સારંગપુર બીએપીએસ મહાવિદ્યાલયના છાત્રે રચ્યો કિર્તીમાન

64

ત્રણ વર્ષની ઉંમરે પિતાની છત્રછાયા ગુમાવી માતાની પ્રેરણાથી યુવાને બનાવી ઉજ્જવળ કારકિર્દી

પ્રત્યેક માનવ મહાન થવા એક ગૌરવવંતુ કાર્ય કરવાની ઝંખના રાખે છે. પરંતુ એમાંથી કંઈક વિરલાઓ જ પોતાના સ્વપ્નને મૂર્તિમાન કરી શકે છે. જેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે  વંદનભાઈ હર્ષદભાઈ રાણપુરવાલા. બોટાદ જિલ્લાના સારંગપુર ગામમાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્કૃત મહાવિદ્યાલયના સફળ યુવાન છાત્રે રાષ્ટ્રીય સ્તરે  યોજાતી આસી.પ્રોફેસરની (નેટ) પરીક્ષા સતત ત્રણ વખત પાસ કરીને એક અનોખો કીર્તિમાન સ્થાપિત કર્યો છે.

લોકો ગુજરાતના વિદ્યાર્થીઓ પર આક્ષેપ કરે છે કે,અહીંના વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં બહુ સફળ થતા નથી. સફળ વિદ્યાર્થીઓના આંકડાઓને જોતા આ વાત કેટલીક હદે સાચી પણ લાગે. જે રીતે અન્ય રાજ્યોના વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય સ્તરે સફળ નીવડે છે તેની સામે ગુજરાતના વિદ્યાર્થીઓની સંખ્યા અતિ અલ્પ હોય છે. પરંતુ વંદને ગુજરાતની આ છાપ બદલી નાંખી છે. સતત ત્રણ વખત આ પરીક્ષા ઉચ્ચ ગુણાંક સાથે પાસ કરીને તેણે ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. ઉલ્લેખનીય છે કે સમગ્ર ભારતમાંથી માત્ર ૫-૬ ટકા વિદ્યાર્થીઓ જ આ પરીક્ષામાં પ્રોફેસર પદ માટે કવોલીફાઈ થાય છે.

વંદનનો જન્મ ૨૫-૦૮-૧૯૯૭ના રોજ થયો, પરંતુ ૨૦૦૦ની સાલમાં જ પિતાનું અવસાન થયું. તેઓના માતા નીતાબહેનને વંદનના ઉજ્જવળ ભવિષ્યનો વિશ્વાસ હતો. આ પરિસ્થિતિમાં તેઓએ પોતાની માતાના સહારે શ્રેષ્ઠ અભ્યાસ કર્યો અને ૧૦મા તથા ૧૨મા ધોરણમાં ઉત્તમ પરિણામ પ્રાપ્ત કર્યું. આગળ માતાએ વિચાર્યું કે, મારો વંદન ભણે તો એવું ભણે જેથી દેશની, ધર્મની, અને સંસ્કૃતિની સેવા થઈ શકે. પોતાની અગવડને અવગણીને પણ તેઓએ વંદનને સારંગપુરમાં બી.એ.પી.એસ.સ્વામિનારાયણ મંદિર પરિસરમાં ચાલતી કોલેજમાં સંસ્કૃત ભણવા પ્રેર્યો. વંદને પોતાની અભ્યાસ યાત્રા વિષે કહ્યું, મારા બાળપણથી માંડી એમ.એ. સુધી અભ્યાસની જવાબદારી પ્રમુખ સ્વામી મહારાજે સંભાળી લીધી હતી. આ ઋણમાંથી હું  ક્યારેય છૂટી નહીં શકું. માતાએ મને સત્સંગ અને સંસ્કાર આપ્યાં,સારંગપુરના સંસ્કૃત મહાવિદ્યાલયમાં હું ચારિત્ર્ય ઘડતરના પાઠ શીખ્યો. નેટ પરીક્ષા પાસ કરી શક્યો તેનું સંપૂર્ણ શ્રેય આ મહાવિદ્યાલયને આપું છું. વંદનની સંસ્કૃત અધ્યયન યાત્રાનો શુભારંભ ઈ.સ.૨૦૧૪માં થયો. સોમનાથ યુનિવર્સિટીની પ્રત્યેક પરીક્ષામાં સર્વશ્રેષ્ઠ પરિણામની શ્રૃંખલા સર્જી અને બી.એ. તથાએમ.એ.નો અભ્યાસ પરિપૂર્ણ કર્યો.

આંખો પહોળી કરી દે એવી ઘટના તો ત્યારે બની, જ્યારે વંદનભાઈએ અભ્યાસની સાથે સાથે નીટની પરીક્ષામાં સતત ત્રણ વાર – ડિસેમ્બર ૨૦૧૮, જૂન ૨૦૧૯ તથા ડિસેમ્બર ૨૦૧૯માં ઉત્તીર્ણતા પ્રાપ્ત કરી. આ પરીક્ષા પાસ કરવી એ ખરેખર કઠિન હોય છે. જ્યારે તેઓએ સતત ત્રણ વાર આ પરીક્ષામાં સારા ગુણાંક પ્રાપ્ત કર્યા.વળી, સંસ્કૃત, ગુજરાતી, હિંદી અને અંગ્રેજી એમ ચાર ભાષામાં તેઓએ ૨૦ વર્ષે જ પ્રભુત્વ પ્રાપ્ત કર્યું. આ ઉપરાંત સમાચારપત્રમાં લેખ લખવા, વિદ્વાનોની કોન્ફરન્સમાં પ્રસ્તુતિ કરવી જેવી અનેક ઉપલબ્ધિઓ અલ્પ વયે પ્રાપ્ત કરી.

હાલ તેઓનું પી.એચ.ડી.નું કાર્ય એમ.એસ.યુનિવર્સિટીમાં ચાલી રહ્યું છે. ખરેખર, બી.એ.પી.એસ.ના યુવાનને છાજે એવું તેઓનું જીવન સૌને ગૌરવની અનુભૂતિ કરાવે છે, જે સૌ માટે અનુસરણીય છે.

Loading...