Abtak Media Google News

સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં સતત ચાર દિવસ સુધી અનરાધાર હેત વરસાવતા બાદ આજથી આગામી પાંચ દિવસ સુધી રાજયમાં મેઘરાજા વિરામ લેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. છેલ્લા ર૪ કલાક દરમિયાન રાજયના ૧૩૮ તાલુકાઓમાં વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. અષાઢ મા રોજ અનરાધાર વરસી મેઘરાજાએ સોળ આની વર્ષ રહેશે તેવા શુભ સંકેતો આપી દીધા છે. સૌરાષ્ટ્રમાં અષાઢ માસના પપ ટકાથી વધુ વરસાદ વરસી ગયો છે. તો રાજયમાં ૨૮ ટકા જેટલો વરસાદ વરસી ગયો છે. લો પ્રેસશ પશ્ર્ચિમ તરફ ફંટાયું છે. અને મોનસુન ટ્રફ પણ હિમાલયની તળેટીમાં ખસી ગયું છે. જેના કારણે પાંચ દિવસ સુધી વરસાદની સંભાવના નહિવત છે. સૌરાષ્ટ્રમાં હળવાથી મઘ્યમ વરસાદ પડશ. આજે સવારે ૧૪ તાલુકાઓમાં સામાન્ય ઝાપટા પડયા હતા.

આજે સવારે પુરા થતા છેલ્લા ર૪ કલાક દરમિયાન રાજયના ૧૩૮ તાલુકાઓમાં વરસાદ પડયો હતો. અષાઢ માસના ર૦ દિવસ જ વિત્યા છે. ત્યાં સૌરાષ્ટ્રમાં ૫૫.૪૮ ટકા વરસાદ પડી ગયો છે. આ વર્ષે સોળ આનીથી સવાયુ રહે તેવા ઉજળા સંજોગો રચાય ગયા છે. માંગ્યા મેઘ  વરસ્યા બાદ સમયસર વરાપ પણ નીકળતા ખેડૂતો ખુશ ખુશાલ થઇ થયા છે. રવિવારથી સતત ત્રણ દિવસ અનરાધાર વરસાદ પડયા બાદ બુધવારથી રાજયમાં વરસાદનું જોર ઘટયું હતું. ગઇકાલે રાજયના ૩૦ જીલ્લાના ૧૩૮ તાલુકાઓમાં વરસાદ ચોકકસ પડયો હતો. પરંતુ પ્રમાણ ઓછું રહ્યું હતું. સૌથી વધુ વરસાદ સુરતના ઉમર પાડામાં ૩૪ મી.મી.  પડયો હતો. બુધવારે સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, અમરેલી, ભાવનગર અને બોટાદ જિલ્લામાં ભેઘરાજીએ વિરામ લીધો હતો. જયારે રાજકોટ, પોરબઁદર, જુનાગઢ, ગીર સોમનાથ જીલ્લામાં હળવા ઝાપટાથી લઇ એકાદ ઇંચ સુધી વરસાદ વરસયો હતો.

હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યાનુસાર લો પ્રેશન હાલ પશ્ર્ચિમ તરફ દરિયામાં ફંટાય ગયું છે. જયારે મોનસુન ટ્રફ છેક કર્ણાટક સુધી સરકી ગયો છે. જેના કારણે રાજયનાં હાલ સાર્વગીક અને ભારે વરસાદ પડે તેવી એકપણ સિસ્ટમ સક્રિય નથી. સૌરાષ્ટ્રમાં છુટા છવાયા વિસ્તારોમાં હળવાથી મઘ્યમ વરસાદ પડશે નવી સિસ્ટમ સક્રિય થતા એકાદ સપ્તાહની રાહ જોવી પડશે. જો કે હાલ ભારે વરસાદ બાદ ખેડૂતો પણ વરાપની રાહ જોઇ રહ્યા છે. માંગ્યા મેઘ વરસ્યા બાદ વરાપ નીકળતા જગતાતને રાહત થવા પામી છે.

આજ સુધીમાં રાજયમાં મૌમસનો ૨૮.૨૨ ટકા જેટલો વરસાદ વરસી ગયો છે. કચ્છમાં સૌથી વધુ ૭૦.૦૬ ટકા વરસાદ પડી ગયો છે. તો ઉત્તર ગુજરાતમાં ૧૫.૨૯ ટકા, પૂર્વ- મઘ્ય ગુજરાતમાં ૧૭.૫૮ ટકા, સૌરાષ્ટ્રમાં ૫૫.૪૮ ટકા, અને દક્ષિણ ગુજરાતમાં ૨૮.૨૨ ટકા જેટલો વરસાદ પડી ગયો. રાજયનો એકપણ તાલુકો આજની તારીખે વરસાદ વિહોણો નથી.

વરસાદે વિરામ લીધો હોવા છતાં છલકાતા નદી નાળાના કારણે ડેમોમાં પાણીની આવક સતત ચાલુ છે. આજે સવારે પુરા થતા છેલ્લા ર૪ કલાક દરમિયાન ફોફળ, ભાદર-ર, મચ્છુ-ર, ડેમ-૧, ડેમી-ર, બ્રાહ્મણી-ર, ફૂલઝર, વર્તુ-ર, વઢવાણ ભોગાવો-ર, ફલકુ સહિતના જળાશયોમાં પાણીની આવક થવા પામી હતી. આજે સવારે રાજયના ૧૪ તાલુકાઓમાં સામાન્ય વરસાદી ઝાપટા પડયા હતા. અનરાધાર હેત વરસાવ્યા બાદ મેઘરાજાએ સમયસર વિરામ લેતા ખેડુતો સાથે તંત્રએ પણ રાહતનો શ્ર્વાસ લીધો છે.

વરસાદે વિનાશ વેર્યો: વીજતંત્રને ભારે નુકસાન

સૌરાષ્ટ્ર કચ્છમાં ૧૮૦૦ વીજપોલ ધરાશાયી, જામનગરના ૩૫ ગામો હજુ વીજળી વગરના: ૧૩૯ ફીડરો બંધ થયા, ૬૬ ટીસી ખોટવાયા: વીજકર્મીઓ રીપેરીંગ કામમાં ઊંધામાથે

સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદે વિનાશ વેર્યો હોય પીજીવીસીએલને ભારે નુકસાન થયું છે. જેમાં જામનગરના ૩૫ ગામો હજુ પણ વીજળી વગરના રહ્યા છે. જ્યારે ૧૮૦૦ જેટલા વીજપોલ જમીન દોસ્ત થયા હોવાનું પણ જાણવા મળ્યું છે. છેલ્લા ત્રણ દિવસથી વીજકર્મીઓ રીપેરીંગ કામમાં ઊંધેમાથે થઈને પરિસ્થિતિ થાળે પાડવાના પ્રયત્નો કરી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

વરસાદના કારણે પીજીવીસીએલના કુલ ૧૩૯ ફીડરો બંધ થયા છે. જેમાં પોરબંદરનું ૧ અને જામનગરના ૩ જ્યોતિગ્રામ ફીડર મળી કુલ ૪ જ્યોતિગ્રામ ફીડર, જૂનાગઢના ૩, મોરબીના ૫, જામનગરના ૭૦ અને ભુજના ૫૭ મળી કુલ ૧૩૫ એગ્રીકલ્ચર ફીડરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ૩૬ ગામોમાં વીજળી ગુલ થઈ છે. જેમાં જામનગરના ૩૫ અને પોરબંદરના એક ગામનો સમાવેશ થાય છે. જો કે જામનગરના ૩૫ ગામો એવા છે કે જ્યાં પાણી ભરાયા હોવાથી રીપેરીંગ કામ છેલ્લા ૨ દિવસથી થઈ શક્યું નથી. માટે હજુ સુધી ત્યાં અંધારપટ્ટ છવાયેલો છે.

આ સાથે રાજકોટ સિટીના ૬ વીજ પોલ, રાજકોટ રૂરલના ૧૬૩, મોરબીના ૪૬, પોરબંદરના ૧૨૮, જૂનાગઢના ૧૦૭, જામનગરના ૧૧૫૭, ભુજના ૧૦૭, અંજારના ૪૪, અમરેલીના ૩૬ અને સુરેન્દ્રનગરના ૬ મળી કુલ ૧૮૦૦ વીજપોલ ધરાશાયી થયા છે. ઉપરાંત રાજકોટ રૂરલના ૧૧, મોરબીના ૩, પોરબંદરના ૧૧, જૂનાગઢના ૧૦, જામનગરના ૨૮, ભુજ, અંજાર અને અમરેલીના એક-એક મળી કુઓ ૬૬ ટીસી ખોટવાયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.