રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં અધધધ ૭૫ હજાર મણ કપાસની આવક

119

નવુ માર્કેટીંગ યાર્ડ બન્યાં બાદ પ્રથમ વખત રેકોર્ડબ્રેક આવક

મબલખ આવક સામે નબળા માલના ભાવ ઘટયા: હાલ આવકમાં લગાવાય બ્રેક

હાલ સૌરાષ્ટ્રભરનાં માર્કેટીંગ યાર્ડમાં કપાસ-મગફળીનો નવો માલ ઠલવાઈ રહ્યો છે. સારા વરસાદને કારણે ખેડુતોને કપાસનો સારો ઉતારો મળ્યો છે. ત્યારે રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં આજે ૭૫ હજાર મણ કપાસની આવક થવા પામી હતી. જે નવુ માર્કેટીંગ યાર્ડ બન્યાબાદ પ્રથમ વખત થઈ છે. દિવાળી ઉપર કપાસના જે ભાવ હતા તેના પ્રમાણમાં હાલ મબલખ આવકથી ભાવમાં થોડો ઘટાડો પણ જોવા મળ્યો છે. સારા માલના રૂ.૯૦૦ થી ૧૦૦૦ ચાલે છે. પરંતુ નબળી ગુણવતાના કપાસનો ભાવ ઘટીને હાલ રૂ ૭૫૦ જેવો થવા પામ્યો છે.

અત્યાર સુધીમાં રાજકોટ માર્કેટીંગ યાર્ડના કયારેય પણ આટલા મોટા પ્રમાણમાં આવક જોવા મળી નથી. ખેડુતોએ આજે ૭૫ હજાર મણ જેટલો કપાસ ઠાલવી દેતા માર્કેટીંગ યાર્ડમાં કપાસથી છલકાયું છે. સૌરાષ્ટ્ર એપીએમસી વેપારી એસોસીએશનના પ્રમુખ અતુલભાઈ કમાણીના જણાવ્યા અનુસાર હાલ સારા કપાસના રૂ. ૯૦૦ થી લઈને રૂ.૧૦૦૦ સુધી જોવા મળી રહ્યા છે. જોકે પલળી ગયેલ કે નબળી ગુણવતાનો કપાસ રૂ. ૭૫૦ થી ૭૫૦ના સરેરાશ ભાવ વેચાઈ રહ્યો છે. આજે ૭૫ હજાર મણ કપાસની આવક આવતા સવારથી જ અન્ય કપાસની આવક બંધ કરી દેવામાં આવી છે.તેમજ જયાં સુધી માર્કેટીંગ યાર્ડ દ્વારા બીજી જાહેરાત કરવામાં ન આવે ત્યાં સુધી ખેડુતોએ રાજકોટ માર્કેટીંગ યાર્ડ ખાતે કપાસ નહિ લાવવા જણાવાયું છે. જેથી ખેડુતોને પરેશાન થવું ન પડે.

Loading...