Abtak Media Google News

કોંગ્રેસના અધ્યક્ષ તરીકે રાહુલની નિમણૂંક માટે તખ્તો તૈયાર: ગણતરીના દિવસોમાં સોંપાશે જવાબદારી

અગાઉની સરખામણીએ રાહુલમાં ઘણો ફેરફાર દેખાઈ રહ્યો હોવાનું નિષ્ણાંતો માને છે

રાહુલ ગાંધીને કોંગ્રેસના અધ્યક્ષ બનાવવા માટે તખ્તો તૈયાર થઈ ગયો છે. કોંગ્રેસના અધ્યક્ષ માટે પરંપરાગત રીતે નહે‚-ગાંધી પરિવારના સભ્યને જ પસંદગી કરાશે તે વાત જગજાહેર છે. જો કે, રાહુલ ગાંધીની નેતાગીરી ઉપર અનેક આંગળીઓ ચિંધાયા બાદ પણ તેમને જવાબદારી સોંપવા અંગે શંકા સેવાઈ રહી છે. રાહુલને પ્રમુખ બનાવવા એ કોંગ્રેસની મસમોટી ભૂલ સાબીત થશે કે તેઓ ઈન્દિરા ગાંધીની જેમ ડાર્કહોર્સ બની રહેશે તે જોવાનું રહ્યું.

કોંગ્રેસના અધ્યક્ષ માટે રાહુલ ગાંધીએ નામાંકન પત્ર ભરી દીધું છે. હવે માત્ર ગણતરીના દિવસો બાદ તેમને કોંગ્રેસના અધ્યક્ષની જવાબદારી સોંપી દેવાશે. ગઈકાલે નામાંકન પત્ર ભરતા સમયે રાહુલ ગાંધી સાથે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંગ અને પક્ષના અન્ય વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતા. અલબત આ સમયે સોનિયા ગાંધી હાજર નહોતા. રાહુલના નામાંકન પત્ર ભરતા સમયે તેમણે સ્પોટ લાઈટથી દૂર રહેવાનું પસંદ કર્યું હતું.

રાહુલ ગાંધીને કોંગ્રેસનો તખ્ત મળ્યા બાદ રાહુલની મુશ્કેલી વધશે કે કોંગ્રેસની તે અંગે અનેક સવાલો ઉઠી રહ્યાં છે. રાહુલ ગાંધીને કોંગ્રેસનું સુકાન સોંપવાની વાતો વર્ષ ૨૦૧૨થી થઈ રહી છે. તેમને ત્યારબાદ કોંગ્રેસના ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. જો કે, આ સમયગાળામાં કોંગ્રેસની લગાતાર હાર થઈ રહી છે. દરમિયાન રાહુલ ગાંધીને અધ્યક્ષ બનાવવામાં આવે તેવી માંગ પાર્ટીમાંથી ઉઠી હતી. અલબત લાંબા સમય સુધી રાહુલને અધ્યક્ષ પદ અપાયું ન હતું. જો કે ત્યારબાદ હવે રાહુલને અધ્યક્ષ બનાવવાનો તખ્તો ઘડાઈ ગયો છે. રાહુલ ગાંધીના છેલ્લા ઘણા સમયની સભાઓને નિષ્ણાંતો હવે ગંભીરતાથી લેવા લાગ્યા છે.

અગાઉની સરખામણીએ રાહુલમાં ઘણો ફેરફાર દેખાઈ રહ્યો હોવાનું નિષ્ણાંતો માને છે. પરંતુ સતત મળેલી હારથી રાહુલના ટેકેદારોનો વિશ્ર્વાસ તૂટતો જાય છે. ગુજરાતમાં રાહુલનો ચૂંટણી પ્રચાર અન્ય પ્રચારની સરખામણીએ વધુ આક્રમક જણાય રહ્યો છે. પરિણામે રાહુલને અધ્યક્ષ બનાવવાથી કોંગ્રેસની દિશા અને દશા શું રહેશે તે અંગે ઘણા તર્ક-વિતર્ક ઉઠી રહ્યાં છે. રાહુલના ટેકેદારો એવી દલીલ પણ કરે છે કે, રાહુલ સિવાય કોંગ્રેસમાં ભાજપ સામે લડી શકે તેવો નેતા નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.