રેટીંગની ‘રામાયણે’ ન્યૂઝ ચેનલોની પ્રતિષ્ઠા તળીયે

ન્યૂઝ ચેનલો વચ્ચે દર્શકોને ઝકડી રાખવાની ખેંચતાણમાં સમાચારોનું સત્વ ક્યાંક વિસરાઈ ગયું

વિશ્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારતમાં અખબાર અને સમાચાર માધ્યમોને ચોથી જાગીરનું બિરુદ આપવામાં આવ્યું છે. માધ્યમોની નિષ્ઠા અને નિષ્પક્ષ કાર્યશૈલીથી લોકતંત્ર સુદ્રઢ બને છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી માધ્યમો અને ખાસ કરીને ટીવી ચેનલો વચ્ચે ટીઆરપી વધારવા માટેની ઉભી થયેલી સ્પર્ધામાં ક્યાંકને ક્યાંક અવેધ રસ્તો અપનાવીને ખોટી રીતે ટીઆરપીના આંકડાઓ મેળવીને જાહેર ખબરના દર અને વ્યવસાયીક લાભ મેળવવા માટે હવાતીયા મારતી ચેનલોની લોકપ્રિયતા અને પ્રતિષ્ઠા તળીયે પહોંચી ગઈ છે.

તાજેતરમાં જ મુંબઈમાં બહાર આવેલા બનાવટી ટીઆરપી રેટીંગ કૌભાંડ અંગે પોલીસે શરૂ કરેલી તપાસમાં ચાર વ્યક્તિએ ન્યાયધીશ સમક્ષ નિવેદન આપ્યું છે કે, ટીવી ચેનલોએ તેમને પોતાના ટીવી પર નિશ્ર્ચિત ચેનલો ચાલુ રાખવા માટે રૂપિયા આપ્યા હતા. ત્રણ વ્યક્તિઓએ ન્યાયધીશ સમક્ષ સોગંદનામુ રજૂ કરીને કંઈ કંઈ ચેનલ પરથી ક્યાં ક્યાં પ્રોગ્રામ જોવા માટે પૈસા આપવામાં આવ્યા છે તેની વિગતો નોંધાવી હતી. મુંબઈની ખાનગી ચેનલ પોતાની ટીઆરપી વધારવા માટે દર્શકોને પૈસા આપતી હોવાના બહાર આવેલા અહેવાલો બાદ પોલીસે તપાસ શરૂ કરી છે. કલમ ૧૬૪ સીઆરપીસી અંતર્ગત પોલીસે આ નિવેદનો નોંધ્યા હતા. બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સીલ (બીએઆરસી) દ્વારા ટીવી ચેનલો દ્વારા મોટાપાયે બનાવટી ટીઆરપી ઉભી કરવા અવેધ રસ્તો અપનાવ્યો હોવાનું બહાર આવ્યું હતું. આ ગેરરીતિ માટે લોકોને પોતાના ટીવી ખુલ્લા રાખવા માટે અને તેના ઉપર ચોક્કસ ચેનલો જોવા માટે દબાણ કરાતું હોવાનું પોલીસમાં જણાવાયું હતું. આ તપાસના એએસઆઈ સચીન વાજાએ કસુરવાર ટીવી ચેનલો અને તેના પ્રતિનિધિઓ સામે ગુનો નોંધ્યો હતો.

ટીઆરપી કૌભાંડમાં કસુરવાર ચેનલો સામે ૩ મહિનાનો પ્રતિબંધ

સમગ્ર દેશમાં ભારત ખળભળાટ મચાવનાર બોગસ ટીઆરપી કાંડમાં મુંબઈ પોલીસે ચેનલો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધર્યા બાદ બીએઆરસી દ્વારા કથીત કૌભાંડકારી ચેનલો સામે ૩ મહિનાનો પ્રતિબંધ લગાવ્યો હતો.

Loading...