Abtak Media Google News

બીજી ઓગસ્ટે છે મુખ્યમંત્રીનો દિવસ

સૌને સાથે રાખી ચાલવાની એમની પધ્ધતિ અન્યથી અજોડ છે

રાજકોટ અને વિજયભાઇ રૂપાણી એવી વાત આવે તો આપણને એમ જ લાગે તે એ બન્ને એકબીજા માટે બન્યા છે. રાજકોટના વિકાસમાં ભારતીય જનતાપાર્ટીના જે જે અગ્રણીઓનો ફાળો છે એમાં વિજયભાઇ રૂપાણી અગ્ર હરોળમાં છે. રાજકોટના મેયર તરીકે અને સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન તરીકે એમણે કરેલાં કામો અને લીધેલાં નિર્ણયોના સુફળ રાજકોટવાસીઓ આજે પણ ખાઇ રહ્યા છે. શહેર-ગ્રામીણ વિસ્તારો ની જળ સમસ્યા હોય કે યાત્રાધામો-પ્રવાસન સ્થળો માટે  આધુનિક સ્વચ્છતા પધ્ધતિ કે ગરીબોના આવાસ કે એવું કંઇ પણ હોય એમાં વિજયભાઇ રુપાણીનું વિઝન, એમની ધગશ સતત અનુભવાયાં છે અને એ જ કાર્યપધ્ધતિ, કાર્યપ્રણાલીનો લાભ મુખ્યમંત્રી દરરજે છેલ્લા ચાર વર્ષથી સમગ્ર ગુજરાતને મળી રહ્યો છે એવું ભાજપના અગ્રણી રાજુભાઇ ધ્રુવે જણાવ્યું હતું.

બીજી ઓગસ્ટે વિજયભાઇ રુપાણીનો જન્મદિવસ છે અને સાતમી ઓગસ્ટે એમને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે જવાબદારી સંભાળ્યે ચાર વર્ષ પૂર્ણ થઇ રહ્યાં છે. ત્યારે એમને શુભેચ્છા પાઠવતાં વિશેષ માં રાજુભાઇ ધ્રુવે જણાવ્યું હતું કે આમ તો વિજયભાઇનો નાતો રાજકોટના કે સૌરાષ્ટ્રના સામાન્ય માણસો સાથે પણ નજીકનો છે. અને ભાજપના તો દરેક કાર્યકર્તા એમના માટે પરિવારજન સમાન છે. પરંતુ ખુશી સાથે હું કહી શકું કે એમના જાહેર જીવનનો હું નિકટના સાક્ષીઓ માંનો એક રહ્યો છું. અને એટલે મેં એમને પક્ષના સંગઠનમાં અને સત્તાક્ષેત્રે કામ કરતા જોયા છે. એ વ્યક્તિ પરિશ્રમની પરાકાષ્ઠા સર્જી શકે છે તો નિષ્ઠામાં તો નિચોવાઇ જાય છે.

તેમણે ઉમેર્યું કે વિદ્યાર્થી પરિષદના કાર્યકરથી લઇને, ધર્મેન્દ્રસિંહજી કોલેજના જીએસ કે પછી ભાજપના મહામંત્રી, મેયર સહિતના વિવિધતા ભર્યા હોદ્દો મળ્યા પરંતુ એમની કાર્ય પધ્ધતિ તો એક જ રહી અને તે સૌને સાથે રાખીને ચાલવાની પધ્ધતિ. જ્ઞાતિવાદી રાજકારણના સમયમાં, કાવાદાવાના સમયમાં પણ વિજયભાઇએ ક્યારેય પોતાના એ સિધ્ધાંતોમાં બાંધછોડ નથી કરી. મેં એમનામાં જે સૌથી મોટો ગુણ જોયો છે તે એ કે એ કોઈ ના માટે  શત્રુભાવ ક્યારેય નથી રાખતા. કોઇ મુદ્દે કોઇની સાથે ચર્ચા થાય. વાત થાય તો પણ એ વાત ત્યાં જ પુરી. અને રાજકીય રીતે સામસામે હોય એ વ્યક્તિ સાથે પણ અંગત વેર કોઇ દિલસ એમણે નથી રાખ્યું. એનો તાજેતરનો દાખલો છે.

અમદાવાદના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા કોરોના ગ્રસ્ત હોવા છતાં મુખ્યમંત્રીને મળ્યા હતા. જ્યારે એ કોરોનાગ્રસ્ત છે એવું જાહેર થયું ત્યારે વિજયભાઇએ એના ખબર અંતર પૂછ્યા એની સારવાર માટે પણ સૂચના આપી. કોરોના સંક્રમણમાં એમણે ફક્ત આવા જાણીતા લોકોની જ ખબર પૂછી એવું નથી. સાવ સામાન્ય લોકો સાથે સંવાદ કર્યો અને એમની સ્થિતિ જાણી. પહેલો કેસ નોંધાયો ત્યારથી એટલેકે ૧૯મી માર્ચથી વિજયભાઇ રુપાણી સતત તમામ કલેક્ટર, આરોગ્ય અધિકારીઓના સીધા સંપર્કમા રહ્યા. શહેરી અને ગ્રામ્ય વિસ્તાર બધે જ તમામ સુવિધા પૂરતી અને સમયસર મળે એ માટે એમણે ફક્ત ચિંતા નથી કરી, સતત પ્રયાસ કર્યા છે. લોકડાઉન દરમિયાન ગરીબ અને મધ્યમ વર્ગને અનાજ, દૂધ, દવાનો પુરવઠો મળી રહે એ માટે એ સતત તંત્રની સાથે દોડ્યા અને જાગ્યા છે. કોરોના સંક્રમણને નિયંત્રણમાં લેવામાં ગુજરાતનું કામ નોંધપાત્ર છે.

વિજયભાઇ રૂપાણીએ સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રનું જળસંકટ ભૂતકાળ બનાવી દીધું. તેઓ પાણી પુરવઠા મંત્રી હતા ત્યારે નર્મદા યોજનાના જળ કચ્છ સુધી પહોંચાડ્યા. રાજકોટ એઇન્સ હોસ્પિટલ નવા એરપોર્ટની ભેંટ વિજયભાઇએ આપી. નવું બસપોર્ટ તો કાર્યરત પણ થઇ ગયું છે.

વિજયભાઇએ નિષ્ઠા અને પરિશ્રમથી એમણે અન્ય રાજ્યો માટે પણ એક દાખલો બેસાડ્યો છે.૮ મહાનગરપાલિકાઓ,રૂ૧૬૩ નગરપાલિકાઓ શહેરી વિકાસ સતામંડળો ની ૧૦૦ કરતા વધુ ટાઉન પ્લાનિંગ ની સ્કીમો મંજુર કરી રાજ્યના વિકાસના દ્વાર ખોલી નાખ્યા છે. વિજયભાઇને આ જન્મ દિવસે એમના દીર્ઘ અને નિરોગી આયુષ્ય માટે આપણે શુભેચ્છા પાઠવીએ અને એમના નેતૃત્વમાં ગુજરાત સર્વાંગી વિકાસની સીડી ચડીને શિખરે પહોંચે એવી પણ શુભેચ્છા આપીએ એવું રાજુભાઇએ જણાવ્યુ હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.