Abtak Media Google News

ગુન્હેગારો ગુન્હા આચરવા માટે સતત અવનવા અખતરા કરતા હોય ફોરેન્સીક સાયન્સ વિભાગને ટેકનોલોજી વિકસાવવા પર ભાર મુકયો

ફોરેન્સીક સાયન્સ, ન્યાયપાલીકા અને પોલીસનો ત્રિવેણી સંગમ નાગરિકોની સુરક્ષીતા માટેનું અભિન્ન અંગ: મોદી

દેશની એકમાત્ર ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટીમાં ગઈકાલે દિક્ષાંત સમારોહ દરમિયાન વડાપ્રધાન મોદીએ ફોરેન્સીક સાયન્સના એકસપર્ટોને આહવાન કરતા જણાવ્યું હતું કે, દેશમાં વધી રહેલા દુષ્કર્મ જેવા જઘન્ય અપરાધોનો ઝડપી ભેદ ઉકેલી આવા અપરાધીઓને કડકમાં કડક સજા થાય તે માટે ડીએનએ ટેકનોલોજી વિકસાવી ગુનેગારોમાં ખૌફ પેદા થાય તેવી નકકર તપાસ માટે જરૂરી સંશોધનો કરી ન્યાય પાલિકાને મદદરૂપ થવા આહવાન કરવામાં આવ્યું હતું.

ગઈકાલે ગુજરાતની મુલાકાતે આવેલા વડાપ્રધાન મોદી વલસાડ, જુનાગઢ બાદ ગાંધીનગર સ્થિત ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટીના દિક્ષાંત સમારોહમાં હાજર રહ્યા હતા. આ તકે તેઓએ દેશમાં વધી રહેલા ગુનાખોરીને ડામવા માટે સાયન્સ યુનિવર્સિટીના હોનહાર સ્ટુડન્ટોને આહવાન કરતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, ફોરેન્સીક એકસપર્ટો એવી ડીએનએ ટેકનોલોજી વિકસાવે કે ગુનેગારો ગુનો કરતા સાથે વખત વિચાર કરે. ખાસ કરીને દુષ્કર્મ જેવા જઘન્ય અપરાધોમાં ગુનેગારોને ઝડપથી સજા મળે અને ન્યાય પાલિકા ડીએનએના આધારે સજા આપી ભોગ બનનારને ન્યાય અપાવે તેવી ટેકનોલોજી વિકસાવવા પર ભાર મુકયો હતો.

વધુમાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, અપરાધોને રોકવામાં ફોરેન્સીક સાયન્સની મહત્વપૂર્ણ ભૂમિકા છે. બદલાતા જતા સમયમાં અપરાધ કરવાની પ્રવૃતિમાં પણ બદલાવ આવ્યો છે. પોલીસ અને ન્યાય પાલિકા માટે અપરાધોનો ભેદ ઉકેલવો ચેલેન્જરૂપ બની ગયો છે ત્યારે ખાસ કરીને આધુનિક ટેકનોલોજીના યુગમાં ગુનાખોરીને રોકવાની જવાબદારી ફોરેન્સીક એકસપર્ટ પર વધુ નિર્ભર બની છે. આ સંજોગોમાં અપરાધીઓને અપરાધ કરતા રોકવા માટે મજબુત ટેકનોલોજી થકી રોકવા આવશ્યક હોવાનું પણ તેઓએ ભારપૂર્વક જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીએ ફોરેન્સીક સાયન્સ, ન્યાય પાલિકા અને પોલીસ આ ત્રણેય વિભાગો ક્રિમીનલ જસ્ટીસ ડિલેવરી સિસ્ટમના અભિન્ન અંગો હોવાનું જણાવી કહ્યું હતું કે, જે દેશમાં આ ત્રણેય અંગો જેટલા વધુ મજબુત હશે તેટલા જ એ દેશના લોકો વધુ સુરક્ષિત હશે.

આમ વડાપ્રધાન મોદીએ ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટીના દિક્ષાંત સમારોહમાં મહત્વપૂર્ણ મુદ્દો છેડી આવનારા દિવસોમાં ફોરેન્સીક સાયન્સ વિભાગની મહત્વતા પર ભાર મુકયો હતો.

ઘરેલુ હિંસા પાછળના કારણો શોધવા મગજના સંશોધન કરાશે

આજના સમયમાં ઘરેલુ હિંસાના કેસ દિન-પ્રતિદિન વધી રહ્યા છે ત્યારે રાજયની ફોરેન્સીક સમક્ષ એક ચોંકાવનારા કિસ્સામાં એક વ્યકિતએ ઘરેલુ હિંસા પાછળ મગજમાં ઉત્પન્ન થતા કેટલાક તત્વો જવાબદાર હોવાનું જણાવી આ મામલે તપાસ માટે માંગણી કરતા ફોરેન્સીક સાયન્સ વિભાગ દ્વારા આ કેસનું સ્ટડી કરવા તજવીજ શરૂ કરી ઘરેલું હિંસાના કિસ્સામાં પરિસ્થિતિનો ભોગ બનેલા લોકોનો મગજનું સંશોધન કરવા તૈયારી શરૂ કરી છે.

ગુજરાત ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટીના સહાયક પ્રોફેસર પ્રિયંકાએ જણાવ્યું હતું કે, મગજમાં ઉત્પન્ન થતા તરંગો વ્યકિતને આક્રમક બનાવે છે. ઘરેલુ હિંસાના કેસમાં આ નવી શરૂઆત થઈ શકે તેમ હોવાનું જણાવી આરોપીઓ સામે પગલા ભરવામાં આવે તે પહેલા એફઆઈઆરમાં જણાવેલી વિગતો ચકાસવા આ પઘ્ધતિ મજબુત સાબિત થશે. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે તાજેતરમાં દિક્ષા નિર્દેશ જાહેર કરી ઘરેલુ હિંસાના કેસમાં એફઆઈઆર નોંધતા પહેલા ભોગ બનેલાઓને સમજાવટ માટે જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે માલેગાંવ બોમ્બ વિસ્ફોટ હોય કે ગેંગરેપના કિસ્સા હોય કે પછી કોઈ હત્યાના કિસ્સા હોય અત્યાર સુધીમાં મગજના તરંગો માપવાની ટેકનીકનો ઉપયોગ થતો આવ્યો છે ત્યારે ઘરેલું હિંસાના કિસ્સામાં મગજના તરંગો માપવાનો આ પ્રથમ કિસ્સો હોવાનું પણ ગુજરાત ફોરેન્સીક યુનિવર્સિટીના સહાયક પ્રોફેસર ડો.કેકરે ઉમેર્યું હતું.

વધુમાં ઈલેકટ્રોએન્સફાલોગ્રામ નામની આ પઘ્ધતિ દ્વારા મગજના વિદ્યુત તરંગોને માપવામાં આવે છે અને આ પઘ્ધતિ દ્વારા ખરેખર કઈ ક્ષણમાં આરોપીએ આવેશમાં આવી કૃત્ય આચર્યું છે તેનો કયાસ કાઢી શકાય છે. જોકે હાલમાં ઘરેલુ હિંસાના કેસમાં મહિલા પોલીસ સ્ટેશનોમાં એફઆઈઆર દાખલ કરતા પૂર્વે મહિલા અને પુરુષને સમજાવટથી સમાધાન કરવાના પ્રયાસો કરવામાં આવે છે અને આવા કિસ્સાઓને કુટુંબ કલ્યાણ સમિતિને મોકલવામાં આવે છે પરંતુ હવે ઘરેલુ હિંસાના કિસ્સામાં આરોપ ધરાવતી વ્યકિતએ ફોરેન્સીક યુનિવર્સિટીનો સંપર્ક સાધતા રાજયમાં આ નવતર પ્રકારનો સ્ટડી હાથ ધરવામાં આવે તેમ હોવાનું મનાઈ રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.