દુકાનો ખુલ્લી રાખવાના સમયમાં ફેરફાર કરવાની જનતાની માંગ

સવારે ૭ થી ૧૨ અને બપોરે ૪ થી ૭ દુકાનો ખુલ્લી રાખવાની મંજૂરી આપો

જામનગર શહેરમાં જિલ્લા વહીવટી તંત્રએ વેપાર-ધંધા-દુકાનો ખુલ્લી રાખવા માટે સવારે ૮ થી સાંજે ૪ વાગ્યા સમય દરમિયાન છૂટ આપવામાં આવી છે, પણ હાલ મે મહિનાની કાળઝાળ ગરમી તથા હીટવેવના કારણે બપોરે ૧ર થી ૪ સુધીના સમયમાં લોકોને, ધંધાર્થીઓને નાછૂટકે ખરીદ-વેંચાણ માટે ભારે ત્રાસદાયક સ્થિતિનો અનુભવ કરવો પડી રહ્યો છે.

સામાન્ય દિવસોમાં પણ જામનગર શહેરમાં બપોરે ૧ થી ૪ મોટાભાગની દુકાનો બંધ રહે છે અને ઉનાળામાં તો બપોરના સમયે લોકો ઘરમાં જ રહેવાનું પસંદ કરે છે.

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા છૂટછાટના સમયમાં સૌને અનુકૂળ આવે તેવો ફેરફાર કરવો જોઈએ તેવી વ્યાપક લોકમાંગણી ઊઠવા પામી છે. જામનગર શહેરના લોકોની આદત અને તાસીરને પણ ધ્યાનમાં રાખીને તેમજ હાલની હીટવેવ જેવી સખત ગરમીના પ્રકોપને ધ્યાનમાં રાખીને વેપાર-ધંધા-દુકાનો-છૂટક ફેરીયાઓ માટેનો સમય સવારે ૭ થી બપોરે ૧ર અને સાંજે ૪ થી ૭ વાગ્યા સુધીનો રાખવાની જરૃર છે.

આમેય સાંજે ૭ થી સવારે ૭ વાગ્યા સુધી ૧ર કલાકનો રાત્રી કર્ફયુ તો અમલમાં છે જ. આથી તમામ લોકો સાંજે ૭ વાગ્યા પછી નીકળવાનો પ્રશ્ન રહેતો નથી.

Loading...