Abtak Media Google News

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વહેલી સવારે ચીનના પ્રવાસે જવા રવાના થઈ ગયા છે. પીએમ મોદી 18મા શાંઘાઈ સહયોગ સંગઠન (એસસીઓ) સંમેલનમાં ભાગ લેવા માટે ચીનના પ્રવાસે જઈ રહ્યા છે. જોકે દોઢ મહિનામાં તેમનો આ બીજો ચીન પ્રવાસ છે. તે એપ્રિલમાં અનૌપચારિક બેઠક માટે ચીન ગયા હતા.

મોદી સંમેલન સમયમાં ચીનના પ્રમુખ શી જિનપિંગ અને 4 અન્ય દેશોના રાષ્ટ્રાધ્યક્ષો સાથે દ્વિપક્ષીય વાટાઘાટો પણ કરશે. એસસીઓની મુખ્ય બેઠક 10 જૂને થશે. ઈરાનના પ્રમુખ હસન રુહાની નિરીક્ષક દેશોના રાષ્ટ્રાધ્યક્ષ તરીકે સમિટમાં ભાગ લેશે. અમેરિકા સાથે ડીલ તૂટ્યા બાદ અહીં ઈરાનના પરમાણુ કાર્યક્રમને ચીન, રશિયા અને ભારત ટેકો પણ આપી શકે છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશકુમારે જણાવ્યું કે મોદી અને શી જિનપિંગ વુહાનમાં લેવાયેલા નિર્ણયોનો અમલ થયો કે નહીં તેનું નિરીક્ષણ કરશે.

એસસીઓ સભ્ય દેશોની પાસે યુરેશિયન દેશોની 60 ટકા જમીન છે. આ 8 દેશોમાં દુનિયાની અંદાજે 50 ટકા વસતી રહે છે. તેના સભ્ય દેશો પાસે દુનિયાની અંદાજે 20 ટકા જીડીપી છે. ચીનમાં ચોથી વખત આ સમિટ થઈ રહી છે. એસસીઓના સભ્ય દેશ આ ‌વખતે એક નવા સંબંધની પહેલ કરી શકે છે, જેનો આશય ‘ન જોડતોડ, ન વિવાદ અને ન કોઈ ત્રીજા દેશ વિરુદ્ધ કોઈ પગલું ઉઠાવવું’ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.