રાજકોટ જિલ્લા બેંકની ચુંટણી જાહેર: ૨૬મીએ મતદાન

સોમવારે આખરી મતદારયાદી પ્રસિઘ્ધ કરાશે: ૭ મીથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે, ફોર્મ ભરવાની અંતિમ તારીખ ૧૦ જુલાઈ: ૧૭ બેઠકો માટે યોજાશે ચુંટણી: ૨૭મીએ મતગણતરી

રાજકોટ ડિસ્ટ્રીકટ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ (રાજકોટ જિલ્લા બેંક)ની ૧૭ બેઠકો માટે આગામી ૨૬મી જુલાઈનાં રોજ મતદાન યોજાશે. ધોરાજીનાં પ્રાંત અધિકારી અને ચુંટણી સતાધિકારી જી.વી.મીયાણીએ આજે જિલ્લા બેંકની ચુંટણી માટે જાહેરનામું પ્રસિઘ્ધ કર્યું છે. આગામી સોમવારે આખરી મતદારયાદી પ્રસિઘ્ધ કરવામાં આવશે અને ૭મીથી ઉમેદવારી ફોર્મ ભરવાનું શરૂ થશે. મોટાભાગની બેઠકો બિનહરીફ થાય તેવા સંકેતો હાલ વર્તાય રહ્યા છે.

ભાજપનાં દિગ્ગજ દિવાંગત નેતા વિઠ્ઠલભાઈ રાદડિયાનું વર્ચસ્વ ધરાવતી રાજકોટ જિલ્લા બેંકનાં ચેરમેન તરીકે હાલ તેઓનાં પુત્ર અને રાજય સરકારનાં કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયા સતારૂઢ છે. અગાઉ ચુંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને ૨૪ માર્ચનાં રોજ મતદારયાદી દાવા-વાંધા રજુ કરવાનો તબકકો પૂર્ણ થયા બાદ કોરોનાનાં કારણે રાષ્ટ્રવ્યાપી લોકડાઉનનાં કારણે ચુંટણી પ્રક્રિયા મુલત્વી રાખવામાં આવી હતી. દરમિયાન ગઈકાલે ધોરાજીનાં પ્રાંત અધિકારી અને રાજકોટ ડિસ્ટ્રીકટ કો-ઓપરેટીવ બેંક લીમીટેડનાં ચુંટણી સતાધિકારી જી.વી.મીયાણી દ્વારા વિધિવત જાહેરનામું પ્રસિઘ્ધ કરવામાં આવ્યું છે જેમાં જિલ્લા બેંકની ખેતી વિષયક અને વિવિધ કાર્યકારી સહકારી મંડળીઓનું મતદાન મંડળની ૧૩ બેઠકો, બિનખેતી વિષયક શરાફી અને અન્ય મંડળીઓનું મતદાર મંડળની ૨ બેઠકો, માર્કેટીંગ અને પ્રોસેસીંગ મંડળીઓનું મતદાન મંડળની ૧ બેઠક તથા ઈત્તર મંડળીઓનું મતદાર મંડળની ૧ સહિત કુલ ૧૭ બેઠકો માટે આગામી ૨૬મી જુલાઈનાં રોજ સવારે ૯ થી લઈ બપોરે ૪ વાગ્યા સુધી રાજકોટનાં કસ્તુરબા રોડ પર આવેલી એ.એસ.ચૌધરી હાઈસ્કુલ ખાતે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આગામી શનિવારનાં રોજ ધોરાજીની પ્રાંત કચેરી ખાતે કામચલાઉ મતદારયાદી સામેનાં વાંધા નિર્ણયો સ્વીકારવામાં આવશે જયારે ૬ જુલાઈનાં રોજ મતદારયાદીની આખરી પ્રસિઘ્ધિ કરવામાં આવશે.

૭મી જુલાઈથી ઉમેદવારી ફોર્મ મેળવી શકાશે અને ભરીને પરત આપી શકાશે. આ માટે ચુંટણી લડવા ઈચ્છુક ઉમેદવારે જુની કલેકટર કચેરી સ્થિત રાજકોટ પૂર્વનાં મામલતદારનો સંપર્ક કરવાનો રહેશે. ઉમેદવારી ફોર્મ ભરવાની અંતિમ તારીખ ૧૦ જુલાઈ નિયત કરવામાં આવી છે. ૧૧મી જુલાઈનાં રોજ ઉમેદવારીપત્રોની ચકાસણી કરવામાં આવશે અને માન્ય ઉમેદવારી પત્રોની યાદી જાહેર કરવામાં આવશે. ૧૩મી જુલાઈ સુધીમાં ઉમેદવારી ફોર્મ પરત ખેંચી શકાશે. ૧૬મી જુલાઈનાં રોજ સાંજે ૫ કલાકે હરીફ ઉમેદવારોની આખરી યાદી પ્રસિઘ્ધ કરવામાં આવશે. જયારે ૨૬મી જુલાઈને રવિવારનાં રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને ૨૭મી જુલાઈનાં રોજ સવારે ૯ વાગ્યાથી ચૌધરી હાઈસ્કુલ ખાતે મતગણતરી યોજવામાં આવશે.

રાજકોટ જિલ્લા બેંકમાં રાદડિયા પરીવારનું એક ચર્ક્રીય શાસન રહ્યું છે. આગામી ૨૬મી જુલાઈનાં રોજ જિલ્લા બેંકની જે ૧૭ બેઠકો માટે ચુંટણી યોજવાની જાહેરાત કરવામાં આવી છે તેમાં પણ હાલ એવા સંજોગો દેખાય રહ્યા છે કે, બધુ સમુસુતરુ ઉતરશે તો મોટાભાગની બેઠકો બિનહરીફ થશે અન્યથા એકથી બે બેઠકો માટે ચુંટણી યોજવી પડશે. બેંકનાં ચેરમેન તરીકે રાજય સરકારનાં કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયા પણ યથાવત રહે તેવી શકયતાઓ પણ દેખાય રહી છે.

Loading...