Abtak Media Google News

દેશના ૧૧ ધાર્મિક સ્થાનોની પવિત્ર માટીથી રામમંદિરના નિર્માણ કાર્યનો પ્રારંભ કરાશે

ટ્રસ્ટ દ્વારા અડવાણી, જોષી, ભાગવત સહિતના મહાનુભાવોને આમંત્રિત કરાયા

કરોડો હિન્દુઓનાં આસ્થાના પ્રતિક એવા ભગવાન શ્રી રામના જન્મભૂમિ સ્થાન અયોધ્યા પર રામમંદિર બનાવવાની ઐતિહાસીક ઘડી આવી પહોચી છે. સુપ્રીમ કોર્ટે વિવાદીત સ્થાનને રામજન્મભૂમિ હોવાનું સ્પષ્ટ કરીને ત્યાં રામમંદિર બનાવવાનો માર્ગ મોકળો કરતો ચૂકાદો આપ્યો હતો જે બાદ રામમંદિર બનાવવા માટે બનાવેલા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા આગામી પાંચમી ઓગષ્ટે બપોરે ૧૨.૩૦ કલાકના અભિજીત મૂહૂર્તમાં વડાપ્રધાન મોદીના હસ્તે રામમંદિરના નિર્માણકાર્યનો પ્રારંભ કરવાનો નિર્ણય કર્યો છે. દ્વારકાના શંકરાચાર્ય સહિતના અનેક સંતોનાં વિરોધ વચ્ચે ટ્રસ્ટે આ મુહુર્તમાં રામમંદિર નિર્માણકાર્ય પ્રારંભ કરવાનો નિર્ણયમાં કોઈ ફેરફાર કરવાનો ઈન્કાર કર્યો છે.

દેશના જાણીતા જયોતિષાચાર્ય અખિલેશ સીંગે પાંચમી ઓગષ્ટના અભિજીત મૂહૂર્તમાં રામમંદિર નિર્માણના પ્રારંભનું મૂહૂર્ત કાઢયું છે. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રામમંદિરના નિર્માણકાર્ય માટે દેશના ૧૧ ધાર્મિક સ્થાનોની માટી એકઠી કરી છે. આ પવિત્ર માટી વડે રામમંદિરના નિર્માણ કાર્યનો પ્રારંભ કરવામાં આવશે. તેમ ટ્રસ્ટના સુત્રોએ જણાવ્યું છે વીએચપીનાં કાર્યવાહક પ્રમુખ આલોક કુમારે દ્વારકાના શંકરાચાર્ય સ્વરૂપાનંદ મહારાજના મૂહૂર્ત અંગેના વિરોધને નકારી કાઢતા જણાવ્યું હતુ કે વારાણસી અને અયોધ્યાના પ્રખ્યાત સાધુ-સંતો અને જયોતિષાચાર્યો પાસે આ મૂહૂર્ત કઢાવવામાં આવ્યું છે.

આ મૂહૂર્ત ટ્રસ્ટના સભ્ય એવા પૂનાના સ્વામિ ગોવિંદદેવ ગૂરૂ મહારાજે અગ્રણી સાધુ સંતો અને જોતિષાચાર્યા સાતે મસલત કરીને કઢાવ્યું છે આ તમામ સાધુ સંતો અને જયોતિષાચાર્યોએ પાંચમી ઓગષ્ટના મૂહૂર્તને શ્રેષ્ઠ અને અભિજીત મુહૂર્ત ગણાવ્યું છે જેથી આ મૂહૂર્તમાં જ રામમંદિરના નિર્માણકાર્યનો પ્રારંભ થશે. તેમ જણાવીને કૂમારે ઉમેર્યું હતુ કે ૧૯૮૪થી શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદજી અમારા એકપણ કાર્યક્રમને સહયોગ નથી આપતા અને વિરોધ કરતા રહે છે. ટ્રસ્ટના ચેરમેન મહંત નૃત્યગોપાલદાસના મદદનીશ મહંત કમલનયને પણ આ મુદે જણાવ્યું હતુ કે ગોવિંદદેવ સ્વામીએ વારાણસી અને અયોધ્યામાં સાધુ સંતો અને જયોતિષાચાર્યો સાથે મળીને આ મુહુર્ત કાઢ્યું છે અને તે બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આ અંગેની જાણકારી આપવામા આવી છે.

આ કાર્યક્રમ માટે ટ્રસ્ટ દ્વારા અયોધ્યામાં રામમંદિર નિર્માણ માટે આંદોલન ચલાવનારા એલ.કે. અડવાણી, મુરલી મનોહર જોષી કલ્યાણસીંગ, ગૃહમંત્રી અમીત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સીંગ, સંઘના સુપ્રીમો મોહન ભાગવત ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિતના મહાનુભાવોને આમંત્રીત કરાયા છે. હાલમાં કોરોનાની સ્થિતિની કારણે ટ્રસ્ટ દ્વારા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાવિકો એકઠા ન થાય તે માટે આયોજન કરીને આ કાર્યક્રમનું ટીવી ચેનલોમાં લાઈવ ટેલીકાસ્ટ કરવા ઉપરાંત અયોધ્યા શહેરમાં ઠેર ઠેર વિશાળ સ્ક્રીનો લગાવીને તેમાં પણ લાઈવ ટેલીકાસ્ટ કરવામાં આવનારૂ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.