Abtak Media Google News

સીતારમન અને મેટીસ વચ્ચેની મુલાકાતમાં દરિયાઈ સુરક્ષા, આતંકવાદનો ખાત્મો અને હથિયારોનું ઉત્પાદન મહત્વનો મુદ્દો રહેશે

દેશના સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમન અને અમેરિકાના સેક્રેટરી ઓફ ડિફેન્સ જેમ્સ મેટીસ વચ્ચે ટૂંક સમયમાં બેઠક થવાની છે. જેમાં બન્ને દેશો સંરક્ષણ સહિતના ક્ષેત્રમાં વિવિધ કરાર અંગે સહમત થાય તેવી આશા છે. આ બેઠકમાં દરિયાઈ સુરક્ષા, આતંકવાદનો ખાત્મો અને સંરક્ષણ સાધનોનું સંયુકત ઉત્પાદન કરવા સહિતના મામલે વાટાઘાટો થશે.

અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં રાજકીય અને આતંકી ઓછાયો તેમજ ચીનનું આક્રમક વલણ પણ સીતારમન અને મેટીસની મુલાકાતનો મુદ્દો રહેશે. બુશ અને ઓબામાના શાસનકાળમાં ભારત અને અમેરિકાના સંબંધો સંરક્ષણ ક્ષેત્રમાં મજબૂત બન્યા હતા. અલબત ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાની સત્તા સંભાળ્યા બાદ સંરક્ષણ મંત્રાલયો વચ્ચે સંકલન ઓછુ જણાય રહ્યું છે. માટે દ્વિસ્તરીય સંબંધો મજબૂત બનાવવા અમેરિકાના સેક્રેટરી ઓફ ડિફેન્સ જેમ્સ મેટીસ અને સીતારમન વચ્ચે મુલાકાત થશે.

 

મેટીસ આગામી તા.૨૫ સપ્ટેમ્બરે સ્પેશ્યલ મીલીટરી એરક્રાફટમાં આવી પહોંચશે. અને બન્ને વચ્ચે ૨૬મીએ વાટાઘાટો થશે.

અગાઉ સંરક્ષણ મંત્રી મનોહર પરીકર અને એસ્ટોન કાર્ટર વચ્ચે થયેલી વાતચીતોને આ બન્ને નેતાઓ આગળ ધપાવશે. મેટીસ ૨૬મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને એનએસએ અજીત દોવલને મળશે. અફઘાનિસ્તાનમાં ભારતનું પ્રભુત્વ વધે તે માટે સહાય પૂરી પાડવાની ઈચ્છા ટ્રમ્પની છે. આ ઉપરાંત ચાઈનીઝ સબમરીનોનો હિંદ મહાસાગરમાં પગ પેસારો પણ અમેરિકાને ભારત વચ્ચેની ચર્ચાનો મુદ્દો બનશે. આ મુલાકાતમાં ૨૨ એમકયુ-૯બી ગાર્ડીયન ડ્રોન્સ મેળવવા માટે પણ ભારત અમેરિકા પર દબાણ કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.