Abtak Media Google News

ઉમરગામમાં બે ઈંચ, ધરમપુર, વઘઈમાં દોઢ અને ભાવનગરના મહુવા અને સુરતમાં એક ઈંચ વરસાદ

રાજયમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૬૧ તાલુકાઓમાં વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. આજે રાજયના એકાદ બે જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. કાલથી રાજયમાં વરસાદનું જોર ઘટશે અને ચાર દિવસ સુધી એકંદરે વરાપ જેવો માહોલ જોવા મળશે.

સ્ટેટ ઈમરજન્સી સેન્ટરના જણાવ્યા અનુસાર રાજયમાં આજે સવારે પુરા થતા છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૧૯ જિલ્લાના ૬૧ તાલુકાઓમાં વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાના ઉમરગામમાં ૪૮ મીમી પડયો છે. રાજયમાં આજસુધીમાં કુલ ૭૦.૫૩ ટકા જેટલો વરસાદ વરસી ગયો છે. કચ્છમાં ૨૫.૨૧ ટકા, ઉતર ગુજરાતમાં ૩૮.૬૨ ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૬૪.૦૪ ટકા, સૌરાષ્ટ્રમાં ૬૯.૩૬ ટકા અને દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ ૯૧.૨૮ ટકા જેટલો વરસાદ પડયો છે.

છેલ્લા ૨૪ કલાક દરમિયાન ઉમરગામમાં ૨૮ મીમી, ધરમપુરમાં ૩૩ મીમી, વઘઈમાં ૩૨ મીમી, ભાવનગરના મહુવામાં ૨૫ મીમી, સુરતમાં ૨૩ મીમી, વાસંદામાં ૧૬ મીમી, ભાવનગરના સિંહોરમાં ૧૫ મીમી, અમરેલીના લાઠીમાં ૧૪ મીમી, ખેડાના ગલતેશ્વરમાં ૧૪ મીમી, બોટાદના ગઢડામાં ૧૪ મીમી, અમરેલીમાં ૧૩ મીમી, કપરારામાં ૧૩ મીમી અને ખેર ગામમાં ૧૨ મીમી વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. રાજયમાં હાલ સાર્વત્રિક અને ભારે વરસાદ આપે તેવી કોઈ સિસ્ટમ સક્રિય નથી.

દક્ષિણ ગુજરાત પર દરિયાઈ સપાટીથી ૧.૩ કિમીથી ૪.૫ કિમીની ઉંચાઈ પર એક અપરએર સાયકલોનીક સરકયુલેશન સર્જાયું છે. જેની અસરતળે આજે દક્ષિણ ગુજરાતના વલસાડ અને નવસારીમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ ઉપરાંત રાજયમાં આજે છુટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસશે. કાલથી વરસાદનું જોર ઘટશે અને ૪ દિવસ એકંદરે વરાપ જેવો માહોલ રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.