Abtak Media Google News

૧૮મીએ અમદાવાદ મેટ્રો ફેઝ -૨ને લીલીઝંડી અપાશે: ગાંધીનગરના અત્યાધુનિક રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન પણ વડાપ્રધાન કરે તેવી શકયતા

વડાપ્રધાન મોદી ૧૬થી ૧૮ જાન્યુઆરી વચ્ચે એટલે કે ત્રણ દિવસમાં ગુજરાતના ચાર જેટલા પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. આ અંગે મુખ્યમંત્રી વિજય રુપાણીએ કહ્યું કે, PM મોદી કેવડિયા-વડોદરા વચ્ચેની ટ્રેન સેવાનો ૧૬ જાન્યુઆરીએ શુભારંભ કરાવશે. જ્યારે કેવડિયા રેલવે સ્ટેશનનું પણ ઇ-લોકાર્પણ કરશે. તેમજ ૧૮ જાન્યુઆરીએ અમદાવાદ મેટ્રો ફેઝ-૨નો શુભારંભ કરાવશે.

આ ઉપરાંત ગાંધીનગરમાં બની રહેલા અત્યાધુનિક રેલવે સ્ટેશનનું મોટા ભાગનું કામ પૂર્ણ થઈ ગયું છે. પીએમ મોદી ૧૮ જાન્યુઆરીએ આ રેલવે સ્ટેશનનું વર્ચ્યુઅલ ઉદઘાટન કરે એવી શક્યતા છે. આ રેલવે સ્ટેશન પર જ ૩૦૦ રૂમની ફાઇવસ્ટાર હોટલ પણ તૈયાર થઈ રહી છે, જેના રૂમમાં બેઠાં બેઠાં સ્વર્ણિમ સંકુલ અને વિધાનસભા પણ જોઈ શકાશે. આ રેલવે સ્ટેશન દેશનું પહેલું એવું રેલવે સ્ટેશન બનશે, જેમાં મુસાફરોને પ્રાર્થના કરવા માટે એક વિશેષ રૂમની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ રેલવે સ્ટેશનમાં પ્રાર્થના રૂમ બનાવવામાં આવશે અને મુસાફરો ટ્રેનની રાહ જોવા સમયે પ્રાર્થના કરી શકે છે. આ સાથે આ રેલવે સ્ટેશનમાં મહિલાઓને તેના બાળકને ફીડિંગ કરાવવા માટે બેબી ફીડિંગ રૂમનું નિમાર્ણ પણ કરવામાં આવ્યું છે.

ગાંધીનગરમાં બની રહેલા રેલવે સ્ટેશનનાં અનેક આકર્ષણની વિશેષતામાંથી એક છે સોલર પેનલ. રેલવે સ્ટેશનમાં સોલર પેનલ લગાવવામાં આવશે, જેથી મોટા ભાગની વીજળી સોલરમાંથી જ મળી રહેશે. હાલમાં આ રેલવે સ્ટેશન ઉપર ત્રણ પ્લેટફોર્મ છે, જ્યાં આવવાવાળા મુસાફરો માટે એક પ્લેટફોર્મ ઉપરથી બીજા પ્લેટફોર્મ ઉપર જવા માટે એક સ્પેશિયલ ટનલ બનાવવામાં આવી છે. પહેલા પ્લેટફોર્મ પરથી બીજા પ્લેટફોર્મ પર મુસાફરો સરળતાથી કોઈ દુર્ઘટના વિના જ જઈ શકે એવી વ્યવસ્થા કરવામાં આવી છે. ટનલનું કાર્ય પૂર્ણ થઈ ચૂક્યું છે.

રેલવે સ્ટેશનમાં જેટલી સુવિધા આપવામાં આવી છે એટલું જ એલિવેશન આકર્ષક બનાવવામાં આવ્યું છે. હોટલમાં આવનારા મુસાફરો માટે અલગ રસ્તાઓ બનાવવામાં આવ્યા છે. અંડરબ્રિજમાં મહાત્મા ગાંધીના જીવનની ઝાંખી થશે. એમાં મહાત્મા ગાંધીના નાનપણથી લઈને સ્વતંત્રતા સંગ્રામ સુધીની ક્ષણોને જાણી શકાશે. રેલવે સ્ટેશનના મુખ્ય પ્રવેશદ્વારની સામે જ ફાઈવસ્ટાર હોટલ બનાવવામાં આવી છે અને આકર્ષક ગાર્ડન જોવા મળશે. આ રેલવે સ્ટેશનમાં હોટલ બનાવવાનું કામ વર્ષ ૨૦૧૭માં શરૂ થયું હતું. હોટલ બિલ્ડિંગની ઊંચાઈ ૭૭ મીટર છે.

પ્રોજેકટમાં હોટલની સાથે સાથે રેલવે સ્ટેશનનો પૂર્ણ વિકાસ કરવામાં આવ્યો છે, જેમાં શોપિંગ મોલ, રેસ્ટોરાં સહિતની અનેક સુવિધા હશે. આ રેલવે સ્ટેશનનું નિર્માણ ઇન્ડિયન રેલવે સ્ટેશન ડેવલપમેન્ટ કોર્પોરેશન (IRSDC) અને રાજ્ય સરકારના સહયોગથી કરવામાં આવી રહ્યું છે. આ રેલવે સ્ટેશન અનેક રીતે મહત્ત્વનું છે, કારણ કે એ મહાત્મા મંદિર અને હેલિપેડથી વધુ નજીક છે. ગાંધીનગરમાં દર બે વર્ષે વાઈબ્રન્ટ ગુજરાત સંમેલન થાય છે. ઉપરાંત રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય અધિવેશન થતાં હોય છે, જેથી દુનિયાભરના લોકો આ રેલવે સ્ટેશનનો લાભ લઈ શકશે તેમજ દેશી-વિદેશી ડેલિગેટ્સને રેલવે સ્ટેશન પાસેની જ ફાઈવસ્ટાર હોટલમાં રહેવાની સુવિધા મળી શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.