યું હતું કે, જિયો સાથે દર મહિને એક કરોડ ગ્રાહકો જોડાઈ રહ્યાં છે. તે દેશની સૌથી મોટી ટેલિકોમ ઓપરેટર છે, સો વિશ્વની સૌથી મોટી ઓપરેટર કંપની પણ છે.

જિયો રેવન્યુના ૪ નવા ગ્રોથ એન્જિન- ઈન્ટરનેટ ઓફ થિંગ્સ, હોમ બ્રોડબેન્ડ સર્વિસ, એન્ટરપ્રાઈઝિઝ સર્વિસ અને બ્રોડબેન્ડ ફોર સ્મોલ એન્ડ મીડિયમ બિઝનેસ પર ફોકસ કરશે. ઈન્ટરનેટ ઓફ થિંગ્સ પ્લેટફોર્મ ૧ જાન્યુઆરી ૨૦૨૦થી ઉપલબ્ધ થશે. જિયો ગીગા ફાઈબર નેટવર્કને અગામી ૧૨ મહિનામાં પુરું કરવાની આશા છે. જિયો ગીગા ફાઈબર ટ્રાયલ વાળા ગ્રાહકો દર મહિને ૧૦૦ જીબી ડેટાનો વપરાશ કરી રહ્યાં છે. ઈન્ફ્રાસ્ટ્રકચર અને ઓપ્ટિકલ ફાઈબરમાં જિયોએ અત્યાર સુધીમાં ૩.૫ લાખ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. આ તકે મુકેશભાઈ અંબાણીના પુત્ર આકાશ અંબાણીએ જણાવ્યું હતું કે ૧૦ કરોડ યુઝર્સ દર મહિને જિયો મારફતે વીડિયો કોલિંગ કરે છે. જિયો ગીગાફાઇબર દ્વારા ગ્રાહકો વીડિયો કોન્ફરન્સિંગ કરી શકે છે. જિયો ફાઇબર પ્લાન ૭૦૦ થી ૧૦ હજાર રૂપિયા પ્રતિ મહિનાની વચ્ચે ઉપલબ્ધ રહેશે. જિયો ગીગાફાઇબર પોતાના પ્રકારની પહેલી હોમ વીડિયો કોલિંગ સર્વિસ છે. કેબલ ટીવી માટે જિયો સેટ ટોપ બોક્સ લોન્ચ કરવામાં આવ્યું હતું. મુકેશના પુત્રી ઈશા અંબાણીએ દાવો કર્યો હતો કે, તેમાં ગેમિંગ અને ગ્રાફિક્સની ક્ષમતા દુનિયામાં સૌથી સારી હશે. જિયોમાં અત્યારે ૬ હજાર એન્જિનીયર કામ કરી રહ્યા છે. ૧૫ હજાર એન્જિનીયરોની ભરતી કરવામાં આવશે. આગલા ૧૨ મહિનામાં જિયો ભારતમાં દુનિયાની સૌથી મોટી બ્લોક ચેન નેટવર્ક ૧૦૦૦ નોડ્સ પર સ્થાપિત કરશે. તેનો ઉપયોગ પેમેન્ટ ગેટવે માટે થશે. માઇક્રોસોફ્ટ સાથે મળીને વર્લ્ડ ક્લાસ ડેટા સેન્ટર સ્થાપિત કરવામાં આવશે. સ્ટાર્ટઅપ માટે ક્લાઉડ સર્વિસનો ખર્ચો ફ્રી રહેશે. આ સર્વિસ ૧ જાન્યુઆરી ૨૦૨૦માં ઉપલબ્ધ થશે. તેમ જણાવીને અંબાણીએ ઉમેર્યું હતું કે,  માઇક્રો, સ્મોલ અને મિડીયમ બિઝનેસ કનેક્ટીવીટી, પ્રોડક્ટીવીટી અને ઓટોમેશનને લગતી સેવાઓ માટે અત્યારે ૧૫ થી ૨૦ હજાર રૂપિયા આપે છે. આ સેવાઓ માટે કંપનીનો પ્લાન ૧૫૦૦ રૂપિયા પ્રતિ મહિનાથી શરુ થશે. જિયો ફાઇબર ગ્રાહકોને હંમેશા માટે વાર્ષિક પ્લાન સાથે એચડી/ફોરકે એલઈડી ટીવી અને સેટટોપ બોક્સ ફ્રી મળશે. જિયો પોસ્ટપેડ સર્વિસની જાહેરાત કરતા અંબાણીએ જણાવ્યું હતું કે,  આ દેશનું પ્રથમ પ્રાયોરિટી સીમ સેટઅપ હશે. આંતરરાષ્ટ્રીય રોમિંગના દર ખૂબ ઓછા રહેશે. ફર્સ્ટ ડે ફર્સ્ટ શો મુવીઝની યોજના ૨૦૨૦માં લોન્ચ કરવામાં આવશે.

જિયો ગીગાફાઇબર અંતર્ગત દેશના નાના-મોટા ૧૧૦૦ શહેરોને જોડવામાં આવશે. જેમાં બ્રોડબેન્ડ સર્વિસ અંતર્ગત રાઉટર, ટીવી સેટટોપ બોક્સ અને સ્માર્ટ હોમ સોલ્યુશન્સની સુવિધા મળશે. બ્રોડબેન્ડ સર્વિસ ઇન્સ્ટોલ કરવામાં માત્ર એક કલાકનો સમય લાગશે. તેનાથી આખુ ઘર હાઇટેક અને સ્માર્ટ બની જશે. તેની મદદથી ગ્રાહક આખા ઘરને કંટ્રોલ કરી શકશે. જિયો ગીગા ટીવી દ્વારા ગ્રાહકો વીડિયો કોલીંગ પણ કરી શકશે. કંપનીના દાવા પ્રમાણે તેના પર દુનિયાનું સૌથી શ્રેષ્ઠ શૈક્ષણિક ક્ધટેન્ટ મળશે. બાળકો શિક્ષકો વિનાજ ભણી શકશે. તેની મદદથી ડોક્ટરો દૂર બેસીને દર્દીઓનો ઇલાજ કરી શકશે.

આ પહેલા વર્ષ ૨૦૧૮ મળેલી કંપનીની વાર્ષિક સાધારણ સભામાં ૨,૯૯૯ રૂપિયામાં જોયો ફોન-૨ જિયો મોનસૂન એક્સચેન્જ ઓફર-કોઈ પણ ફીચરના ફોનના બદલે ૫૦૧ રૂપિયામાં નવો જિયો ફોન ફિકસ્ડ લાઈન બ્રોડબેન્ડ સર્વિસ જિયો ગીગાફાઈબરની જાહેરાત કરવામાં આવી હતી. જ્યારે વર્ષ ૨૦૧૭માં  રિફન્ડેબલ રૂા.૧૫,૦૦માં જિયો ફોનની અને વર્ષ ૨૦૧૬ની કંપનીની વાર્ષિક સાધારણ સભામાં  ટેલિકોમ કંપની રિલાયન્સ જિયો શરૂ કરવાની જાહેરાત કરીને ૨,૯૯૯ રૂપિયામાં ૪જી ડિવાઈસ, સસ્તો ડેટા પ્લાન, ૪જી કનેક્શન, જિયો ટૂ જિયો ફ્રી વોઈસ કોલ આપવાની જાહેરાત કરાય હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.